ગણેશોત્સવના ચાર મહિના પછી પણ મુલુંડની અનેક ફુટપાથ પર પડી છે બાપ્પાની પ્રતિમાઓ અને ટ્રૉલી : અસામાજિક તત્ત્વો એની બાજુમાં બેસીને નશો કરતાં હોવાથી કાયદો અને વ્યવસ્થાની સમસ્યા સર્જાઈ શકે છે
મુલુંડમાં એમ. જી. રોડની ફુટપાથ પર બાપ્પાની મૂર્તિ અને ટ્રૉલી.
ગણેશોત્સવ પૂરો થયો એના ૪ મહિના પછી પણ મુલુંડ-વેસ્ટની અનેક ફુટપાથ પર બાપ્પાની મૂર્તિ અને ટ્રૉલી મૂકી રાખી મૂકવામાં આવી છે. આ મૂર્તિની બાજુમાં અને ટ્રૉલી પર રાતે અમુક અસામાજિક તત્ત્વો નશો કરતાં હોવાથી કાયદો અને વ્યવસ્થાની સમસ્યા નિર્માણ થવાની શક્યતા સ્થાનિક નાગરિકોએ વ્યક્ત કરી છે. આ મામલે લોકોએ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) અને પોલીસને પત્ર લખીને મૂર્તિ અને ટ્રૉલીને દૂર કરવાની માગણી કરી છે એટલું જ નહીં, ફુટપાથ પર બાપ્પાની મૂર્તિનું વિસર્જન કર્યા વગર એને મૂકી ગયેલા લોકો સામે કાર્યવાહી કરવાની પણ માગણી કરી છે.
મુલુંડના એમ. જી. રોડ પર રહેતા કમલેશ મોતાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગણેશોત્સવના ૪ મહિના પહેલાંથી વેપારીઓ ફુટપાથનો કબજો કરી મંડપ બાંધીને બાપ્પાની મૂર્તિ વેચતા હોય છે. છેલ્લાં ચાર-પાંચ વર્ષથી મુલુંડ-વેસ્ટના એમ. જી. રોડ અને ભક્તિ માર્ગ પર મોટા પ્રમાણમાં આવા મંડપો બાંધવામાં આવે છે જેમાં દર વર્ષે ગણેશોત્સવ બાદ બચી ગયેલી મૂર્તિઓ વેપારીઓ ફુટપાથ પર છોડીને જતા રહે છે. ગયા વર્ષે બેથી ત્રણ મૂર્તિનું અમે વિસર્જન કર્યું હતું. આ વર્ષે અમે BMCને પત્ર લખીને આની જાણ કરી હતી તેમ જ ફુટપાથ પર મંડપ બાંધવા માગતા લોકોને તમામ મૂર્તિઓ સાથે લઈ જવાની શરતે જ પરવાનગી આપવામાં આવે એવી માગણી કરી હતી. જોકે ગયા વર્ષે પણ આ જ પરિસ્થિતિ જોવા મળી છે. એમ. જી. રોડ પર ગાયવાલા બિલ્ડિંગની સામે બાપ્પાની બેથી ૩ મૂર્તિ ફુટપાથ પર મૂકી રાખવામાં આવી છે જેની બાજુમાં રાતે અસામાજિક તત્ત્વો નશો કરતાં હોય છે. આ ઉપરાંત વૈશાલીનગર, ચંદનબાગ અને એમ. જી. રોડ પર રસ્તા પર ટ્રૉલીઓ બાંધી રાખવામાં આવી છે જેને કારણે ટ્રાફિક થવાથી નાગરિકો ત્રસ્ત થઈ રહ્યા છે. અમારી BMC અને પોલીસ પાસે માગણી છે કે આ વર્ષે મૂર્તિ વેચતા તમામ લોકો પાસેથી તેમની તમામ મૂર્તિઓની જવાબદારી લીધા બાદ જ પરવાનગી આપવામાં આવે તેમ જ આ રીતે બાપ્પાની મૂર્તિનું વિસર્જન કર્યા વગર ફુટપાથ પર મૂકી જનારા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે.’


