ક્ષિતિજ રવિ પ્રસાદે મૅજિસ્ટ્રેટને પોતાની હેરાનગતિ કરાઈ હોવાનું કહ્યું
ક્ષિતિજ રવિ પ્રસાદ
ડ્રગ્સના મામલામાં એન્ટી નાર્કોટિક્સ બ્યુરો (એનસીબી)એ ધરપકડ કરેલા ફિલ્મ નિર્માતા કરણ જોહરની કંપની ધર્મા પ્રોડક્શનના ભૂતપૂર્વ કર્મચારી ક્ષિતિજ રવિ પ્રસાદને ગઈ કાલે કોર્ટમાં રજૂ કરાયો હતો ત્યારે તેણે મૅજિસ્ટ્રેટને કહ્યું હતું કે તેની ખૂબ જ હેરાનગતિ કરવાની સાથે થર્ડ ડિગ્રી અપનાવીને નિવેદન નોંધાવવાનું દબાણ કરાઈ રહ્યું છે. કોર્ટે તેને ૩ ઑક્ટોબર સુધીની કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો હતો.
એનસીબી ઑફિસની બહાર પત્રકારોને ક્ષિતિજે પોતાની ઉપર મૂકાયેલા તમામ આરોપ ખોટા હોવાનું જણાવતા હતું કે, ‘મને બલીનો બકરો બનાવાઈ રહ્યો છે.’
સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુના મામલામાં બૉલીવૂડમાં ડ્રગ્સનું મોટાપાયે સેવન કરાતું હોવાની તપાસમાં એનસીબીએ ધર્મા પ્રોડક્શનના ભૂતપૂર્વ કર્મચારી ક્ષિતિજની શનિવારે ધરપકડ કરી હતી.
ADVERTISEMENT
એનસીબીના જણાવ્યા મુજબ આરોપી ક્ષિતિજના અનેક ડ્ર્ગ્સ પેડલર સાથે કનેક્શન છે અને આ નેટવર્કને ખૂલ્લુ પાડવા માટે તેની કસ્ટડી મેળવવી જરૂરી છે. તેના ડ્રગ્સ પેડલર અંકુશ અરનેજા સાથે નજીકના સંબંધ છે, જેની પહેલા જ ધરપકડ કરાઈ છે. તેનું દક્ષિણ મુંબઈમાં હાઈ પ્રોફાઈલ નેટવર્ક છે.
અંકુશ અરનેજાના વકીલ સતીશ માનેશિંદેએ કહ્યું હતું કે એનસીબીએ તેનું સ્ટેટમેન્ટ દબાણ કરીને લીધું છે. તેને ટોર્ચર કરી તેને મોટા સેલિબ્રિટીના નામ લેવા કહ્યું છે. તેની પર થર્ડ ડીગ્રીનો પણ પ્રયોગ કરાયો છે અમને તેને બ્લેકમેઇલ પણ કરાયો છે. કોર્ટે તેનું સ્ટેટમેન્ટ નોંધ્યું હતું. રીમાન્ડ એપ્લીકેશન અને ક્ષિતિજે કહ્યા મુજબ એનસીબી કરણ જોહર અને ધર્મા પ્રોડક્શનના અન્ય ઉચ્ચ અધિકારીઓને ખોટી રીતે આ કેસમાં સંડોવવા માગે છે.
સતિશ માનેશિંદેએ વધુમાં કહ્યું હતું કે ક્ષિતિજ પ્રસાદે તેને ડીટેઇલ સ્ટેમેન્ટમાં કોર્ટને જણવતા કહ્યું છે કે એનસીબીના ઝોનલ ડીરેક્ટર સમીર વાનખેડેએ અન્ય ઓફિસરોની સામે તેને કહ્યું હતું કે જો એ કરણ જોહર, સોમેલ મિશ્રા, રાખી અપુર્વા, નીરજ કે પછી રાહીલ ડ્રગ લે છે એમ કહે તો તેને છોડી મુકશે. જોકે તે એ લોકોને વ્યક્તિગત રીતે જાણતો ન હોવાથી અને એથી તેમને ખોટા રીતે ફસાવવા માંગતો ન હોવાથી તેમના નામ લીધા નહોતા.
બૉલીવુડ ડ્રગ કાર્ટેલના આ કેસમાં તેનું નામ બહાર આવતાં ૩ દિવસ સુધી તેની સઘન પૂછપરછ કરાઈ અને ત્યાર બાદ અંધેરીમાં ૪ જગ્યાએ રેઇડ પણ પાડવામાં આવી અને તેની વિરુદ્ધ મજબૂત પુરાવા હાથ લાગ્યા બાદ તેની ધરપકડ કરાઈ હતી. જોકે તેની સાથે જ પૂછપરછ માટે લવાયેલા ધર્મા પ્રોડક્શનના અનુભવ ચોપડાની પૂછપરછ કર્યા પછી તેને છોડી મુકાયો હતો.
કરણ જોહરે કહ્યું હતું કે એક પ્રોજેક્ટને લઈને ક્ષિતિજ રવિ પ્રસાદની કૉન્ટ્રૅક્ટ બેઝિસ પર અપૉઇન્ટમેન્ટ કરાઈ હતી, પણ પછી એ પર્ટિક્યુલર પ્રોજેક્ટ મટીરિયલાઇઝ થયો નહોતો. જ્યારે અનુભવ ચોપડાએ બહુ થોડા વખત માટે અમારી સાથે સેકન્ડ અસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે એક શૉર્ટ ફિલ્મ માટે નવેમ્બર 2011થી જાન્યુઆરી 2012 દરમ્યાન કામ કર્યું હતું. એ પછી તેને ધર્મા પ્રોડક્શનના કોઈ પ્રોજેક્ટમાં લેવાયો નથી.

