ગરબા માટેનો ક્રેઝ કેટલાક ગરબાલવર્સ માટે સ્ટ્રેસ-રિલીવર બની જાય છે. નવરાત્રિના ૯ દિવસને ખાસ બનાવવા માટે આ લોકો કોઈ પણ હદે જઈ શકે છે.
ગરબા માટે અમે કંઈ પણ કરીએ કહેનારા
ગરબા માટેનો ક્રેઝ કેટલાક ગરબાલવર્સ માટે સ્ટ્રેસ-રિલીવર બની જાય છે. નવરાત્રિના ૯ દિવસને ખાસ બનાવવા માટે આ લોકો કોઈ પણ હદે જઈ શકે છે. મળીએ એવા લોકોને જેમાંથી કોઈકે ગરબા રમવા ૨૭ કિલો વજન ઉતાર્યું તો કોઈક પ્રેગ્નન્સીમાં પણ બધા દિવસ ગરબા રમે છે, કોઈકે ૧૦ દિવસ ઑફિસમાંથી રજા લઈ લીધી છે તો કોઈક ગુજરાતની નવરાત્રિ છોડીને ૧૦ દિવસ માટે મુંબઈ રમવા આવી ગયું છે
નવરાત્રિના ૧૦ દિવસ ઑફિસમાં રજા લઈ લઉં, ગરબા સાથે નો કૉમ્પ્રોમાઇઝ : વિશાલ શાહ
ADVERTISEMENT

કાંદિવલીમાં રહેતો ૨૯ વર્ષનો વિશાલ શાહ બિઝનેસ હેડ તરીકે કામ કરે છે, પણ નવરાત્રિ આવે એટલે તે ફુલટાઇમ ગરબાપ્રેમી બની જાય છે. ગરબા પ્રત્યેના તેના પ્રેમ વિશેની સ્ટોરી જણાવતાં વિશાલ કહે છે, ‘આમ તો હું અમારી સોસાયટીની નવરાત્રિમાં જતો હતો, પણ ફક્ત બે રાઉન્ડ ગરબા લઈને પાછો ઘરે જતો રહેતો. મારી બહેન અને મમ્મીને ગરબાનો બહુ ક્રેઝ. તે લોકો બહુ રમતાં. એક વખત મારા ફ્રેન્ડ્સે ફાલ્ગુની પાઠકના ગરબામાં જવાનો પ્લાન બનાવ્યો હતો. આ વાત ૨૦૧૯ની છે. ત્યાં અમે તો ફાલ્ગુની મૅમને જોવા ગયા હતા, પણ ત્યાં મેં એક ગ્રુપ જોયું જે એટલા સરસ ગરબા કરતું હતું કે ન પૂછો વાત. એ ગ્રુપને જોઈને મારો ગરબા પ્રત્યેના પ્રેમનો ફણગો ફૂટ્યો. પછી તો શું શીખ્યો. હવે તો મને ગરબાનું એવું ઘેલું લાગ્યું છે કે ૧૦ દિવસ સુધી હું ઑફિસમાંથી છુટ્ટી લઉં છું. કોરોના પછી ૨૦૨૨માં મેં પહેલી વાર ૧૦ દિવસની છુટ્ટી લીધી હતી. હું અગાઉથી જ કંપનીને ઇન્ફૉર્મ કરી લઉં, જેથી તેમને કામને મૅનેજ કરવાની ખબર પડે અને મને આઉટફિટ્સ અને ગરબાના ટાઇમિંગને મૅનેજ કરવાની. નવરાત્રિ આવે એટલે ગરબા કરવાનું અલગ જ ઝનૂન માથે હોય છે. માતાજીના ગરબાના તાલે થિરકવામાં ભક્તિ અને શક્તિ બન્નેનો અનુભવ થાય છે.’
દુનિયામાં ગમે એ થાય; ગરબા તો હું કરીશ, કરીશ ને કરીશ : પાયલ પંચાલ

મુલુંડમાં રહેતી ૩૦ વર્ષની પાયલ પંચાલ નાનપણથી જ ગરબાઘેલી છે. ફાર્મા કંપનીમાં જૉબ કરતી પાયલ ગરબા પ્રત્યેના શોખને વ્યક્ત કરતાં કહે છે, ‘બધાની નસોમાં લોહી વહે છે, પણ મારી નસ ચેક કરશો તો એમાંથી તમને ગરબા જ મળશે. નાની હતી અને સમજણી થઈ ત્યારથી ગરબા વાગે ત્યાં મારા પગ થિરકવા માંડે. સ્કૂલ હોય કે લોકલ નવરાત્રિ - જ્યાં હોય ત્યાં મારે ગરબા તો કરવાના જ. મારા અને ગરબા વચ્ચે કંઈ આવી શકે નહીં. ગયા વર્ષે હું પાંચ મહિનાની પ્રેગ્નન્ટ હતી તો પણ રાસરંગમાં સજીધજીને ગરબા કરવા પહોંચી ગઈ હતી. એક પણ વર્ષ એવું નથી ગયું કે મેં ગરબા નહીં કર્યા હોય. આ વર્ષે મારી બેબી, જૉબ અને ઘરને મૅનેજ કરીને પણ ગરબા માટે તો સમય કાઢી જ લઉં છું. સવારે પાંચ વાગ્યે ઊઠીને સવારનું ટિફિન અને કામ પતાવી દઉં અને પછી મારી બેબીને તૈયાર કરીને જૉબ પર બેસી જાઉં. નવરાત્રિ દરમ્યાન વર્ક ફ્રૉમ હોમ લઈ લઉં જેથી બધું જ મૅનેજ કરવામાં થોડું સરળ પડે. સાંજે પાંચ વાગ્યે બેબીને મારી મમ્મીના ઘરે મૂકીને, તૈયાર થઈને હું ગ્રાઉન્ડ પર જતી રહું. મને ગરબાનાં ગીતોથી અલગ જ પ્રકારની એનર્જી મળે છે. નવરાત્રિ પૂરી થઈ જાય તો પણ હું ગરબાની વર્કશૉપ્સ લઈને મારો ગરબા રમવાનો શોખ પૂરો કરું છું. ઘરમાં એકલી હોઉં તો પણ મોબાઇલમાં ગરબા વગાડીને રમી લઉં છું.’
ગરબા માટે મેં ૨૭ કિલો વેઇટલૉસ કર્યો : રુચિત શાહ

બોરીવલીમાં રહેતો પચીસ વર્ષનો રુચિત શાહ વ્યવસાયે ઑપરેશન્સ મૅનેજર અને ટેક ડેવલપર છે. જોકે ગરબા તેના માટે શોખ નહીં પણ શ્વાસ બની ગયા છે એમ કહેવું ખોટું નહીં કહેવાય. ગરબા પ્રત્યેની દીવાનગી વિશે વાત કરતાં રુચિત કહે છે, ‘મારાં મમ્મી-પપ્પાને બહુ ક્રેઝ છે ગરબાનો. હું નાનો હતો ત્યારે તેમને ફાલ્ગુની પાઠકના ગરબામાં પ્રાઇઝ લાવતાં જોતો હતો. નાનપણમાં હું સોસાયટીની નવરાત્રિ રમતો. મને સાદા ગરબા જ આવડતા હતા, પણ પેરન્ટ્સને જોઈને અંદરખાને એમ થતું કે તેમને આવડે છે તો મને કેમ નહીં? બસ, ત્યારથી હું ગરબાના પ્રેમમાં પડી ગયો. હું થનગાટ ગ્રુપમાં જૉઇન થઈને ગરબા શીખ્યો.
હાઈ-ઇન્ટેન્સિટી ગરબા રમવા મને બહુ ગમે. બૅરલ્સ અને બેઠક જેવાં સ્ટેપ્સ ખરેખર ઍડ્વેન્ચરસ ફીલ આપે. જોકે મારું વજન વધારે હોવાથી આવા ગરબા કરવાનું ફાવતું નહોતું. તેથી આ વર્ષે મેં નક્કી કર્યું હતું કે વજન ઉતારીને બૉડીની સ્ટ્રેન્થ વધારીશ. ગરબા માટે થઈને મેં ફેબ્રુઆરીથી ડાયટિંગ અને વર્કઆઉટ કરવાનું ચાલુ કર્યું હતું અને નવરાત્રિ
આવતાં-આવતાં મેં ૨૭ કિલો વજન ઓછું કર્યું. વજન ઓછું થયા પછી તો મને ગરબા પ્રત્યે વધુ પ્રેમ થવા લાગ્યો. ખાસ કરીને મને ગલગોટો, ખોડિયાર મા જેવાં ગીતો પર થિરકવું વધુ ગમે છે. હું જૈન છું એટલે મેં પર્યુષણ દરમ્યાન ૯ દિવસના ઉપવાસ પણ કર્યા હતા. સાંજે વહેલા નીકળવું અને રાત્રે મોડા આવવું એ નવરાત્રિમાં મારા ઘરવાળાઓ માટે પણ ન્યુ નૉર્મલ રૂટીન બની ગયું છે. ગરબા માટે તો હું અત્યારે મારી સ્લીપ પણ સૅક્રિફાઇસ કરી રહ્યો છું. રાત્રે મોડા આવ્યા પછી ઑફિસ જવાનું થાય ત્યારે લંચ-ટાઇમમાં થોડો પાવર-નૅપ લઈ લઉં છું, જેથી રાત્રે ગરબા રમવામાં એનર્જી મળે. જો કરવું હોય તો યુનિવર્સ તમારા ગોલ્સને અચીવ કરવામાં મદદ કરે છે એ રીતે ગરબા રમવા જ હોય તો આપમેળે બધું મૅનેજ થઈ જાય છે એ ફિલોસૉફીને હું દૃઢપણે માનું છું.’
ગરબા રમવા અમદાવાદથી મુંબઈ ટ્રાવેલ કરું છું : દેવર્ષ શાહ

નવરાત્રિ રમવા માટે ઘણા લોકો મુંબઈથી ગુજરાત જતા હોય છે ત્યારે પચીસ વર્ષનો મેકૅનિકલ એન્જિનિયર દેવર્ષ શાહ નવરાત્રિ દરમ્યાન અમદાવાદથી મુંબઈ આવે છે. કોઈ યુવક માત્ર ગરબા માટે એક રાજ્ય છોડીને નવ-દસ દિવસ સુધી દોડી આવે અને નવરાત્રિ માટે ખાસ લાંબો સમય મુકામ કરે ત્યારે તેને અસલી ગરબાઘેલો કહી શકાય. મૂળ અમદાવાદના આ છોકરાને કેવી રીતે મુંબઈની નવરાત્રિની માયા લાગી એ વિશે તે કહે છે, ‘હું છેલ્લાં બે વર્ષથી અમદાવાદથી મુંબઈ ૯ દિવસ માટે આવી જાઉં છું. હું માતાજીનો ભક્ત છું. ગુજરાતનો ગુજરાતી છું તો નવરાત્રિ મારા માટે બહુ જ સ્પેશ્યલ હોય છે. પહેલાં તો હું ચા-પાણી પીને જ નવરાત્રિ કરતો હતો અને સવાર સુધી થતા શેરીગરબા રમીને થોડું જમતો. એક વખત મેં મુંબઈનું થનગાટ ગરબા ગ્રુપ અમદાવાદમાં જોયું. ઍક્ચ્યુઅલી એની વર્કશૉપ્સ ચાલતી હતી અને મેં પણ એમાં ભાગ લીધો. મને ખરેખર બહુ મજા આવી. ૨૦૧૫થી હું એની સાથે જોડાયેલો છું. એના ગરબાનાં સ્ટેપ્સ મને બહુ ગમવા લાગ્યાં. હું છેલ્લા ૭ મહિનાથી દર વીક-એન્ડમાં અમદાવાદથી મુંબઈ માત્ર ગરબા રમવા અને શીખવવા આવતો હતો. અમદાવાદ પહોંચીને સોમવારથી ફરીથી પોતાના બિઝનેસમાં વ્યસ્ત થઈ જતો. આ જ મારું રૂટીન હતું. પછી મને મુંબઈની નવરાત્રિ રમવાનું મન થયું તો હું છેલ્લાં બે વર્ષથી મુંબઈ આવું છું. આ વખતે ગીતા રબારી અને ફાલ્ગુની પાઠકના ગરબામાં રમી રહ્યો છું. અમાસના દિવસે એટલે કે નવરાત્રિના એક દિવસ પહેલાં જ મારાં દરેક દિવસનાં કૉસ્ચ્યુમ્સ કૅરી કરીને આવી જાઉં છું. કાંદિવલીના ચારકોપ વિસ્તારમાં મારા એક સર એકલા જ રહે છે એટલે હું તેમની સાથે રહું છું. સાંજ પડતાં જ તૈયાર થઈને ગ્રાઉન્ડમાં જાઉં, મોડી રાત્રે આવું અને સવારે મોડા ઊઠવું મારું અહીંનું શેડ્યુલ બની ગયું છે. મુંબઈમાં ફક્ત ચા-પાણી પર ઉપવાસ કરવાનું પૉસિબલ નથી, પણ દરરોજ મંદિર જઈને માતાજીનાં દર્શન કરું છું. મારા માટે ગરબા માત્ર નૃત્ય કે મનોરજંન નથી, હાથ-પગ થિરકાવીને માતાજી માટેનો પ્રેમ છે અને એ માટે અમદાવાદ ટુ મુંબઈ શું, ક્યાંય પણ જવા તૈયાર છું.’
