બૉમ્બે હાઈ કોર્ટના આદેશ બાદ દિશા સાલિયન કેસમાં CBI દ્વારા FIR નોંધાયો : ઉદ્ધવ ઠાકરે, આદિત્ય ઠાકરે, ડિનો મોરિયા, રિયા ચક્રવર્તી, સૂરજ પંચોલી, પરમબીર સિંહ, સચિન વાઝેનાં નામ
નીલેશ ઓઝા, સતીશ સાલિયનના વકીલ
ઍક્ટર સુશાંત સિંહ રાજપૂતની ભૂતપૂર્વ મૅનેજર દિશા સાલિયનનું મૃત્યુ થયું એનાં ૬ વર્ષ બાદ તેનો કેસ બૉમ્બે હાઈ કોર્ટના આદેશ પછી સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા ફરી તપાસવામાં આવી રહ્યો છે અને ૧૪ સપ્ટેમ્બરે આ કેસમાં CBI દ્વારા ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) પણ નોંધવામાં આવ્યો છે.
FIRમાં દિશા સાલિયાનની કથિતપણે હત્યા કરવામાં આવી એ સમયે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન રહેલા શિવસેના (UBT)ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે, તેમના પુત્ર તથા વિધાનસભ્ય આદિત્ય ઠાકરે, તેમના બૉડીગાર્ડ્સ, ઍક્ટર આદિત્ય પંચોલીનો પુત્ર સૂરજ પંચોલી, ઍક્ટર ડિનો મોરિયા, સુશાંત સિંહ રાજપૂતની તત્કાલીન ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી, રિયાનો ભાઈ શોવિક ચક્રવર્તી, મુંબઈના તત્કાલીન પોલીસ-કમિશનર પરમબીર સિંહ, ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ (DCP) વિશાલ ઠાકુર, મહારાષ્ટ્રના તત્કાલીન ગૃહપ્રધાન અનિલ દેશમુખ તથા હાલ જેલ ભોગવી રહેલો એન્કાઉન્ટર સ્પેશ્યલિસ્ટ સચિન વાઝે સહિત પોસ્ટમૉર્ટમ કરનારા ડૉક્ટર-મેડિકલ સ્ટાફ, ખોટો રિપોર્ટ બનાવનારા માલવણી પોલીસ-સ્ટેશનના કર્મચારીઓ અને પોલીસ-ઇન્સ્પેક્ટર અને કાલિનાની ફૉરેન્સિક લૅબોરેટરીના સ્ટાફનાં નામ છે.
ADVERTISEMENT
દિશા સાલિયનના પિતા સતીશ સાલિયન દ્વારા કરવામાં આવેલી અરજીને પગલે બૉમ્બે હાઈ કોર્ટે કેસમાં FIR નોંધીને તપાસ CBI દ્વારા કરવામાં આવે એવો આદેશ આપ્યો હતો. એને પગલે ૧૩ સપ્ટેમ્બરે CBIએ FIR નોંધ્યો હતો. એ પહેલાં ૧૧ સપ્ટેમ્બરે દિશાના પિતા સતીશ સાલિયનને બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ (BKC)માં આવેલી CBIની ઑફિસમાં બોલાવીને તેમનું નિવેદન પણ નોંધવામાં આવ્યું હતું. નોંધનીય છે કે હાઈ કોર્ટ CBIને સ્પષ્ટ નિર્દેશ આપ્યો હતો કે આ કેસમાં કોઈનાં નામ આરોપી તરીકે નોંધવામાં ન આવવાં જોઈએ, જેમનાં નામો છે તેમની વિરુદ્ધ કોઈ પુરાવા મળે તો જ તેમની વિરુદ્ધ આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે ૨૦૨૦ની ૮ જૂને મલાડની હાઉસિંગ સોસાયટીના બારમા માળેથી પટકાતાં દિશાનું મૃત્યુ થયું હતું એમ જણાવવામાં આવ્યું હતું અને આ ઘટનાને આત્મહત્યા તરીકે ખપાવીને કેસને રફેદફે કરી દેવામાં આવ્યો હતો. CBIએ જ નહીં, અદાલતે પણ આ આખી થિયરી પર પ્રશ્ન ઉઠાવ્યો હતો અને પોલીસ દ્વારા આપવામાં આવેલા તપાસના રિપોર્ટ તથા પોસ્ટમૉર્ટમ રિપોર્ટને અયોગ્ય ગણાવીને નવેસરથી તપાસનો આદેશ આપ્યો હતો. દિશાના મૃત્યુના ૬ દિવસ બાદ ૧૪ જૂને સુશાંત સિંહ રાજપૂત પણ તેના ફ્લૅટમાં ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. આ બન્નેનાં મૃત્યુ વચ્ચે પણ કોઈ સંબંધ હોવાનું માનવામાં આવે છે.
સુશાંત સિંહનું ગળું બેથી ૩ વખત દબાવાયું, આંખો ફોડી નાખવામાં આવી : મેડિકલ સ્ટાફ
સુશાંત સિંહ રાજપૂતના મૃતદેહનું પોસ્ટમૉર્ટમ જ્યાં કરવામાં આવ્યું હતું એ કૂપર હૉસ્પિટલના મૉર્ગ (શબગૃહ)ના ભૂતપૂર્વ સ્ટાફ રૂપકુમાર શાહે દાવો કર્યો હતો કે ‘સુશાંત સિંહનું ગળું બેથી ૩ વખત દબાવવામાં આવ્યું હતું અને તેના ગળા પર સ્ટન-ગનનાં નિશાન પણ હતાં જેના દ્વારા વ્યક્તિ થોડી વાર માટે હલનચલન કરી ન કરી શકે એવી પરિસ્થિતિમાં આવી જાય છે. સુશાંત પર બેથી ત્રણ વખત સ્ટન-ગનનો પ્રયોગ કરવામાં આવ્યો હોવાનું નિશાન પરથી દેખાય છે. તેની આંખો ફોડી નાખવામાં આવી હતી. તેના શરીર અને ગળા પરના નિશાનથી તેણે ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી હોય એવું જણાતું નહોતું.’
રૂપકુમાર શાહે દાવો કર્યો હતો કે સ્ટાફ આગલા દિવસે પોસ્ટમૉર્ટમ કરવા માગતો હોવા છતાં રાતના સમયે જ પોસ્ટમૉર્ટમ કરવાની ફરજ પાડવામાં આવી હતી તથા પોસ્ટમૉર્ટમનું વિડિયો-રેકૉર્ડિંગ પણ કરવામાં આવ્યું નહોતું, ફક્ત ફોટો-રેકૉર્ડિંગ જ કરવામાં આવ્યું હતું.
દિશાના પ્રાઇવેટ પાર્ટ્સ પર ઈજા હતી, તેના કાન અને હોઠ પર પણ ચીરા હતા
કૂપર હૉસ્પિટલના મૉર્ગના ભૂતપૂર્વ સ્ટાફ રૂપકુમાર શાહે દિશા સાલિયનના પોસ્ટમૉર્ટમ દરમ્યાનની વિગતો પણ જાહેર કરતાં દાવો કર્યો હતો કે ‘જેમણે પોસ્ટમૉર્ટમ કર્યું તેમણે દિશા સાલિયનનો ગૅન્ગરેપ થયો હોવાનું કહ્યું હતું. દિશા સાલિયનના પ્રાઇવેટ પાર્ટ્સ પર ઈજાનાં નિશાન હતાં તથા તેના કાન, હોઠ અને છાતીના ભાગમાં ચીરા પડેલા હતા. સુશાંત સિંહ રાજપૂતના કેસની જેમ જ આ કેસમાં પણ મુંબઈ પોલીસે વિડિયો રેકૉર્ડિંગ કરવાની પરવાનગી આપી નહોતી. દિશા સાલિયનના પોસ્ટમૉર્ટમનું પણ ફક્ત ફોટો રેકૉર્ડિંગ જ કરવામાં આવ્યું હતું.’
દિશાનો મોબાઇલ તેના મૃત્યુ બાદ કોણ યુઝ કરતું હતું?
પોલીસે દિશાના મોબાઇલ ફોનનો કબજો ૨૦૨૦ની ૯ જૂને લઈ લીધો હતો અને અેને જપ્ત કરી લીધો હોવાનું રેકૉર્ડ્સમાં જણાવાયું હતું. જોકે વિવિધ મીડિયા અહેવાલો અનુસાર એ દિવસ પછી પણ દિશાનો મોબાઇલ અૅક્ટિવ હતો અને કોઈ અેનો ઉપયોગ કરી રહ્યું હતું. જોકે પછીથી પોલીસે આ વિશે સ્પષ્ટતા આપતાં કહ્યું હતું કે સુશાંત સિંહ રાજપૂતનું મૃત્યુ થયું ત્યાર પછી જ દિશાનો મોબાઇલ ફરી ચાલુ કરવામાં આવ્યો હતો જેથી બન્નેનાં મૃત્યુને કોઈ સંબંધ છે કે નહીં અેની તપાસ કરી શકાય. એટલે કે તપાસના હેતુસર દિશાનો મોબાઇલ ફરી શરૂ કરવાની સ્પષ્ટતા મુંબઈ પોલીસ દ્વારા આપવામાં આવી હતી. જોકે નવા FIRમાં જણાવાયું છે કે ફોનને કથિત રીતે દિશાએ જે લોકો સાથે વાત કરી હોય અને ઘટના વિશે માહિતી આપી હોય તેમની માહિતી મેળવવા અને જો કોઈ સાક્ષી બની શકે અને કેસમાં પોતા માટે ખતરો બની શકે એમની ઓળખ કરવા માટે મોબાઇલ ચેક કરવામાં આવ્યો હતો. કોઈ પણ જાતના પુરાવા ન રહે એ માટે દિશાના મોબાઇલના ડેટા ડિલીટ કરવામાં આવ્યા હતા અને અેમાં પુરાવા સાથે ચેડાં પણ કરવામાં આવ્યાં હતાં. દિશાએ જેને સંવેદનશીલ માહિતી પૂરી પાડી હોય તેમની ઓળખ કરીને તેમને ધમકાવવા અથવા દબાણ બનાવવા અથવા તો ખતમ કરી નાખવા માટે મોબાઇલનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું FIRમાં જણાવાયું છે.
મારી દીકરીની આબરૂ છીનવી, તેમની આબરૂના પણ લીરેલીરા ઊડશે : સતીશ સાલિયન
દિશાના પિતા સતીશ સાલિયને મંગળવારે જણાવ્યું હતું કે ‘૬ વર્ષ સુધી પોલીસ-કમિશનરની ઑફિસ, SIT ઇન્વેસ્ટિગેશન, અદાલતોના અમે ધક્કા ખાધા છે અને આખરે ભગવાને અમારા માટે ન્યાયના દરવાજા ખોલ્યા છે. ભગવાને મને નીલેશ ઓઝા જેવા વકીલ અને તેમના જેવા મોટા લોકોની છત્રછાયામાં મૂક્યો છે. જે રીતે મારી દીકરીની આબરૂ છીનવી લેવામાં આવી હતી એ જ રીતે તેની આવી હાલત કરનારાઓની આબરૂ પણ જશે. હું ઇચ્છું છું કે તેમને આજીવન કારાવાસની કે પછી ફાંસીની સજા થાય.’
આદિત્ય ઠાકરેના ડ્રગ્સ, ચાઇલ્ડ ટ્રાફિકિંગના ગોરખધંધાના પુરાવા હતા દિશા પાસે : વકીલ
દિશા સાલિયનના પિતા સતીશ સાલિયનના વકીલ નીલેશ ઓઝાએ દાવો કરતાં કહ્યું હતું કે ‘દિશાના હત્યારાઓને આજીવન કારાવાસ કે મૃત્યુદંડની સજા થઈ શકે એટલા પુરાવા અમારી પાસે છે. અમારી પાસે ડિજિટલ પુરાવા પણ છે. દિશા સાલિયન પાસે આદિત્ય ઠાકરેના ડ્રગ્સના ગોરખધંધાના તથા તે ચાઇલ્ડ ટ્રાફિકિંગના ધંધામાં હોવાના પુરાવા હતા જે દિશાએ સુશાંત સિંહ રાજપૂતને મોકલ્યા હતા.’
FIRમાં ફક્ત દિશાના મર્ડરનો જ ઉલ્લેખ નથી એમ જણાવતાં નીલેશ ઓઝાએ કહ્યું કે દિશાએ જે-જે લોકોને આદિત્ય ઠાકરેના ગોરખધંધાઓના પુરાવા મોકલાવ્યા એ બધાનાં એક પછી એક મર્ડર કરવામાં આવ્યાં હતાં એનો પણ ઉલ્લેખ છે.
આદિત્ય ઠાકરેનું મોબાઇલ લોકેશન દિશાના મૃત્યુના સ્થળ પાસે?
નીલેશ ઓઝાએ દાવો કર્યો હતો કે ‘ફિઝિકલ એવિડન્સ ઉપરાંત ડિજિટલ એવિડન્સ પણ છે જે સામેના પક્ષના લોકો જુઠ્ઠું બોલી રહ્યા હોવાનું પુરવાર કરે છે. જે વખતે દિશાનું મૃત્યુ થયું ત્યારે આદિત્ય ઠાકરે, સૂરજ પંચોલી એ બધાનાં જ મોબાઇલ ટાવર લોકેશન ઘટનાસ્થળની આસપાસ હોવાનું જણાય છે. તેમના કૉલ રેકૉર્ડ્સ અને અન્ય ડેટા પરથી એ દિશાના ઘરે અથવા એની આસપાસ હોવાનું જણાય છે. એનાથી આદિત્ય ઠાકરે ઘટના બની ત્યારે એ જ વિસ્તારમાં હોવાની વાત સાબિત થાય છે.’
હું મારા જીવનમાં ક્યારેય દિશા સાલિયન કે આદિત્ય ઠાકરેને નથી મળ્યો : સૂરજ પંચોલી
પોતાનું નામ CBIના નવા FIRમાં હોવાનું જણાયા બાદ સૂરજ પંચોલીએ પહેલી વખત પોતાની પ્રતિક્રિયા આપતાં સોશ્યલ મીડિયા પોસ્ટમાં કહ્યું હતું કે ‘હું મારા આખા જીવનમાં ક્યારેય દિશા સાલિયનને મળ્યો નથી. અમારે સીધી કે આડકતરી રીતે કોઈ પણ સંપર્ક નહોતો. મારા જીવનમાં આદિત્ય ઠાકરે સાથે પણ ક્યારેય મુલાકાત થઈ નથી. હું આ એટલા માટે કહી રહ્યો છું કારણ કે અમુક તથ્યો લોકોની સમક્ષ મૂકવાં મને જરૂરી લાગ્યું છે.’
સત્ય ક્યારેય પરાજિત નથી થતું : સતીશ સાલિયન
દિશાના પિતા સતીશ સાલિયને કેસ CBIને સોંપવામાં આવ્યો અને નવેસરથી તપાસ શરૂ થઈ એ બદલ આનંદ વ્યક્ત કર્યો હતો અને પોતાની દીકરીને હવે ન્યાય મળશે એવી આશા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે ‘સત્ય ક્યારેય પરાજિત થતું નથી. જ્યાં સત્ય હોય છે ત્યાં જ ઈશ્વર હોય છે. થોડા જ વખતમાં કાર્યવાહી શરૂ થશે અને અમને ન્યાય મળશે.’
કોઈ પણ જાતનો ક્યાસ લગાવવો યોગ્ય નથી : દેવેન્દ્ર ફડણવીસ
આ કેસ વિશે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને સવાલ કરવામાં આવ્યો હતો. રાજ્યના પ્રધાનમંડળની બેઠક બાદ પત્રકારો સાથે વાતચીત દરમ્યાન તેમને આ વિશે પ્રશ્ન કરામાં આવતાં તેમણે જણાવ્યું હતું કે ‘અત્યારથી જ આ વિશે જાત-જાતના ક્યાસ લગાવવા યોગ્ય નથી. મેં હજી સુધી FIR જોયો નથી અને જ્યારે CBI તપાસ કરી રહી હોય ત્યારે સત્ય બહાર આવશે જ.’
પાંચ વર્ષ સુધી પોસ્ટમૉર્ટમ રિપોર્ટ અપાયો ન હોવાનું કોર્ટનું નિરીક્ષણ
બૉમ્બે હાઈ કોર્ટે CBIને FIR નોંધીને તપાસ કરવાનો આદેશ આપ્યો એમાં દિશા સાલિયનની ફૅમિલીને પોલીસે દિશાના મૃત્યુ વખતે નોંધેલા ઍક્સિડેન્ટલ ડેથ રિપોર્ટ (ADR)ની કૉપી કે પછી દિશાના પોસ્ટમૉર્ટમ રિપોર્ટની કૉપી ન આપી હોવાનો મુદ્દો પણ ટાંક્યો હતો. દિશાના કુટુંબને ન્યાય મળે એની ખાતરી કરવા માટે હાઈ કોર્ટ CBIને આ તપાસ એક સિનિયર ઑફિસરના નેતૃત્વ હેઠળ કરવામાં આવે એવો સ્પષ્ટ નિર્દેશ પણ આપવામાં આવ્યો છે.
