Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > કમર્શિયલ ગૅસની અછતને પગલે કેટરર્સના કેવા હાલ છે?

કમર્શિયલ ગૅસની અછતને પગલે કેટરર્સના કેવા હાલ છે?

Published : 19 March, 2026 06:59 AM | IST | Mumbai
Varsha Chitaliya | varsha.chitaliya@mid-day.com

વેડિંગ સીઝનના ઑર્ડર મેનુમાં ફેરફાર કરીને માંડ પૂરા કર્યા અને હવે હાઉસ-વૉર્મિંગ, બર્થ-ડે, પ્રી-વેડિંગ ફંક્શન, ક્રિકેટ ટુર્નામેન્ટ જેવી ઇવેન્ટ્સનાં બુકિંગ લેવાનું બંધ કરવાનો વારો આવ્યો. જોકે કેટલાક જાણીતા કેટરર્સ ગૅસની પાઇપલાઇન અને અવનથી કામ ચલાવી રહ્ય

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


વેડિંગ સીઝનના ઑર્ડર મેનુમાં ફેરફાર કરીને માંડ પૂરા કર્યા અને હવે હાઉસ-વૉર્મિંગ, બર્થ-ડે, પ્રી-વેડિંગ ફંક્શન, ક્રિકેટ ટુર્નામેન્ટ જેવી ઇવેન્ટ્સનાં બુકિંગ લેવાનું બંધ કરવાનો વારો આવ્યો. જોકે કેટલાક જાણીતા કેટરર્સ ગૅસની પાઇપલાઇન અને અવનથી કામ ચલાવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે

ગૅસનો પુરવઠો ખોરવાતાં રેસ્ટોરાં અને કેટરિંગ બિઝનેસને મોટો ફટકો પડ્યો છે. કમર્શિયલ ગૅસની અછતને કારણે અનેક રેસ્ટોરાં અને કેટરિંગ સર્વિસવાળાએ મેનુમાંથી કેટલીક વાનગીઓની બાદબાકી કરી નાખી છે. ઇઝરાયલ-અમેરિકા અને ઈરાન વચ્ચેનું યુદ્ધ લંબાશે તો રસોડાને તાળાં લાગી જશે અને રોજગારને ગંભીર અસર થશે એવો ભય તેમને સતાવી રહ્યો છે. પરિસ્થિતિને તેઓ કઈ રીતે મૅનેજ કરી રહ્યા છે એ જાણવા ‘મિડ-ડે’એ કેટરર્સ સાથે વાત કરી.



નવાં કામ લેવાનું બંધ કર્યું : નીરજ મહેતા


વિલે પાર્લે સ્થિત કપોળ કેટરર્સના નીરજ મહેતાએ જણાવ્યું હતું કે ‘ગૅસ કેટરિંગ-બિઝનેસની કરોડરજ્જુ છે. નવાં કામ લેવાનાં બંધ કરી દીધાં. ગૅસનો પુરવઠો ચાલુ હોવાનું ન્યુઝમાં બતાવે છે પણ સપ્લાયરની ગાડી ખાલી ઊભી છે. અમે દરરોજ પૂછીએ છીએ પણ તે લોકો પાસે જવાબ નથી. આ વર્ષની લગ્નની સીઝન પૂરી થઈ ગઈ અને નવી સીઝન અક્ષય તૃતીયા પછી શરૂ થશે. અત્યારે બર્થ-ડે, પ્રી-વેડિંગ ફંક્શન અને વીક-એન્ડ ક્રિકેટ ટુર્નામેન્ટના ઑડર્ર વધુ હોય; બધાને ના પાડી દીધી. જે કામ હાથ પર હતાં એ માંડ પૂરાં કર્યાં. મેનુમાં સિઝલર હતું તેમને ગ્રેવીવાળી ડિશનો ઑપ્શન આપ્યો. ફૂલકા રોટલીમાં ગૅસ વધુ વપરાય આથી એને કૅન્સલ કરી પરાઠાં સર્વ કર્યાં. અમારા ફીલ્ડમાં રિપીટ ક્લાયન્ટ્સ વધુ હોય. બધાએ કોઑપરેટ કર્યું. અત્યારે ગૅસ વગર અટકી ગયા છીએ. લગ્નની નવી સીઝન પહેલાં પરિસ્થિતિ થાળે પડશે એવી આશા છે.’

પરિસ્થિતિ​ બદલાય ત્યાં સુધી જંપી જાઓ : જિજ્ઞેશ લાખાણી


ઘાટકોપર સ્થિત જ્યોત કેટરિંગ સર્વિસના જિજ્ઞેશ લાખાણીએ જણાવ્યું હતું કે ‘કમલા મિલની આગ પછી કમર્શિયલ સિલિન્ડરના વપરાશ પર પ્રતિબંધ આવ્યો હતો એ અનુભવ અત્યારે કામ લાગ્યો. ઇલે​ક્ટ્રિક સાધનો આવી ગયાં છે. મોટા ભાગની વાનગીઓ એમાં બની જાય છે છતાં કેટરિંગના બિઝનેસમાં ગૅસ વગર થોડી તકલીફ તો થાય. નસીબજોગે મારા હાથમાં જેટલા ઑર્ડર હતા અને ગૅસનો સ્ટૉક હતો એમાં કામ પૂરું થઈ ગયું. લાઇવ કાઉન્ટરમાં ચેન્જિસ કરી પ્રસંગ સાચવી લીધા હતા. ક્લાયન્ટ્સે પણ યોગ્ય લાગે એમ કરવામાં સપોર્ટ કર્યો. મને લાગે છે કે કટોકટીનો સમય નીકળી જવા દેવો જોઈએ. જીવનમાં ધંધો અને પૈસા જ બધું નથી હોતું. આખી દુનિયા સહન કરી રહી છે તો શાંતિ રાખીએ. અત્યારે કોઈ નવા ઑર્ડર લેવા નથી. થોડો સમય જંપી જવામાં મજા છે.’

ગૅસની પાઇપલાઇનથી મૅનેજ કરીએ છીએ : અતુલ ગાલા

માટુંગા સ્થિત ગાલા કેટરર્સના અતુલ ગાલાએ જણાવ્યું હતું કે ‘લગ્નસરાની સીઝનમાં લાઇવ કાઉન્ટર ઓછાં કરવાં પડ્યાં. ક્લાયન્ટને સમજાવવું પડ્યું કે ઢોસા ભૂલીને પીત્ઝા ખાઓ. ફૂલકા રોટલી અને ચાઇનીઝમાં ગૅસ વધુ વપરાય. એની બાદબાકી કરી નાન સર્વ કર્યા. તંદૂર અને અવનમાં બને એવી આઇટમો ઍડ કરી. સૌથી મોટો ફેરફાર અમારી સિગ્નેચર આઇટમમાં કરવો પડ્યો. ટેપનયાકી રાઇસ, ટેપનયાકી નૂડલ્સ, ટર્કીઝ બ્રોક વિથ અલપીનો, રૅન્ચ પન્ડન લીફ રાઇસ વિથ માસામાન કરી સહિતની જૅપનીઝ આઇટમ સર્વ કરવામાં મુશ્કેલી પડી. લગ્નની મોસમ હાલમાં જ પૂરી થઈ. નવી સીઝનનાં બુકિંગ હોલ્ડ પર રાખ્યાં છે. અત્યારે સગાઈ અને બર્થ-ડે જેવી ઇવેન્ટ્સના ઑર્ડર છે જેમાં લોડ ઓછો હોય એથી મૅનેજ થઈ જાય છે. અમારી પાસે પાઇપ્ડ ગૅસનો ઑપ્શન છે. ઘણી વાનગીઓ બનાવીને વેન્યુ પર પહોંચાડી રહ્યા છીએ. અવનની આઇટમ પસંદ કરવા પર ભાર મૂકીએ છીએ.’

દરિયાલાલનો પ્રસાદ કોલસાની સગડી પર બનશે : નિશાંત કારિયા

મુલુંડ, ઘાટકોપર અને મસ્જિદ બંદર લોહાણા મહાજનવાડીમાં ચૈત્રી બીજે દરિયાલાલની જન્મજયંતીની ઉજવણીના ઑર્ડર પૂરા કરવા ઘાટકોપરના જય કેટરર્સના નિશાંત કારિયા અત્યારે દોડધામ કરી રહ્યા છે. ‘મિડ-ડે’ સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે ‘આ દિવસે સિંધી અને લોહાણા સમાજની દરેક વ્યક્તિ પ્રસાદ લેવાનો આગ્રહ રાખે છે. અંદાજે ૧૦,૦૦૦ લોકોનો જમણવાર છે. ૯ માર્ચે અમારો કમર્શિયલ ગૅસનો સ્ટૉક ખતમ થઈ ગયો. ગૅસની અછતને કારણે આ વખતે દરિયાલાલની લાપસી અને ચણા કોલસાની સગડી પર બનશે. નળબજારમાંથી ત્રણગણો ભાવ આપીને સગડીઓ ખરીદી. આજે ગુઢીપાડવા છે. હાઉસ-વૉર્મિંગ અને સગાઈના ઑર્ડર પણ છે. AC બૅન્ક્વેટમાં કોલસાનો ધુમાડો ન થવો જોઈએ. ઘણી વાનગીઓ ટેરેસમાં બનાવવી પડશે. ગૅસનાં જહાજ આવશે તોય અમારી ઇન્ડસ્ટ્રીને જલદી રાહત નહીં થાય. સૌથી પહેલાં સિલિન્ડર હૉસ્પિટલોમાં પહોંચાડવામાં આવશે. ત્યાર બાદ મિલિટરી-કૅન્ટીન અને અન્ય સરકારી ઇન્સ્ટિટ્યૂટમાં જશે. ઇમર્જન્સી સર્વિસને પણ પુરવઠો પહોંચાડવો જરૂરી છે. એ પછી ઘરવપરાશનાં રાંધણગૅસ રીફિલ થશે. અમારો વારો છેલ્લો છે એટલે નવાં કામ લેવાની હિંમત તૂટી ગઈ.’

અમે બધી રીતે સજ્જ છીએ : કમલેશ ઠોસાણી (શાહ)

ઘાટકોપર સ્થિત કમલેશ કેટરર્સના કમલેશ ઠોસાણી (શાહ)એ જણાવ્યું હતું કે ‘કમર્શિયલ ગૅસની અછતથી અમને ખાસ ફરક પડ્યો નથી. અમે લોકોએ કમિટમેન્ટ્સ મુજબની લગભગ તમામ વાનગીઓ પીરસી છે. વર્ષો અગાઉ કમલા મિલમાં આગ લાગી ત્યારે સરકારે કમર્શિયલ ગૅસના વપરાશ માટે નિયમો બનાવ્યા હતા. ત્યારથી મોટી સગડીઓ અને ઇલેક્ટ્રિક ભઠ્ઠીનો વપરાશ શરૂ કર્યો. પચીસ જેટલી સગડી વસાવી છે. વીજળી-સંચાલિત સાધનો પણ ભરપૂર છે. જનરેટરનું બૅક-અપ રાખીએ છીએ. વર્ષોથી ટેવાયેલા હોવાથી અમારું કામ અટક્યું નથી. જોકે હવે સગડીના ભાવ બહુ વધી ગયા છે. નાના કેટરિંગવાળાને એ ન પોસાય. યુદ્ધ વધ્યું અને ગૅસની અછત સર્જાઈ ત્યાં સુધીમાં લગ્નસરાની મોસમ લગભગ પૂરી થતાં રાહતનો શ્વાસ લીધો. અમે લોકોએ બુકિંગ બંધ નથી કર્યાં. બિઝનેસ ચલાવવો હોય તો કટોકટીના સમયને પહોંચી વળવાની માનસિક તૈયારી રાખવી પડે. મને લાગે છે કે કેટરિંગના વ્યવસાય સાથે જોડાયેલા લોકો વિકલ્પ શોધી લેશે. લાંબો સમય ધંધો બંધ ન રહે.’

Whatsapp-channel Whatsapp-channel

19 March, 2026 06:59 AM IST | Mumbai | Varsha Chitaliya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK