Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > માત્ર શોક નહીં, મદદનો સજ્જ‍ડ સાથ

માત્ર શોક નહીં, મદદનો સજ્જ‍ડ સાથ

Published : 17 September, 2026 07:07 AM | IST | Mumbai
Mehul Jethva | mehul.jethva@mid-day.com

વીસમા માળેથી નીચે પટકાઈને જીવ ગુમાવનાર ઇલેક્ટ્રિશ્યનના પરિવાર માટે મુલુંડની સર્વોદય હાઇટ‍્સ સોસાયટીના સભ્યોએ ૮ દિવસમાં ૧૭ લાખ રૂપિયા ભેગા કર્યા, લક્ષ્યાંક ૨૫ લાખ રૂપિયાનો

સોસાયટીમાં રવીન્દ્ર સાવંતને આપવામાં આવેલી શ્રદ્ધાંજલિ.

સોસાયટીમાં રવીન્દ્ર સાવંતને આપવામાં આવેલી શ્રદ્ધાંજલિ.


મુલુંડ-વેસ્ટ સ્થિત સર્વોદયનગરમાં આવેલી નાહર ગ્રુપની સર્વોદય હાઇટ્સ કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં છેલ્લાં ૧૦ વર્ષથી ઇલેક્ટ્રિશ્યન તરીકે ફરજ બજાવતા ૫૭ વર્ષના રવીન્દ્ર સાવંતનું ૮ સપ્ટેમ્બરે ડક્ટ એરિયામાંથી નીચે પટકાતાં ગંભીર ઈજાઓને કારણે મૃત્યુ થયું હતું. આ કરુણ દુર્ઘટનાથી આખી સોસાયટીમાં શોકની કાલિમા છવાઈ ગઈ હતી. જોકે આ મુશ્કેલ સમયમાં સોસાયટીના સભ્યોએ માત્ર શોક વ્યક્ત કરવાને બદલે માનવતાનું અદ્ભુત ઉદાહરણ દર્શાવીને મૃત્યુ પામેલા રવીન્દ્ર સાવંતના પરિવારની વહારે આવવાનો અનુકરણીય નિર્ણય લીધો છે. આ સોસાયટીના ૧૭૫ ફ્લૅટમાં રહેતા મેમ્બરોએ સ્વેચ્છાએ રવીન્દ્રના પરિવાર માટે પૈસા ભેગા કરવાની શરૂઆત કરીને છેલ્લા ૮ દિવસમાં ૧૭ લાખ રૂપિયાનું ફન્ડ ભેગું કરી લીધું છે એટલું જ નહીં, સોસાયટીના મેમ્બરોએ પચીસ લાખ રૂપિયાની મદદ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે.

સોસાયટીના સેક્રેટરી હર્ષદ શાહે ભીની આંખે 
‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રવીન્દ્ર સાવંત ટેક્નિકલી સોસાયટી દ્વારા રાખવામાં આવેલા કૉન્ટ્રૅક્ટરના કર્મચારી હતા, પણ સોસાયટીના ૧૭૫ ફ્લૅટ્સના દરેક પરિવારના સભ્ય જેવા હતા. તેમણે નાના-મોટા સૌનાં દિલમાં સ્થાન બનાવ્યું હતું. સોસાયટીનું લક્ષ્ય ઓછામાં ઓછું પચીસ લાખ રૂપિયાનું ફન્ડ એકઠું કરવાનું છે. આ રકમને એવી સુરક્ષિત જગ્યાએ રોકાણ કરવામાં આવશે જેથી રવીન્દ્રના પરિવારને દર મહિને પંદરથી ૨૦ હજાર રૂપિયાનું નિયમિત વ્યાજ મળતું રહે. મૃત્યુ પછીની વિધિઓ પૂર્ણ થયા બાદ પત્ની અને બન્ને પુત્રીઓને સોસાયટીમાં સન્માનપૂર્વક બોલાવીને આ રકમ સોંપવામાં આવશે.’



પૈસા નહીં, પ્રેમ અને સંબંધો સાચવનાર સ્વભાવ
સોસાયટીના રહેવાસી પારસ શાહે રવીન્દ્ર સાવંતની સેવાભાવના યાદ કરતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘તે રાત્રે રિક્ષા ચલાવતા અને દિવસે સોસાયટી માટે સમય આપતા હતા. સોસાયટીના કોઈ વડીલ કે મહિલા ચાલતાં જતાં દેખાય તો પોતાની રિક્ષામાં બેસાડીને મૂકી આવતા. અડધી રાત્રે પણ કોઈ મદદ માટે ફોન કરે તો એક જ રિંગમાં ફોન ઉપાડીને મિનિટોમાં હાજર થઈ જતા હતા. તેમણે ક્યારેય પૈસાને મહત્ત્વ ન આપ્યું પણ સંબંધોને જીવંત રાખ્યા હતા. આ જ કારણ છે કે જ્યારે આ અકસ્માત થયો ત્યારે સોસાયટીના નાના બાળકથી લઈને વડીલો સુધી સૌની આંખોમાં આંસુ હતાં. નાનામાં નાનું કામ હોય કે મોટું કામ હોય, તેમના મોઢામાં કોઈ દિવસ ના નહોતી.’  


શું બની હતી ઘટના?
સોસાયટીમાં ૮ સપ્ટેમ્બરે બપોરના સમયે વીસમા માળે પાઇપલાઇન લીક થતાં સમારકામ માટે પ્લમ્બર આવ્યા હતા. વધારાની મદદ માટે તેમણે રવીન્દ્ર સાવંતને ફોન કર્યો. અે સમયે રવીન્દ્ર સોસાયટીના મૅનેજર રવિ લાકડે સાથે જમવાની તૈયારી કરી રહ્યા હતા, પરંતુ પોતાની ફરજને પ્રથમ પ્રાધાન્ય આપીને તે વીસમા માળે પહોંચ્યા હતા. ઇલેક્ટ્રિશિયન હોવા છતાં તેઓ મદદ કરવા પહોંચ્યા હતા અને ડક્ટમાંથી ઊતરીને ACના કૉમ્પ્રેસર અ‍ૅન્ગલ પર પગ મૂકતાં જ અૅન્ગલ તૂટી ગયો હતો અને રવીન્દ્ર સાવંત બૅલૅન્સ ગુમાવીને નીચે પટકાયા હતા. હૉસ્પિટલમાં ડૉક્ટર્સે તેમને મૃત જાહેર કર્યા હતા.


Whatsapp-channel Whatsapp-channel

17 September, 2026 07:07 AM IST | Mumbai | Mehul Jethva

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK