હાઈ-ફાઈ જિંદગી જીવવા માટે આડી લાઇને ચડેલા ૩૪ વર્ષના યુવાનની ૧૬ લાખ રૂપિયાથી વધુની કિંમતના હેરોઇન સાથે ધરપકડ
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
મીરા-ભાઈંદર, વસઈ-વિરાર પોલીસ સાથે જોડાયેલા ઍન્ટિ-નાર્કોટિક્સ સેલે ગુરુવારે રાતે મીરા રોડના એક પ્રતિષ્ઠિત મૉલના ૩૪ વર્ષના રેડીમેડ કપડાંના વેપારી અશફાક શેખની ૧૬ લાખ રૂપિયાથી વધુની કિંમતના ડ્રગ્સ સાથે ધરપકડ કરી હતી. આ વેપારી હાઈ-ફાઈ જિંદગી જીવવા માટે ઘણા સમયથી કપડાંના બિઝનેસના ઓઠા હેઠળ ડ્રગ્સનો બિઝનેસ કરતો હતો.
બાતમીદારો તરફથી મળેલી માહિતીના આધારે પોલીસ-ઇન્સ્પેક્ટર અમર મરાઠેની આગેવાની હેઠળ ઍન્ટિ-નાર્કોટિક્સ સેલે મીરા રોડના નયાનગર વિસ્તારમાં રસાઝ મલ્ટિપ્લેકસ ઍન્ડ શૉપિંગ મૉલની પાછળના પાર્કિંગમાં રાતના નવ વાગ્યે છટકું ગોઠવ્યું હતું. ત્યાં તેમણે સંદિગ્ધ ડ્રગ પેડલિંગ પ્રવૃત્તિઓને ઢાંકવા માટે રેડીમેડ કપડાંની દુકાન ચલાવતા અશફાક શેખ પાસેથી ૨૫ ગ્રામ ડ્રગ્સનો કબજો કરીને તેની ધરપકડ કરી હતી.