Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > IIT-બૉમ્બેના સૂર્યનારાયણ ડૂલ્લાને પ્રોફેસર તરીકે પણ સસ્પેન્ડ કરવાની વિદ્યાર્થીઓની માગણી

IIT-બૉમ્બેના સૂર્યનારાયણ ડૂલ્લાને પ્રોફેસર તરીકે પણ સસ્પેન્ડ કરવાની વિદ્યાર્થીઓની માગણી

Published : 22 September, 2026 09:12 AM | Modified : 22 September, 2026 09:13 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઍડ્‌મિનિસ્ટ્રેટિવ અફેર્સના ડીનપદેથી હટાવ્યા એ પૂરતું નથી લાગતું આંદોલનકર્તાઓને, પ્રોફેસર સામે SC/ST ઍક્ટ હેઠળ તથા આત્મહત્યા માટે ઉશ્કેરવાનો ગુનો નોંધાયો

ગઈ કાલે IIT-બૉમ્બેની બહાર વિરોધ-પ્રદર્શન કરતા વિદ્યાર્થીઓ.

ગઈ કાલે IIT-બૉમ્બેની બહાર વિરોધ-પ્રદર્શન કરતા વિદ્યાર્થીઓ.


IIT-બૉમ્બેના BTechના બીજા વર્ષના વિદ્યાર્થી સાહિલ વાકોડેની આત્મહત્યાના મામલે પ્રોફેસર સૂર્યનારાયણ ડૂલ્લાને ડીન (ઍડ્‌મિનિસ્ટ્રેટિવ અફેર્સ)ના પદેથી હટાવી લેવામાં આવ્યા છે. જોકે વિદ્યાર્થીઓનું આંદોલન ગઈ કાલે પણ ચાલુ રહ્યું હતું અને તેમની માગણી છે કે ફક્ત ઍડ્‌મિનિસ્ટ્રેટિવ પોસ્ટ પરથી નહીં, તેમને પ્રોફેસર તરીકે પણ સસ્પેન્ડ કરવા જોઈએ. આ ઉપરાંત IIT-બૉમ્બેના ડિરેક્ટર શિરીષ કેદારેના રાજીનામાની પણ માગણી કરવામાં આવી હતી. જોકે રવિવારે રાત્રે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓને સોમવારે પોતે રાજીનામું આપી દેશે એમ કહેનારા શિરીષ કેદારેએ રાજીનામું ન આપ્યું હોવાની સ્પષ્ટતા IIT-બૉમ્બેએ પોતાના સત્તાવાર સોશ્યલ મીડિયા અકાઉન્ટ પરથી કરી હતી અને આ વિશે ખોટી માહિતી ફેલાવવામાં આવી રહી હોવાનું પણ કહ્યું હતું. 
રવિવારે IIT-બૉમ્બેના વિદ્યાર્થીઓએ પ્રદર્શન કરીને પ્રોફેસર સૂર્યનારાયણ ડૂલ્લાના તથા ડિરેક્ટરના રાજીનામાની માગણી કરી હતી તથા પોતાની ૧૮ માગણીઓ પૂરી કરવામાં આવે એવી શરત મૂકવામાં આવી હતી.

અમેરિકામાં ભણેલા પ્રોફેસર સૂર્યનારાયણ ડૂલ્લા વિરુદ્ધ સાહિલના પરિવારજનોએ નોંધાવેલી ફરિયાદને પગલે શેડ્યુલ્ડ કાસ્ટ-શેડ્યુલ્ડ ટ્રાઇબ (SC/ST) (પ્રિવેન્શન ઑફ ઍટ્રોસિટીઝ) ઍક્ટ હેઠળ તથા આત્મહત્યા માટે ઉશ્કેરણી માટેની ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ હેઠળ ગુનો નોંધાયો છે. છેલ્લા ૩ મહિનાથી ડિરેક્ટર શિરીષ કેદારેના નિર્દેશના આધારે સાહિલની સતામણી કરવામાં આવતી હોવાનો આરોપ પણ સાહિલનાં માતા-પિતાએ મૂક્યો છે. જોકે ૩ મહિના સુધી શા માટે આ વિશે ફરિયાદ ન કરવામાં આવી અને કૉપી કરતા પકડાયા પછી જ કેમ આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો એવો સવાલ પણ કરવામાં આવી રહ્યો છે. 



પ્રોફેસર સૂર્યનારાયણના પડખે ઊભી હતી આખી ફૅકલ્ટી
પ્રોફેસર સૂર્યનારાયણે સાહિલને પરીક્ષા દરમ્યાન કૉપી કરતાં અને પરીક્ષાપત્ર ChatGPT પર મૂકીને જવાબો લખવા બદલ પકડ્યો ત્યાર બાદ નિયમો મુજબ જ કાર્યવાહી કરવામાં આવી હોવા બદલ IIT-બૉમ્બેની ફૅકલ્ટીએ પ્રોફેસર સૂર્યનારાયણનું સમર્થન કર્યું હતું. IIT-બૉમ્બે ફૅકલ્ટી ફોરમ દ્વારા બહાર પાડવામાં નિવેદનમાં જણાવાયું હતું કે અમે અમારા સહકર્મચારી પ્રોફેસર સૂર્યનારાયણ ડૂલ્લા પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરીએ છીએ, તે સેનેટ દ્વારા મંજૂર કરવામાં આવેલી ઇન્સ્ટિટ્યૂશનની ઍકૅડેમિક પૉલિસીનું વહન કરીને ફક્ત પોતાની ફરજ બજાવી રહ્યા હતા. 


પ્રોફેસર સૂર્યનારાયણના સમર્થનમાં ૭૫૦થી વધુ IIT ફૅકલ્ટી મેમ્બરોનો મોરચો

અમેરિકામાં અભ્યાસ કરીને દેશના યુવાનોને સારી શિક્ષા આપવાના હેતુથી ભારત પાછા ફરેલા પ્રોફેસર સૂર્યનારાયણ ડૂલ્લાના સમર્થનમાં સોમવારે IIT-બૉમ્બેના ફૅકલ્ટી મેમ્બરો દ્વારા મોરચો કાઢવામાં આવ્યો હતો અને તેઓ ફક્ત ઍકૅડેમિક પૉલિસીના નિયમોનું પાલન કરીને પોતાની ફરજ બજાવતા હોવાનું તેમનું મંતવ્ય હતું. તેમની વિરુદ્ધ કરવામાં આવેલા આક્ષેપો પાયાવિહોણા હોવાનું આ દરમ્યાન તેમણે કહ્યું હતું. આ મોરચામાં ૭૫૦થી વધારે પ્રોફેસરો અને ફૅકલ્ટી મેમ્બરો જોડાયા હતા. આ ઉપરાંત અનેક વિદ્યાર્થીઓ પણ આ મોરચામાં જોડાયા હતા જેમણે સાહિલે પરીક્ષાના તનાવ તથા માનસિક દબાણને કારણે આત્મહત્યા કરી હોવાનો મત આપ્યો હતો. તેમના મતે IIT-બૉમ્બેનું કૅમ્પસ વિદ્યાર્થીઓનો ખૂબ જ ખ્યાલ રાખે છે અને મૈત્રીપૂર્ણ વાતાવરણ રહે એ માટે બધા જ પ્રયત્નો કરે છે. પ્રોફેસર સૂર્યનારાયણ પર જાતિઆધારિત ભેદભાવના કરવામાં આવેલા આરોપો ખોટા હોવાનું અનેક વિદ્યાર્થીઓએ આ દરમ્યાન કહ્યું હતું.


યવતમાળમાં સાહિલના અંતિમ સંસ્કાર, પિતાએ કર્યો ભેદભાવનો આરોપ
રવિવારે સાહિલના ગામ યવતમાળમાં તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. સાહિલના પિતા રવીન્દ્ર વાકોડેએ આરોપ મૂક્યો છે કે તેની સાથે તેની જાતિના કારણે ભેદભાવ કરવામાં આવતો હતો અને તેને જાતિસૂચક નામોથી બોલાવીને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો તથા તેને ખોટેખોટો નિશાન બનાવવામાં આવતો હતો.

Whatsapp-channel Whatsapp-channel

22 September, 2026 09:13 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK