મુલુંડમાં કોરોનાની સાથે ફેક મેસેજનો પણ પ્રકોપ
ફેક મેસેજ
કોરોનાવાઇરસના પ્રકોપની જેમ ફેક મેસેજનો પ્રકોપ પણ વધી ગયો હોવાથી ગઈ કાલે મુલુંડમાં લૉકડાઉન હોવાના સમાચાર વાઇરલ થતાં થોડા સમય માટે તો લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. આ ન્યુઝ એવા વાઇરલ થયા હતા કે સ્થાનિક વૉર્ડ-ઑફિસે ખુલાસો કરવો પડ્યો હતો કે આવું કંઈ નથી અને આ સમાચાર ખોટા છે.
ગઈ કાલે વાઇરલ થયેલા ન્યુઝમાં લખવામાં આવ્યું હતું કે મુંબઈમાં સૌથી પહેલાં મુલુંડમાં લૉકડાઉન કરવામાં આવ્યું છે. વાઇરલ થયેલા આ ન્યુઝ સાથે કહેવામાં આવ્યું હતું કે કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા હોવાથી મુલુંડમાં લૉકડાઉન લગાવવામાં આવ્યું છે.
ADVERTISEMENT
આ બાબતે મુલુંડ ‘ટી’ વૉર્ડના વૉર્ડ-ઑફિસર કિશોર ગાંધીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મુલુંડમાં લૉકડાઉન જેવું કંઈ નથી. હા, એ વાત સાચી છે કે કોરોનાના કેસ વધી રહ્યા છે. એને લીધે અમે છ બિલ્ડિંગોને નોટિસ આપીને સીલ કર્યાં છે. આવા ખોટા ન્યુઝ ફેલાવનારા પર કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવશે.’
આ સંદર્ભમાં મુલુંડના વિધાનસભ્ય મિહિર કોટેચાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હું લોકોને અપીલ કરું છું કે આવા ખોટા મેસેજો પર લોકોએ વિશ્વાસ ન રાખવો જોઈએ. અત્યારે તો લૉકડાઉન જેવી પરિસ્થિતિ નથી, પણ જો એવું કંઈ થવાનું હશે તો લોકોને પહેલેથી જાણ કરવામાં આવશે.’

