બોરીવલીમાં રહેતી મિત્તલ નંદુ ૧૧૦ દિવસના દીર્ઘ સમયનું શ્રેણીતપ કરી રહી છે અને એની સાથે તેણે બોલવાની પણ બાધા રાખી છે : દીકરો નાનો છે એટલે તે બહુ અકળાય ત્યારે તેને શાંત પાડવા બે-ચાર વાક્યો બોલી લે છે, બાકી બીજા કોઈની સાથે વાતચીત નહીં
મિત્તલ નંદુ પરિવાર સાથે
કી હાઇલાઇટ્સ
- ગુરુભગવંતે મૌનપૂર્વક શ્રેણીતપની આરાધના કરવા માટે કહ્યું અને મિત્તલ નંદુએ આજ્ઞા માથે ચડાવી
- ૯ વર્ષ પહેલાં ઉપધાન તપ કર્યું હતું ત્યારે પણ ૪૭ દિવસ મૌન રાખ્યું હતું
- સોશ્યલ મીડિયાનો પણ ઉપયોગ નહીં
આજે ચારેબાજુ બોલવાની બોલબાલા છે. લોકો રૂબરૂ મળે ત્યારે તો વાતોનાં વડાં કરે જ છે; પણ ફોન પર, સોશ્યલ મીડિયાનાં વિવિધ માધ્યમોમાં પણ રીલ્સ બનાવીને પોતાના વિચારો વ્યક્ત કરતા કહે છે. આવા બડબડિયા સમયમાં ૩૪ વર્ષની મિત્તલ નંદુ ૧૦૦ દિવસથી સંપૂર્ણ મૌનમાં છે અને હજી બીજા ૧૦ દિવસ મૌનમાં રહેવાની છે.
ગોરેગામના શ્રી જવાહરનગર જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘમાં પ. પૂ. ગચ્છાધિપતિ આચાર્ય શ્રી કલ્પતરુ સૂરીશ્વરજી મહારાજસાહેબના આશીર્વાદથી ૧૧૦ દિવસના શ્રેણીતપની સામુદાયિક આરાધના થઈ રહી છે, જેમાં ગોરેગામ તેમ જ મુંબઈના અન્ય વિસ્તારો તથા ગુજરાત અને દક્ષિણ ભારતના શ્રાવક-શ્રાવિકા તથા સાધુ-સાધ્વી સહિત ૪૧૫ આરાધકો જોડાયા છે. સવાબે વર્ષના સમર નંદુની મમ્મી મિત્તલ પણ આ દીર્ઘ તપમાં જોડાઈ છે. મૌનપૂર્વક તપ કરવાના સંદર્ભે મિત્તલના પતિ રોકિન નંદુએ ‘મિડ-ડે’ને કહ્યું, ‘પૂજ્ય ગચ્છાધિપતિસાહેબ સાથે અમારે વર્ષોથી પરિચય છે. મિત્તલના પપ્પા તો દશકાઓથી તેમનાં સંપર્કમાં છે. મારાં એક સાળીએ પણ તેમની પાસે દીક્ષા લીધી છે. ગોરેગામમાં તેમનો ચાતુર્માસે પ્રવેશ થતાં અમે મહારાજસાહેબનાં દર્શન-વંદન કરવા ગયાં હતાં. ત્યારે ગુરુભગવંતે મિત્તલને સંઘમાં થતા શ્રેણીતપમાં જોડાવાનું કહ્યું અને સાથે ઉમેર્યું કે તમે મૌનપૂર્વક તપની આરાધના કરો. ગુરુદેવના કહેવાથી મિત્તલે તપ શરૂ કર્યું અને સાથે મૌન પણ લીધું. પછી ચાર-પાંચ દિવસ બાદ જ્યારે આચાર્ય મહારાજને ખબર પડી કે અમારે નાનું બાળક છે તો સાહેબજીએ મૌન કરવાની ના પાડી, કારણ કે બચ્ચું હજી નાનું છે, નાસમજ છે એટલે તેની સાથે સંવાદ કરવો પડે; પરંતુ અમે બન્નેએ નક્કી કર્યું કે ગુરુજીએ કહ્યું છે તો આખું તપ મૌનપૂર્વક જ કરવું છે. આથી ગુરુજીએ જરૂર પડે તો બાળક સાથે બોલવાની છૂટ રાખવાનું પ્રૉમિસ લઈને મિત્તલને મૌન કરવાની મંજૂરી આપી.’
ADVERTISEMENT
મમ્મી બોલતી નહોતી એ જોઈને સમરનું શું રીઍક્શન હતું? એના જવાબમાં મલાડમાં ઇમિટેશન બૅન્ગલ્સનું મૅન્યુફૅક્ચરિંગ કરતો રોકિન કહે છે, ‘શરૂ-શરૂમાં સમર બહુ સરપ્રાઇઝ્ડ હતો કે મમ્મી બોલતી કેમ નથી. તેને થતું મમ્મી ઍક્ટિંગ કરે છે. દરમ્યાન હું અને મિત્તલનાં મમ્મી-પપ્પા જે અમારી સાથે જ રહે છે તેઓ તેને સમજાવતાં કે મમ્મીનો ઉપવાસ છે એટલે નથી બોલતાં, પરંતુ તે બાળક છે અને આ ઑલમોસ્ટ પોણાચાર મહિનાનો લાંબો ગાળો એટલે ક્યારેક તે અકળાય. તેને મમ્મી પાસે જ રહેવું હોય ત્યારે મિત્તલ તેને જૈન ધર્મની વાર્તાઓ પુસ્તકમાંથી વાંચી સંભળાવી શાંત કરે અને જરૂર પડે તો બીજાં બે-ચાર વાક્યો બોલે. જોકે દેવગુરુની કૃપાએ એવી પરિસ્થિતિ પણ બહુ ઓછી વખત આવી છે. સમરે બહુ ઈઝિલી ઍક્સેપ્ટ કરી લીધું કે મમ્મી બોલવાનાં નથી.’
મિત્તલે નવ વર્ષ પહેલાં કચ્છમાં ઉપધાન તપ કર્યું હતું. એમાં પણ તેણે ૪૭ દિવસ સંપૂર્ણ મૌન રાખ્યું હતું. છ બહેનોમાં સૌથી વધુ ટૉકેટિવ મિત્તલ વિશે રોકિન કહે છે, ‘તે ખૂબ એક્સ્ટ્રોવર્ટ છે. અજાણ્યા લોકો સાથે પણ સરળતાથી ભળી જઈને વાતો કરવા લાગે છે. જેમ તેને બોલવાનું વધુ જોઈએ એમ તે લાંબા સમય સુધી ચૂપ પણ રહી શકે છે.’
કદાચ ખોરાક વગર રહીને મહિનાઓના ઉપવાસ કરવા સહેલા છે, પણ બોલ્યા વગર રહેવાનું તપ વધુ કઠોર છે. મિત્તલે આ દિવસો દરમ્યાન સોશ્યલ મીડિયા વાપર્યું નથી કે નથી ક્યારેય ચૅટિંગ કર્યું. અત્યંત જરૂરી હોય તો તે સમરની પાટીમાં લખીને જવાબ આપે. ‘મિડ-ડે’ સાથે પણ મિત્તલ વાત કરવા તૈયાર નહોતી, પરંતુ બેનમહારાજે આજ્ઞા કરી કે તેનું મૌન તપ બીજી કોઈ વ્યક્તિ માટે પ્રેરણાદાયી બની શકે આથી તેણે મૌન દરમ્યાનની અનુભૂતિ લખીને જણાવી.
મિડ-ડેને પાટી પર લખીને જણાવી મૌનની અનુભૂતિ
મૌન દરમ્યાન સમજાય કે આપણે ન બોલીએ તો કેટલી બધી મુસીબતો ટળી જાય અને મૌનના નિયમથી મન પણ શાંત થઈ જાય. મન મારીને મૂંગું રહેવું અને હોંશથી મૌન રહેવામાં બહુ અંતર છે. સાઇલન્સ રાખવાથી મને શ્રેણી તપમાં એનર્જી તો રહી અને સાથે હું ભગવાન સાથે વધુ કનેક્ટ થઈ અને એ પણ સમજાયું કે જે લોકો બોલી જ નહીં શકતા હોય તેમની સ્થિતિ શું હશે. ખેર, હવે તપ પૂર્ણતાને નજીક છે ત્યારે સમજાય છે કે મૌનતપ અને શ્રેણીતપ, બન્ને ગુરુમહારાજના આશીર્વાદ તેમ જ મારા પતિ અને પરિવારજનોના સહકાર વગર શક્ય જ નહોતાં.