૨૦૨૦માં અપાર્ટમેન્ટનું રિનોવેશન કરવામાં આવ્યું હતું એના ૯૫ લાખ રૂપિયા પણ ભરવાના બાકી છે
મેહુલ ચોકસીના ઘરની બહાર ચોંટાડવામાં આવેલી જુદી-જુદી નોટિસો.
પંજાબ નૅશનલ બૅન્ક સાથે ૧૩,૫૦૦ કરોડ રૂપિયાનો ફ્રૉડ કરવાના આરોપી મેહુલ ચોકસીની બેલ્જિયમમાં ધરપકડ કરવામાં આવી છે અને તેને ભારત લાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે ત્યારે જાણવા મળ્યું છે કે મેહુલ ચોકસીની માલિકીના મુંબઈના પૉશ મલબાર હિલ વિસ્તારના ગોકુલ અપાર્ટમેન્ટમાં ત્રણ ફ્લૅટ આવેલા છે. આ ફ્લૅટ્સનું ૬૩ લાખ રૂપિયા મેઇન્ટેનન્સ મેહુલ ચોકસીએ ભર્યું ન હોવાનું સોસાયટીના કમિટી મેમ્બરે જણાવ્યું હતું.
ગોકુલ અપાર્ટમેન્ટના કમિટી મેમ્બરે કહ્યું હતું કે ‘મેહુલ ચોકસીના ૯, ૧૦ અને ૧૧મા માળે ફ્લૅટ આવેલા છે. સાત વર્ષથી આ ત્રણેય ફ્લૅટનું મેઇન્ટેનન્સ ભરવાનું બાકી છે. ૨૦૨૦માં અપાર્ટમેન્ટનું રિનોવેશન કરવામાં આવ્યું હતું એ માટે દરેક ફ્લૅટમાલિક પાસેથી ત્રીસથી ૩૫ લાખ રૂપિયા લેવામાં આવ્યા હતા. મેહુલ ચોકસીના ત્રણ ફ્લૅટ છે એટલે તેણે ૬૩ લાખ રૂપિયા મેઇન્ટેનન્સ ઉપરાંત રિનોવેશનના ૯૫ લાખ રૂપિયા આપવાના બાકી છે. લાંબા સમયથી આ ત્રણેય ફ્લૅટ બંધ છે એટલે એમાં અનેક નાનાં-મોટાં ઝાડ ઊગી ગયાં છે. આ ઝાડનાં મૂળિયાં નીચેના માળ કે દીવાલમાં ઊતરી ગયાં છે જેને લીધે બિલ્ડિંગને નુકસાન થવાની શક્યતા છે. મેહુલ ચોકસીને ભારતમાં લાવવામાં આવ્યા બાદ અમને ભારતના કાયદા પર વિશ્વાસ છે એટલે અપાર્ટમેન્ટની બાકીની રકમ મળી જશે.’


