Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > જોખમી મકાનોના બેઘર રહેવાસીઓ માટે ઓપન થયો ઘરના ઘરનો નવો માર્ગ

જોખમી મકાનોના બેઘર રહેવાસીઓ માટે ઓપન થયો ઘરના ઘરનો નવો માર્ગ

Published : 27 April, 2024 03:34 PM | IST | Mumbai
Rohit Parikh | rohit.parikh@mid-day.com

ડિમોલિશ કરવામાં આવેલા કાંદિવલીના રાધા નિવાસના રહેવાસીઓને તેમની જ જગ્યા પર ટ્રાન્ઝિસ્ટ કૅમ્પ બાંધવાની મંજૂરી મળી : દરેકને સાડાત્રણ લાખ રૂપિયાના ખર્ચે ૧૮૦ સ્ક્વેરફીટનો ફ્લૅટ મળશે

કાંદિવલી-વેસ્ટમાં ઈરાનીવાડીનું જૂનું રાધા નિવાસ

કાંદિવલી-વેસ્ટમાં ઈરાનીવાડીનું જૂનું રાધા નિવાસ


મુંબઈનાં ઉપનગરોમાં વર્ષોજૂનાં મકાનો જર્જરિત થયા પછી એ મકાનો મુંબઈ મહાનગરપાલિકા તોડી પાડે છે એને કારણે આજે હજારો લોકો બેઘર બની ગયા છે. આવા સમયે મુંબઈ મહાનગરપાલિકાની ૪૯૯ કલમ હેઠળ જો મકાનમાલિકો આ બેઘર લોકોના પુનર્વસન માટે લાંબા સમય સુધી નવી ઇમારત બાંધવામાં નિષ્ફળ જાય તો આ બેઘર રહેવાસીઓને મહાનગરપાલિકા ખાલી પડેલી જમીન પર રહેવાસીઓના ખર્ચે ટ્રાન્ઝિટ કૅમ્પ બાંધવાની પરવાનગી આપે છે. આ કલમ હેઠળ કાંદિવલી-વેસ્ટની ઈરાનીવાડીમાં આવેલા રાધા નિવાસના રહેવાસીઓને ૪ વર્ષની ભારે જહેમત બાદ ટ્રાન્ઝિટ કૅમ્પ બાંધવાની પરવાનગી મળી હતી. એને લીધે રાધા નિવાસના રહેવાસીઓમાં પોતાનાં ઘર મળવાની આશા જન્મી છે અને હર્ષોલ્લાસનો માહોલ સર્જાયો છે. એટલું જ નહીં, આનાથી કાંદિવલી સહિતનાં અનેક ઉપનગરોનાં અત્યંત જોખમી મકાનોના બેઘર રહેવાસીઓ માટે એક નવો માર્ગ ખૂલ્યો છે.


આ બાબતે માહિતી આપતાં રાધા નિવાસ કાંદિવલી મુંબઈ વેલ્ફેર અસોસિએશનના સેક્રેટરી પરેન ધ્રુવે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારી ઇમારત અમે રહેવાસીઓએ રિપેર કરાવ્યા પછી પણ ૨૦૧૯માં મહાનગરપાલિકાએ અમારા રાધા નિવાસને અત્યંત જોખમી જાહેર કરીને એને ધરાશાયી કરી દીધું હતું. અમે ૪૬ કુટુંબો રાતોરાત બેઘર બની ગયા હતા. ૪ વર્ષ સુધી અમારા મકાનમાલિક તરફથી અમારા પુનર્વસન માટે કોઈ વ્યવસ્થા થઈ નહોતી. એ દરમ્યાન મહાનગરપાલિકામાં ૪૯૯ કલમ હેઠળ બેઘર બનેલાઓ માટે તેમની ખાલી પડેલી જમીન પર પોતાના ખર્ચે ટ્રાન્ઝિટ કૅમ્પ બાંધવાની પરવાનગી આપવામાં આવશે એવી સરકાર તરફથી જાહેરાત કરવામાં આવી એનો લાભ લેવા અમને અમારાં નગરસેવિકા લીના પટેલે પ્રોત્સાહિત કર્યા હતા. અમે ૨૦૨૩માં મહાનગરપાલિકામાં એ માટેની પ્રોસેસ શરૂ કરી હતી. ત્યાર બાદ અમે અનેક આંટીઘૂંટીમાંથી પસાર થયા હતા, પણ અમારા સભ્ય દિલીપ મજીઠિયા હિંમત હાર્યા વગર મહેનત કરતા રહ્યા હતા. અમારા સભ્યો પણ જુસ્સામાં હતા, કોઈ પીછેહઠ કરવા તૈયાર નહોતા. અમે કાયદેસરના ભાડૂત છીએ એ સાબિત કરવા માટે પાલિકાએ અમારી પાસે જેટલા માગ્યા એટલા દસ્તાવેજ સમયે-સમયે સબમિટ કરતા હતા. જેમ ક્રિકેટમાં ઓપનિંગ બૅટ્સમૅન અને લાસ્ટ વિનિંગ શૉટ મારનારા બૅટ્સમૅનનું મહત્ત્વ હોય છે એવી જ રીતે અમારી પ્રક્રિયામાં અમારા વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના વિધાનસભ્ય યોગેશ સાગરે છેલ્લો વિનિંગ શૉટ ફટકારતાં અમને ગઈ કાલે મહાનગરપાલિકાએ ટ્રાન્ઝિટ કૅમ્પ બાંધવાની પરવાનગી આપી દીધી હતી. હવે અમે ગ્રાઉન્ડ પ્લસ બે માળનો ટ્રાન્ઝિટ કૅમ્પ બાંધીને એમાં સ્થાયી થઈ શકીશું.’



આ કૅમ્પ બંધાયા બાદ એક રહેવાસીને અંદાજે સાડાત્રણ લાખ રૂપિયાના ખર્ચે ૧૮૦ સ્ક્વેર ફીટનાં ઘર મળશે એવું જણાવતાં અસોસિએશનના ચૅરમૅન મહેશ પોરિયાએ ‘મિડ-ડે’ને કહ્યું કહ્યું હતું કે ‘અમારા કાંદિવલી પાઘડી બિલ્ડિંગ ગ્રુપના મેમ્બર કેતન વ્યાસ, નીલેશ મારુ, હિતેશભાઈ, મનોજ સોની, ભરતભાઈ, ચેતન સંગોઈ, કિશોરભાઈ અને અમારા રાધા નિવાસના રહેવાસીઓની એકતા અને સાથ-સહકારને કારણે આજે મુંબઈના અનેક બેઘર રહેવાસીઓ માટે પોતાનું ઘર બનાવવા માટેનો માર્ગ મોકળો થયો છે.’


શું છે પ્રક્રિયા?

ટ્રાન્ઝિટ કૅમ્પ બાંધવાની પરવાનગી માટેની પ્રક્રિયાની જાણકારી આપતાં રાધા નિવાસના રહેવાસી દિલીપ મજીઠિયાએ કહ્યું કે ‘મહાનગરપાલિકાના કાયદામાં ૪૯૯ કલમ ૧૨ વર્ષ પહેલાં આવી ગઈ છે, પરંતુ એનો સૌથી પહેલો લાભ રાધા નિવાસના રહેવાસીઓએ લીધો છે. આને માટે પહેલાં જે-તે બિલ્ડિંગના રહેવાસીઓનું ભાડૂત મંડળ ‌રજિસ્ટર કરવું જરૂરી છે. એ નામનું પૅન કાર્ડ પછી મહાનગરપાલિકાના કાયદાની કલમ ૪૯૯ હેઠળ ઑનલાઇન અરજી કરીને પ્રક્રિયાની શરૂઆત કરવાની હોય છે. આને માટે આર્કિટેક્ટ મિલિંદ સુર્વેને રાખીને બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટમાં પ્લાન સબમિટ કર્યા બાદ પાંચ લાખ રૂપિયાની બૅન્ક-ગૅરન્ટી આપ્યા બાદ મહાનગરપાલિકા ટ્રાન્ઝિટ કૅમ્પ બાંધવાની પરવાનગી આપે છે.’


Whatsapp-channel Whatsapp-channel

27 April, 2024 03:34 PM IST | Mumbai | Rohit Parikh

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK