ઘરે કહ્યા વગર જ આવેલી આ છોકરીને ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ફરી પરિવારને સોંપી
પ્રતીકાત્મક તસવીર
સ્વીડનથી ગુમ થયેલી ટીનેજરને મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચે શોધીને તેના પરિવારને સોંપી હતી. આ ટીનેજર ઇન્સ્ટાગ્રામ પર થયેલા પોતાના એક મિત્રને મળવા માટે આવી હતી. જોકે તેણે પોતાના પરિવારને તેના ભારત-પ્રવાસ વિશે જણાવ્યું નહોતું. ક્રાઇમ બ્રાન્ચના જણાવ્યા પ્રમાણે ચોથી ડિસેમ્બરે ઇન્ટરપોલ ઑફિસે મુંબઈની ક્રાઇમ બ્રાન્ચને સ્વીડનથી ગુમ થયેલી ૧૬ વર્ષની ટીનેજર મુંબઈ આવી છે તેમ જ તેના ઇન્સ્ટાગ્રામ મિત્ર સાથે સંપર્કમાં છે એમ જણાવ્યું હતું. ત્યાર બાદ ક્રાઇમ બ્રાન્ચના ૬ નંબર યુનિટના પોલીસ ઇન્સ્પેક્ટર રવીન્દ્ર સાળુંખે અને તેમની ટીમે ઇન્સ્ટાગ્રામના તેના મિત્રને શોધી કાઢ્યો હતો તેમ જ તેની પૂછપરછ બાદ સગીર યુવતી મુંબઈમાં જ છે તેમ જ ચિત્તા કૅમ્પમાં રહેતી હોવાની માહિતી મળી હતી.
ટીનેજરને શોધી કાઢ્યા બાદ તેના પરિવારને જાણ કરવામાં આવી હતી. ટીનેજરના પિતા મુંબઈ આવ્યા ત્યારે તેમને દીકરી સોંપવામાં આવી હતી. તપાસ કરતાં ખબર પડી કે તે કૉલેજમાં ભણે છે તેમ જ સ્કૉલરશિપ પણ મેળવે છે. સ્કૉલરશિપમાં મળતી રકમનો ઉપયોગ કરીને તેણે વિમાનની ટિકિટ ખરીદી હતી. ટીનેજરના ઇન્સ્ટાગ્રામ મિત્રએ જ ચિત્તા કૅમ્પમાં સાત દિવસ રહેવા માટેની વ્યવસ્થા કરી હતી. બન્ને જાન્યુઆરી ૨૦૨૦થી એકબીજાને ઇન્સ્ટાગ્રામ દ્વારા ઓળખતા થયાં હતાં.

