એક ખૂબ જ જાણીતી હિન્દી ફિલ્મનો જાણીતો સંવાદ છે “મર્દ કો કભી દર્દ નહીં હોતા”, પુરુષોનું આવું જ ચિત્રણ કવિ નર્મદ પોતાની કવિતામાં કરતાં લખે છે “મર્દ તેહનું નામ, સમો આવ્યો કે ચાલે; કનક કામિની તજી, સજી રણમાં મ્હાલે.” પુરુષોની આ કઠણ અને કડક વલણ ધરાવતી છબી કાયમ રાખવામાં સમાજે દિલથી મહેનત કરી છે. લોકો એ વાતને તો સ્વીકારે છે કે પુરુષો નારિયેળ જેવા છે, પણ તેનાથી પણ ઓછા લોકો સમજી શકે છે કે આ નારિયેળની અંદર લાગણીઓની ભીનાશ યથાવત્ છે. આ જ્ઞાન ઠોકીને પુરુષોને મહાન ચિતરવાનો પ્રયાસ અમે કરતાં નથી, પણ તમામ મર્દ જે દર્દ વેઠીને પણ સમાજમાં પરિવર્તન લાવવા માટે મથી રહ્યાં છે તેમની વાર્તા તમારા સુધી પહોંચાડવાના નમ્ર પ્રયાસરૂપે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લઈને આવ્યું છે એક વિશેષ સિરીઝ ‘મૅન્ટાસ્ટિક’. આ સિરીઝમાં આપણે દર પખવાડિયે મળીશું એવા પુરુષોને જેમણે તનતોડ મહેનત કરી કંઈક નવું ઉકાળ્યું હોય. આજે આપણે મળવાના છીએ મુલુંડ વેસ્ટમાં રહેતા ૬૬ વર્ષના યુરોલોજીસ્ટ ડૉ. ધીરજ બચુભાઈ શાહને. ડૉક્ટર હોવાને નાતે સતત વ્યસ્ત રહેવા છતાં તેઓએ પોતાનો વાંસળી વાદનનો અનોખો શોખ જીવતો રાખ્યો છે. તેઓના જીવનમાં વાંસળીએ ભજવેલો રોલ, વળી તેઓની તેમાં વિશારદ થવાની જર્ની ઇન્ટરેસ્ટિંગ છે. તો, ચાલો મળીએ ધીરજ શાહને!
06 March, 2025 07:01 IST | Mumbai | Dharmik Parmar