Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈ ઍરપોર્ટ પરથી બોગસ વીઝા સાથે ગ્રીસ જતો ગુજરાતનો પરિવાર ઝડપાયો

મુંબઈ ઍરપોર્ટ પરથી બોગસ વીઝા સાથે ગ્રીસ જતો ગુજરાતનો પરિવાર ઝડપાયો

Published : 22 September, 2026 09:19 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૧૨ લાખમાં બનાવટી શેન્ગેન વીઝા આપનાર અમદાવાદના બે એજન્ટ સામે ફરિયાદ નોંધાઈ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય અૅરપોર્ટ પરથી બોગસ શેન્ગેન વીઝાના આધારે ગ્રીસ જવાનો પ્રયાસ કરી રહેલા એક જ ગુજરાતી પરિવારના ૪ સભ્યોને ઇમિગ્રેશન વિભાગે રવિવારે ઝડપી પાડ્યા છે. આ મામલે સહાર પોલીસે ચારે લોકોને તાબામાં લઈને અમદાવાદના બે એજન્ટ સહિત ૬ લોકો સામે ફરિયાદ નોંધી છે. ગુજરાતના ખેડા જિલ્લાના વાસો ગામના વતની ૪૧ વર્ષના મુસ્તફા ખલીફા, તેમની પત્ની અંજુમબાનુ અને બે સગીર બાળકો મુંબઈથી અૅથેન્સ જતી ઇન્ડિગો ફ્લાઇટ દ્વારા બોર્ડિંગ કરી રહ્યા હતા ત્યારે ઇમિગ્રેશન પર વીઝાની ચકાસણી દરમ્યાન શંકા જતાં આ સમગ્ર કૌભાંડ પ્રકાશમાં આવ્યું હતું.

સહાર પોલીસ સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઇમિગ્રેશન અધિકારી અનુરાગ ત્રિપાઠીએ વીઝા-સ્ટિકર પર સિક્યૉરિટી ફીચર્સ ગાયબ હોવાનું અને પેપર ક્વૉલિટી અત્યંત નબળી હોવાનું નોંધ્યું હતું. ત્યાર બાદ સ્વિટ્ઝરલૅન્ડ એમ્બેસીના અૅરલાઇન લાયઝન ઑફિસર (ALO) કાર્લ લ્યુથોલ્ડ દ્વારા ઈ-મેઇલ વેરિફિકેશન કરવામાં આવતાં સ્પષ્ટ થયું હતું કે પરિવારના તમામ શેન્ગેન વીઝા સંપૂર્ણપણે બોગસ અને બનાવટી હતા. આ પરિવારના અગાઉ વિવિધ શેન્ગેન દેશોમાંથી ત્રણથી ૬ વાર વીઝા રિજેક્ટ થઈ ચૂક્યા હતા અને તેમને કોઈ અધિકૃત વીઝા ઇશ્યુ કરાયા નહોતા. પૂછપરછ દરમ્યાન મુસ્તફા ખલીફાએ કબૂલાત કરી હતી કે ગ્રીસમાં સ્થાયી થવા માટે તેમણે તેમના ભાઈની મદદથી અમદાવાદના નરોડા વિસ્તારના એજન્ટ જૈમિન વ્યાસ અને આશિષકુમાર સોનીને કુલ ૧૨ લાખ રૂપિયા આપીને આ વીઝા મેળવ્યા હતા. મુંબઈ ઇમિગ્રેશન ઑથોરિટીની છેતરપિંડી કરવા બદલ ઇમિગ્રેશન વિભાગની ફરિયાદના આધારે અમે ફરિયાદ નોંધ કરી છે. હાલમાં ૪ લોકોને આ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. અન્ય બે એજન્ટની શોધ હાથ ધરવામાં આવી છે.’


Whatsapp-channel Whatsapp-channel

22 September, 2026 09:19 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK