ઇંગ્લિશમાં વાત કરતા નાગરિકોની ફરિયાદનું નિરાકરણ માટે આચોલે પોલીસ-સ્ટેશનના અધિકારીઓને આપવામાં આવી રહી છે તાલીમ
આચોલે પોલીસ સ્ટેશનમાં અધિકારીઓ ઇંગ્લિશ શીખી રહ્યા છે.
આજના આધુનિક યુગમાં પોલીસને દરેક રીતે સક્ષમ કરવા માટે મીરા-ભાઈંદર વસઈ-વિરાર પોલીસ કમિશનરેટના આચોલે પોલીસ-સ્ટેશનના અધિકારીઓને ઇંગ્લિશ શિખવાડવા માટે તાલીમ આપવામાં આવી રહી છે. સમયાંતરે એવું જોવા મળ્યું હતું કે પોલીસ-સ્ટેશનમાં આવતા નાગરિકો ઇંગ્લિશમાં વાત કરતી વખતે કૉન્સ્ટેબલ લેવલના અધિકારીઓ તેમની તકલીફ સમજી શક્યા નહોતા. એ ઉપરાંત અમુક ક્રાઇમમાં સંબંધિત બૅન્કો અથવા બીજા ડિપાર્ટમેન્ટ સાથે વાત કરવા પણ તેઓ સક્ષમ નહોતા. એ જોતાં જાન્યુઆરી મહિનાથી આચોલે પોલીસ-સ્ટેશનમાં ટ્રેઇનિંગ-સેશનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. હાલ કેટલાક અધિકારીઓમાં સારું પરિવર્તન જોવા મળ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
મોટા ભાગના ક્રાઇમમાં મેઇલ કરવાની સાથે ક્રાઇમ સમજવા માટે ઇંગ્લિશ ખૂબ જ જરૂરી છે, જોકે અમારા પોલીસ-સ્ટેશનના કૉન્સ્ટેબલ લેવલના અધિકારીઓનું ઇંગ્લિશ ખૂબ જ નબળું હોવાથી અમે ટ્રેઇનિંગ શરૂ કરી છે એમ જણાવતાં આચોલે પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર સુજિતકુમાર પવારે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘છેલ્લા કેટલાક સમયથી અધિકારીઓ ઇંગ્લિશ વિશે સમસ્યાનો સામનો કરી રહ્યા હતા. જોકે તેઓ ખૂલીને કોઈ ચીજ કહી શકતા નહોતા એટલે અમે પોલીસ-સ્ટેશનમાં જ ઇંગ્લિશ સ્પીકિંગના ક્લાસ ચાલુ કર્યા હતા. રોજ સવારે ૯થી ૧૦ વાગ્યા સુધીમાં અધિકારીઓને ટ્રેઇનિંગ આપવામાં આવે છે, જેમાં તેમને બોલતાંની સાથે લખતાં પણ શિખવાડવામાં આવી રહ્યું છે. રોજ થોડી પ્રૅક્ટિસ કરીને કઈ રિતે ઇંગ્લિશ ફ્લુઅન્ટ કરી શકાય એની માહિતી પણ આપવામાં આવી રહી છે.’
ADVERTISEMENT
અધિકારીઓએ ટૂંક સમયમાં ખૂબ જ સારું ઇંગ્લિશ શીખી લીધું છે એમ જણાવતાં પોલીસને ઇંગ્લિશ શીખવતા શિક્ષક અક્ષય ગાયકવાડે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પોલીસ-અધિકારીઓને એકબીજા સાથે ઇંગ્લિશમાં કઈ રીતે વાત કરવી એ શિખવાડવામાં આવી રહ્યું છે. એ ઉપરાંત ઇંગ્લિશમાં મેઇલ કરી રીતે લખવી એ પણ શિખવાડવામાં આવી રહ્યું છે. બૅન્કના નોડલ ઑફિસરોને કઈ રીતે ક્રાઇમ વિશે માહિતી મોકલવી એ પણ શિખવાડવામાં આવી રહ્યું છે. આવતા એક મહિનામાં તમામ સ્ટાફ ફ્લુઅન્ટ ઇંગ્લિશ બોલતો થઈ જશે એવો અમારો વિશ્વાસ છે.’

