Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ૧૦ કરોડ રૂપિયાની માગણી, ઝેડ-પ્લસ સિક્યૉરિટી સુધ્ધાં નહીં બચાવી શકે એવી ધમકી

૧૦ કરોડ રૂપિયાની માગણી, ઝેડ-પ્લસ સિક્યૉરિટી સુધ્ધાં નહીં બચાવી શકે એવી ધમકી

Published : 27 November, 2026 07:38 AM | Modified : 27 November, 2026 07:39 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

માહિમના પી.સી. જૈન જ્વેલર્સના માલિક ભરત જૈનને ખંડણીના ત્રણ મેસેજ આવેલા, પણ તેમણે અવગણ્યા: મુંબઈના ઝવેરીઓમાં આતંક ફેલાઈ જાય એવો ઘટનાક્રમ.

માહિમના પી. સી. જૈન જ્વેલર્સની શૉપ પર થયેલા ગોળીબાર પછી ઘટનાસ્થળે મળેલો બુલેટનો શેલ તથા ઘટના પછી પોલીસ સાથે વાત કરતા ભરત જૈન. તસવીરો : આશિષ રાજે

માહિમના પી. સી. જૈન જ્વેલર્સની શૉપ પર થયેલા ગોળીબાર પછી ઘટનાસ્થળે મળેલો બુલેટનો શેલ તથા ઘટના પછી પોલીસ સાથે વાત કરતા ભરત જૈન. તસવીરો : આશિષ રાજે


પી. સી. જૈન જ્વેલર્સackgmd@mid-day.comના ૪૫ વર્ષના માલિક ભરત જૈનને બુધવારે સાંજે તેમના માહિમ ખાતેના શોરૂમ પર બાઇક પર આવેલા બે હુમલાખોરોએ બેથી ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું એ પહેલાં ૧૩ દિવસમાં ૧૦ કરોડ રૂપિયાની ખંડણીની માગણી સહિત ત્રણ ધમકીભર્યા મેસેજ મળ્યા હતા એમ પોલીસે ગુરુવારે જણાવ્યું હતું.

ભરત જૈનના નિવેદન મુજબ તેમને ૧૮ ઑક્ટોબરે સાંજે અંદાજે ૫.૨૮ વાગ્યે અજાણ્યા નંબર પરથી પહેલો ધમકીભર્યો મેસેજ મળ્યો હતો. એ મેસેજમાં તેમને ગોળી મારી દેવાની ધમકી આપવામાં આવી હતી. ભરત જૈને જણાવ્યું હતું કે નંબર અજાણ્યો હોવાથી તેમણે એ પહેલાં આવેલો કૉલ રિસીવ કર્યો નહોતો. બાદમાં તેમણે બનેવી અશોક જૈનને એ વિશે જાણ કરી હતી જેમણે એ સ્પૅમ હોઈ શકે એવું સૂચન કર્યું હતું. આથી ભરત જૈને એને અવગણી દીધો હતો.



વધુ ધમકીઓ


૨૪ ઑક્ટોબરે ભરત જૈનને સાંજે ૭થી ૭.૧૫ વાગ્યાની વચ્ચે બીજા એક અજાણ્યા નંબર પરથી બે કૉલ આવ્યા હતા જે તેમણે રિસીવ કર્યા નહોતા. ત્યાર બાદ એક મેસેજ આવ્યો હતો, પરંતુ એ સમજાયો ન હોવાથી તેમણે એને અવગણી દીધો હતો.

‘ઝેડ-પ્લસ પણ નહીં બચાવી શકે’


ત્રીજી અને સૌથી સ્પષ્ટ ધમકી ૩૧ ઑક્ટોબરે રાતે ૮.૩૮ વાગ્યે આવી હતી. એ મેસેજમાં તેમને વધુ હોશિયારી ન મારવાની ચેતવણી આપીને દાવો કરવામાં આવ્યો હતો કે ઝેડ-પ્લસ સિક્યૉરિટી પણ તેમને બચાવી નહીં શકે અને ૧૦ કરોડ રૂપિયાની માગણી કરીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.

પોલીસ પાસે કેમ ન ગયા?

આ ધમકીથી ડરી ગયેલા ભરત જૈને ફરી તેમના બનેવી અશોક જૈનને જાણ કરી હતી જેમણે ફરીથી એ સ્પૅમ અથવા સાઇબર ફ્રૉડનો પ્રયાસ હોઈ શકે એવું જણાવ્યું હતું. કોઈની સાથે કોઈ વિવાદ કે દુશ્મનાવટ ન હોવાથી ભરત જૈનને કોઈ ચોક્કસ વ્યક્તિ પર શંકા ગઈ નહોતી. તેમણે અજાણ્યા નંબરો પરથી આવતા કૉલ રિસીવ કરવાનું શરૂ કર્યું હતું અને ત્યાર બાદ કોઈ ધમકી ન આવતાં તેમણે પોલીસ-ફરિયાદ ન નોંધાવવાનો નિર્ણય લીધો હતો.

પ્રત્યક્ષદર્શીનું વર્ણન

એક પ્રત્યક્ષદર્શીએ બન્ને હુમલાખોરો મધ્યમ બાંધાના હોવાનું જણાવ્યું હતું. એક હુમલાખોરે કાળું જૅકેટ, કાળું ટ્રાઉઝર, કાળો માસ્ક અને કૅપ પહેરી હતી, જ્યારે બીજાએ એવું જ જૅકેટ, બ્લુ જીન્સ અને હેલ્મેટ પહેરી હતી. આ ફાયરિંગ ખંડણીની ધમકીઓ સાથે જોડાયેલું હોવાની શંકા છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ મેસેજ મોકલનારે લૉરેન્સ બિશ્નોઈ ગૅન્ગ સાથે સંકળાયેલો હોવાનો દાવો કર્યો હતો. જોકે પોલીસ આ દાવાની સત્યતા અને એમાં ગૅન્ગની સંડોવણી છે કે નહીં એની તપાસ કરી રહી છે.

શોધખોળ ચાલુ

મોટરસાઇકલ છોડી દીધા બાદ બન્ને આરોપીઓ ભાગી છૂટવા માટે બોરીવલીથી ટ્રેનમાં બેઠા હોવાના રિપોર્ટ છે. પોલીસ તેમની હિલચાલ જાણવા અને તેમની ઓળખ કરવા માટે શોરૂમ અને આસપાસના વિસ્તારોના ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ તેમ જ અન્ય ટેક્નિકલ પુરાવાઓની તપાસ કરી રહી છે.

પોલીસ-કાર્યવાહી

ઍડિશનલ કમિશનર ઑફ પોલીસ વિક્રમ દેશમાને અને ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ (DCP) ઝોન-પાંચ મહેન્દ્ર પંડિતે બુધવારે સાંજે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. પોલીસ-અધિકારીઓ અને ફૉરેન્સિક ટીમે સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. ફાયરિંગમાં વપરાયેલી મોટરસાઇકલ બાદમાં બાંદરા રેલવે-સ્ટેશન નજીકથી મળી આવી હતી. તપાસકર્તાઓને જાણવા મળ્યું હતું કે એના પર નકલી નંબર-પ્લેટ લગાવેલી હતી અને એને ટ્રેસ ન કરી શકાય એ માટે એનો વ્હીકલ આઇડેન્ટિફિકેશન-નંબર ભૂંસી નાખવામાં આવ્યો હતો.

ગોળીબારની ઘટના

રાતે અંદાજે ૭.૩૦ વાગ્યે માહિમ-વેસ્ટમાં એલ. જે. રોડ પર શોભા હોટેલ જંક્શન નજીક જાગૃતિ સોસાયટીના નવરોજી બિલ્ડિંગમાં આવેલી ભરત જૈનની દુકાનમાં ફાયરિંગ થયું હતું હુમલાખોરોએ ગોળીબાર કર્યો ત્યારે ભરત જૈન અને તેમના સ્ટાફ નામદેવ ગુરવ અંદર હતા. આ ઘટનામાં કોઈને ઈજા થઈ નહોતી, પરંતુ દુકાનનો કાચનો પ્રવેશદ્વાર તૂટી ગયો હતો.

ફાયરિંગનો હુમલો

૨૫ નવેમ્બરે ભરત જૈને શોરૂમ ખોલ્યો; છ વર્ષથી કામ કરતા સ્ટાફ નામદેવ ગુરવ પણ ડ્યુટી પર હતા.

ભરત જૈન લંચ માટે બહાર ગયા અને દુકાને પાછા ફર્યા.

ભરત જૈન અંદર બેઠા હતા અને નામદેવ ગુરવ કૅશ કાઉન્ટર પાસે હતા ત્યારે કાળી મોટરસાઇકલ પર આવેલા બે હુમલાખોરો બહાર ફુટપાથ પર ઊભા રહ્યા.

પાછળ બેઠેલા હુમલાખોરે પિસ્ટલ કાઢીને બેથી ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું જેનાથી કાચનો પ્રવેશદ્વાર તૂટી ગયો અને બન્ને બાંદરા તરફ ભાગી ગયા.

ગોળીબારનો અવાજ સાંભળીને પાડોશી દુકાનદારો સોહન પ્રજાપતિ, હરીશ માળી અને રૂપેશ માળી ઘટનાસ્થળે દોડી આવ્યા.

ભરત જૈને પોતાની અને સોહન પ્રજાપતિની દુકાનનાં CCTV ફુટેજ તપાસ્યાં જેમાં બાઇકનો રજિસ્ટ્રેશન-નંબર (MH 15 AJ 3565) જોવા મળ્યો.

ફોટો કૅપ્શન: બુધવારે જ્યાં શૂટિંગની ઘટના બની હતી એ સ્થળ.

Whatsapp-channel Whatsapp-channel

27 November, 2026 07:39 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK