ગોરેગામના ખડકપાડામાં લાગેલી આગમાં ફર્નિચર માર્કેટની અનેક દુકાનો બળીને ખાખ
તસવીરોઃ સતેજ શિંદે
ગોરેગામ (ઈસ્ટ)માં ખડકપાડા વિસ્તારમાં આવેલી ફર્નિચર માર્કેટની દુકાનો અને ગોડાઉનમાં ગઈ કાલે સવારે ૧૧.૧૯ વાગ્યે આગ ફાટી નીકળી હતી. લાકડું, વાર્નિશ, પ્લાસ્ટિક, થર્મોકોલ જેવી બીજી જલદીથી સળગી ઊઠે એવી ચીજોનો ત્યાં સંગ્રહ કરવામાં આવ્યો હોવાથી આગે ગણતરીની મિનિટોમાં જ વિકરાળ સ્વરૂપ પકડી લીધું હતું. આગમાં કોઈ જાનહાનિ થઈ નથી કે કોઈને ઈજા થયાના અહેવાલ નથી, પણ ૪૦,૦૦૦ સ્ક્વેર ફુટમાં આગ ફેલાઈ હોવાથી ફર્નિચર માર્કેટના અનેક ગાળા બળીને ખાખ થઈ ગયા છે.
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના જણાવ્યા અનુસાર સવારે ૧૧.૧૯ વાગ્યે એક જ દુકાનમાં લાગેલી આગ બહુ ઝડપથી આજુબાજુની દુકાનોમાં ફેલાઈ હતી. આ માર્કેટની દુકાનો ગ્રાઉન્ડ સાથે એક માળના સ્ટ્રક્ચરમાં ફેલાયેલી છે. આગ જે રીતે ફેલાઈ રહી હતી એ જોતાં ફાયરબ્રિગેડના ઑફિસરોએ એ વધારે ન ફેલાય એ માટે એને રોકવાના ઉપાય યોજ્યા હતા. આગ એટલી ભયાનક હતી કે એને ઓલવવા ૧૨ ફાયર-એન્જિન, ૧૧ જમ્બો ટૅન્કર અને અન્ય યંત્રણાઓ લગાડવામાં આવ્યાં હતાં.
ADVERTISEMENT
આ જ ફર્નિચર માર્કેટને લાગીને ફિલ્મસિટીમાં મૂવી અને સિરિયલોના સેટ પર ઉપયોગમાં લેવાતા મટીરિયલનાં વેરહાઉસ આવેલાં છે. એ આગ ત્યાં પહોંચે તો બહુ મોટું નુકસાન થવાની શક્યતાઓ હોવાથી એ વેરહાઉસમાં કામદારોએ બની શકે એટલો માલ બચાવી લીધો હતો અને બહાર કાઢી સેફ જગ્યાએ ટ્રાન્સફર કર્યો હતો. સવારે સવાદસે લાગેલી આગ પર બપોરે સવાત્રણ વાગ્યા સુધીમાં કાબૂ મેળવી શકાયો હતો. જોકે એ પછી પણ કૂલિંગ ઑપરેશન ચાલુ રાખવામાં આવ્યું હતું. આ આગમાં કરોડો રૂપિયાનો ફર્નિચરનો માલસામાન બળી ગયો હોવાનું ચર્ચાઈ રહ્યું હતું.