ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાને વિધાનસભાની ચૂંટણી નહીં લડવા પક્ષને જાણ કરીને ખસી જઈ અન્ય માટે બેઠક ખાલી કરી આપી
વિજય રૂપાણી, નીતિન પટેલ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે દિલ્હીમાં ગઈ કાલે સાંજે એક તરફ ઉમેદવારોની પસંદગી માટે પક્ષના મોવડીઓ દ્વારા પાર્લમેન્ટરી બોર્ડની બેઠકમાં મનોમંથન ચાલી રહ્યું હતું ત્યારે બીજી તરફ ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે વિધાનસભા ચૂંટણી નહીં લડવા માટે પક્ષના હાઇકમાન્ડને જાણ કરીને અન્ય કાર્યકર્તા માટે બેઠક ખાલી કરી આપી છે.
ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કહ્યું હતું કે બીજેપીના વરિષ્ઠ આગેવાન તરીકે આ ચૂંટણી લડવા માગતો નથી. મારે લડવી નથી. આ વાત મેં ઉપર જણાવી હતી. એના કારણે મેં ક્યાંય દાવેદારી નોંધાવી નથી. મેં પોતે જ બીજેપીના શ્રેષ્ઠીઓને, બીજેપીના દિલ્હીના આગેવાનોને જણાવ્યું છે કે નવા કાર્યકર્તાને તક મળે અને હું આ ચૂંટણી નહીં લડું અને ચૂંટણી જિતાડવા માટે બધા લોકોને હું મારાથી બનતી કોશિશ કરીશ. આ વાત મેં પહેલાં જણાવી છે એટલા માટે ચૂંટણી લડવાનો કોઈ સવાલ આવતો નથી.
ADVERTISEMENT
બીજી તરફ ગુજરાતના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે ગુજરાત બીજેપીના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલને ગઈ કાલે પત્ર લખીને જણાવ્યું છે કે ‘હું મહેસાણા બેઠક પરથી ઉમેદવારી કરવા નથી ઇચ્છતો. એથી ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયામાં મારું નામ વિચારણામાં ન લેવા વિનંતી છે. મારી ૩૨ વર્ષની સફળ રાજકીય કારકિર્દીમાં મને સતત માર્ગદર્શન અને પ્રેરણા આપનાર નરેન્દ્રભાઈ મોદીનો અને બીજેપીના લાખો કાર્યકરો અને કરોડો ગુજરાતીઓનો હું હંમેશાં ઋણી રહીશ અને આજીવન બીજેપીના કાર્યકર તરીકે સંનિષ્ઠતાથી કામ કરતો રહીશ.’
ઉલ્લેખનીય છે કે વિજય રૂપાણી અને નીતિન પટેલ પછી ગુજરાત બીજેપીના વધુ એક સિનિયર અને ભૂતપૂર્વ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પણ ચૂંટણી નહીં લડવા ઇચ્છા દર્શાવી હોવાનું જાણવા મળ્યું છે. તેઓએ કહ્યું હતું કે ઇનફ ઇઝ ઇનફ, બીજા કાર્યકરોને તક મળવી જોઈએ.
એક પછી એક એમ બીજેપીના સિનિયરો દ્વારા વિધાનસભાની ચૂંટણી નહીં લડવા ઇચ્છા દર્શાવાતાં એવું ચર્ચાઈ રહ્યું છે કે બીજેપી દ્વારા ઉમેદવારોની યાદી જાહેર થાય એ પહેલાં પાણી પહેલાં પાળ બાંધીને પક્ષમાં સિનિયરો માટે મેસેજ મૂકવા માગતા હશે.


