ગુરુવારે એક જ દિવસમાં અપર વૈતરણામાં ૧૨૨ એમએમ, વૈતરણામાં ૧૪૪ એમએમ, મિડલ વૈતરણામાં ૧૩૭ એમએમ, તાનસામાં ૧૦૯ એમએમ અને ભાત્સામાં ૧૩૭ એમએમ વરસાદ પડ્યો હ
મરીન ડ્રાઇવ પર ગઈ કાલે વરસાદની મજા માણી રહેલાં ટીનેજર્સ (તસવીર : સમીર માર્કન્ડે)
બુધવારના જોરદાર વરસાદ બાદ ગઈ કાલે શહેરમાં છૂટાંછવાયાં ઝાપટાં પડ્યાં હતાં. આ સમય દરમ્યાન મુંબઈને પાણી પૂરું પાડતાં જળાશયોમાં પણ ધોધમાર વરસાદ વરસતાં પાણીની સારીએવી આવક થઈ છે એ મુંબઈગરા માટે સારા સમાચાર છે. આજે પણ મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં મધ્યમથી લઈને ભારે ઝાપટાં પડી શકે એવી શક્યતા વેધશાળાએ દર્શાવી છે.
વેધશાળાએ આજે પાલઘર અને રાયગડ જિલ્લામાં ઑરેન્જ અલર્ટ જાહેર કરી છે, જ્યારે થાણે અને મુંબઈમાં યલો અલર્ટ જાહેર કરી છે. બીએમસીના જણાવ્યા મુજબ જળાશયોમાં સારા વરસાદને કારણે પાણીની આવક થઈ છે. ગઈ કાલે સવારે ૬ વાગ્યા સુધીની ગણતરી મુજબ કુલ પાણીનો જથ્થો ૧,૨૯,૩૪૮ મિલ્યન લિટર હતો, જે કુલ ૧૪,૪૭,૩૬૩ મિલ્યન લિટરના ૯ ટકા જેટલો થયો છે. ગુરુવારે એક જ દિવસમાં અપર વૈતરણામાં ૧૨૨ એમએમ, વૈતરણામાં ૧૪૪ એમએમ, મિડલ વૈતરણામાં ૧૩૭ એમએમ, તાનસામાં ૧૦૯ એમએમ અને ભાત્સામાં ૧૩૭ એમએમ વરસાદ પડ્યો હતો. મુંબઈમાં આવેલાં વિહાર અને તુલસી જળાશયોમાં અનુક્રમે ૧૫૯ એમએમ અને ૨૩૫ એમએમ વરસાદ પડ્યો હતો.
આને લીધે બીએમસી આજે પાણીકાપનો નિર્ણય ફરી એક વાર મોકૂફ રાખે એવી શક્યતા છે. જો જુલાઈના પહેલા અઠવાડિયા સુધીમાં જળાશયોમાં ૧૫ ટકા જેટલું પાણી જમા થશે તો પાણીકાપ લાદવામાં ન આવે એવી શક્યતા છે.