વંદે ભારત એક્સપ્રેસ મુંબઈથી અમદાવાદ આવતાં બોરીવલી, વાપી, સુરત, વડોદરા અને અમદાવાદ ઊભી રહે છે. હવે એમાં આણંદનો પણ એક સ્ટૉપેજ તરીકે ઉમેરો થશે.
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ અને અમદાવાદ વચ્ચે દોડતી અને સૌથી લોકપ્રિય વંદે ભારત એક્સપ્રેસ હવે મિલ્ક-સિટી આણંદમાં પણ ઊભી રહેશે. આણંદના સંસદસભ્ય મિતેશ પટેલે રેલવેપ્રધાનને કરેલી રજૂઆતને પગલે આણંદને સ્ટૉપેજ આપવામાં આવશે એવો પત્ર ગઈ કાલે રેલવેવિભાગ દ્વારા તેમને મળ્યો છે અને એની જાહેરાત સંસદસભ્યે કરી હતી. એથી મુંબઈથી આણંદ જતા કે આણંદથી મુંબઈ આવતા મુસાફરોને લાભ મળશે.
આણંદના સંસદસભ્ય મિતેશ પટેલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘વંદે ભારત એક્સપ્રેસને આણંદમાં સ્ટૉપેજ આપવામાં આવે એવી રજૂઆત રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવને મેં કરી હતી. તાજેતરમાં પાર્લમેન્ટના બજેટસત્ર દરમ્યાન પણ ફરી એક વાર રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવને રજૂઆત કરી હતી અને પત્ર પણ આપ્યો હતો. ગઈ કાલે મારી ઑફિસમાં રેલવેવિભાગ દ્વારા પત્ર મળ્યો હતો કે વંદે ભારત ટ્રેનને આણંદમાં સ્ટૉપેજ મળશે. લગભગ માર્ચ મહિનાથી વંદે ભારત ટ્રેન આણંદ ઊભી રહેશે.’
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે વંદે ભારત એક્સપ્રેસ મુંબઈથી અમદાવાદ આવતાં બોરીવલી, વાપી, સુરત, વડોદરા અને અમદાવાદ ઊભી રહે છે. હવે એમાં આણંદનો પણ એક સ્ટૉપેજ તરીકે ઉમેરો થશે.

