ડ્રગ્સ મામલામાં ચાર્જશીટ દાખલ કરવા માટે NCB લાવી બે પેટી ડૉક્યુમેન્ટ્સ
સુશાંત સિંહ રાજપૂત
અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુ સાથે સંકળાયેલા ડ્રગ્સના બહુચર્ચિત મામલાની તપાસ કરી રહેલા નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (એનસીબી)એ ગઈ કાલે કોર્ટમાં અભિનેત્રી રિયા ચક્રવર્તી સહિત ૩૩ આરોપીઓનાં નામ સાથેની ચાર્જશીટ દાખલ કરી હતી. આ આરોપનામામાં ૧૨ હજાર પેજની સાથે ૫૦ હજાર પેજનું એનેક્સ્ચર હોવાનું જાણવા મળ્યું હતું. આરોપીઓ વચ્ચે થયેલી વૉટ્સઍપ ચૅટ, કૉલ-ડેટા રેકૉર્ડ્સ અને બૅન્ક-ડૉક્યુમેન્ટ્સ સહિતના પુરાવાઓ તપાસ એજન્સીએ એમાં જોડ્યા છે. કોર્ટમાં લવાયેલા બે પેટી ભરેલા ડૉક્યુમેન્ટ્સમાં બૉલીવુડની અભિનેત્રીઓ દીપિકા પાદુકોણ, શ્રદ્ધા કપૂર અને સારા અલી ખાનના જવાબોની સાથે ૨૦૦ સાક્ષીઓનાં નિવેદનો પણ સામેલ છે.
અતિ ચર્ચાસ્પદ બનેલા અભિનેતા સુશાંતસિંહ રાજપૂતનો મૃતદેહ તેના બાંદરા ખાતેના ઘરેથી ૧૪ જૂન ૨૦૨૦ના રોજ શંકાસ્પદ સ્થિતિમાં મળી આવ્યો હતો. સુશાંતની આત્મહત્યા પાછળ કેટલાક લોકો હોવાની ફરિયાદ તેના પિતાએ કરતાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઈડી)એ તપાસ શરૂ કરી હતી. ઈડીએ હજી સુધી આ મામલામાં ચાર્જશીટ દાખલ નથી કરી.
ADVERTISEMENT
સુશાંતના મૃત્યુના મામલામાં નશીલા પદાર્થની લિન્ક હોવાની શંકાના આધારે એનસીબીએ સુશાંતની અભિનેત્રી ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીની ધરપકડ કરી હતી. બાદમાં ડ્રગ્સ સપ્લાય અને સેવન કરવાના આ કેસમાં સુશાંતના રસોઇયા દીપેશ સાવંત અને મૅનેજર સેમ્યુલ મિરાંડાનાં નામ સામે આવ્યાં હતાં.
આ કેસમાં એનસીબીએ ધરપકડ કરેલા આરોપીઓએ દાવો કર્યો હતો કે નશીલા પદાર્થની સપ્લાયમાં અનુજ કેશવાણી સહિત બે વિદેશી નાગરિક સંકળાયેલા છે. પોલીસે આથી તેમની પૂછપરછ કર્યા બાદ ધરપકડ કરી હતી. એમાંથી એક આરોપી અભિનેતા અર્જુન રામપાલના પાર્ટનરનો ભાઈ છે. ફિલ્મનિર્માતા કરણ જોહરની કંપનીના એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર ક્ષિતિજ પ્રસાદની પણ બાદમાં ધરપકડ કરાઈ હતી.
આ હાઇ-પ્રોફાઇલ કેસમાં રિયા ચક્રવર્તી અને તેનો ભાઈ શૌવિક સહિતના આરોપીઓ જામીન પર છૂટ્યા છે, જ્યારે હજી પણ ત્રણ આરોપીઓ જેલમાં છે. એનસીબીએ આરોપીઓની આઇપીસી અને એનડીપીએસ ઍક્ટની વિવિધ કલમો હેઠળ ધરપકડ કરી હતી.
એનસીબીએ આ મામલામાં ૨૦થી વધુ આરોપીઓનાં નિવેદનો નોંધ્યા બાદ તેમની પાસેથી મળેલી માહિતીના આધારે બીજા આરોપીઓની ધરપકડ કરી હતી. ડ્રગ્સના સેવન બાબતની અભિનેત્રી દીપિકા પદુકોણ, સારા અલી ખાન અને શ્રદ્ધા કપૂરની ચૅટ કે લિન્ક સામે આવતાં એનસીબીએ આ અભિનેત્રીઓના જવાબ પણ નોંધ્યા હતા. મોટી સેલિબ્રિટીઓનાં નામ નશીલા પદાર્થની હેરફેર અને સેવનમાં આવતાં બૉલીવુડમાં મોટા ભાગના લોકો ડ્રગ્સ લેતા હોવાનાં નિવેદનો કંગના રનોટે અનેક વખત કરતાં મામલો ભારે ચર્ચાસ્પદ બન્યો હતો.

