કબૂતરખાનાનું કોઈ પણ જાતની નોટિસ આપ્યા વગર અચાનક ડિમોલિશન કરવાને લીધે સ્થાનિક રહેવાસીઓ, જૈન, સ્વામીનારાયણ સંપ્રદાય અને જીવદયાપ્રેમીઓમાં આક્રોશ : આંદોલનની રૂપરેખા નક્કી કરવા આજે મીટિંગ
લાલબાગની ઇન્કમ-ટૅક્સ ઑફિસ પાસે મહાનગરપાલિકાના ડિમોલિશન પછી કાટમાળ પર બેસીને ચણી રહેલાં કબૂતરો અને કબૂતરખાનાના ડિમોલિશનથી વ્યથિત સ્થાનિક જીવદયાપ્રેમીઓ.
મુંબઈને સ્વચ્છ, સુંદર, પ્રદૂષણમુક્ત અને સ્વસ્થ બનાવવા માટે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) વિવિધ પગલાંઓ લઈ રહ્યું છે. એ અંતર્ગત મંગળવારે મહાનગરપાલિકાના ‘એફ’ વૉર્ડે લાલબાગમાં પીરામલ ઇન્કમ-ટૅક્સ ઑફિસ પાસે આવેલા ૧૦૦ વર્ષ જૂના એક કબૂતરખાનાનું ડિમોલિશન કરતાં સ્થાનિક રહેવાસીઓ, જૈન, સ્વામીનારાયણ સંપ્રદાય અને જીવદયાપ્રેમીઓમાં આક્રોશ ફેલાયો છે. મહાનગરપાલિકાની આ કાર્યવાહીનો વિરોધ કરવા માટે સાધુ-સંતોના નેજા હેઠળ આજે જીવદયાપ્રેમીઓ એક મીટિંગ કરીને કાયદાકીય લડત અને આંદોલન કરવાનો નિર્ણય લેશે.
આ બાબતની માહિતી આપતાં આ કબૂતરખાનાનું સંચાલન કરી રહેલા શ્રી રાજેન્દ્ર ગુરુજી જીવદયા ફાઉન્ડેશનના અધ્યક્ષ અશોક જૈને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કોર્ટના આદેશ પછી પણ મુંબઈ મહાનગરપાલિકા કબૂતરો રોગ ફેલાવે છે એવા બહાના હેઠળ મુંબઈનાં કબૂતરખાનાં બંધ કરવા સક્રિય બની છે. લાલબાગના કબૂતરખાનાને તોડવા પહેલાં મહાનગરપાલિકાએ કોઈ પણ પ્રકારની નોટિસ ઇશ્યુ નહોતી કરી. આસપાસમાં નવી ડેવલપ થયેલી ઇમારતોના રહેવાસીઓની ફરિયાદને પગલે મહાનગરપાલિકા કબૂતરખાનાં હટાવી રહી છે જે એક દુઃખદ ઘટના છે. અમે આ ઘટનાનો સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. આજકાલમાં જૈન સાધુઓ અને સ્વામીનારાયણ સંપ્રદાયના સંતો આ ઘટનાસ્થળ પર મીટિંગ કરીને મહાનગરપાલિકાની આ કાર્યવાહી સામે લડત લડવા માટેની રણનીતિ નક્કી કરશે.’
ADVERTISEMENT
ઠેકઠેકાણે કબૂતરખાનાં બંધ કરાવ્યાં
છેલ્લા ઘણા સમયથી મહાનગરપાલિકા સામે જીવદયાના મુદ્દે લડી રહેલી જસ્ટ સ્માઇલ ચૅરિટેબલ ટ્રસ્ટની ફાઉન્ડર સ્નેહા વિસરિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મહાનગરપાલિકાએ અત્યાર સુધીમાં બોરીવલી, દહિસર, ચોપાટી, ગેટવે ઑફ ઇન્ડિયા, મરીન ડ્રાઇવ, મુંબઈ સેન્ટ્રલની નવજીવન સોસાયટી પાસે આવેલી પારસી કૉલોની, પરેલમાં પેનિન્સુલા કૉર્પોરેટ પાર્ક પાસે આવેલાં કબૂતરખાનાં બંધ કરાવ્યાં છે. દાદરના કબૂતરખાનાને બંધ કર્યા બાદ ફરી શરૂ કરવામાં આવ્યું છે, જ્યારે ગોવાલિયા ટૅન્ક અને નવજીવન સોસાયટીની દિગંબર હૉસ્ટેલ પાસે મહાનગરપાલિકાએ કબૂતરખાનાને તોડી પાડ્યા પછી પણ જીવદયાપ્રેમીઓ ચણ નાખીને કબૂતરોનો જીવ બચાવી રહ્યા છે. મહાનગરપાલિકા કબૂતરને કારણે જે હેલ્થ-પ્રૉબ્લેમની વાત કરીને કબૂતરખાનાં બંધ કરી રહી છે એ હજી સુધી પુરવાર થયો નથી.’