ગુજરાતના રસોઈયાઓ પાંચ દિવસ બનાવશે સાત્ત્વિક ભોજન
પરેલચા મહારાજા
ગણેશોત્સવ દરમ્યાન પરેલચા મહારાજા મંડળ દ્વારા આયોજિત પાંચ દિવસીય સામુદાયિક મહાપ્રસાદ માટે મહારાષ્ટ્રના ફૂડ ઍન્ડ ડ્રગ અૅડ્મિનિસ્ટ્રેશન (FDA) તરફથી વિધિવત્ મંજૂરી મળી ગઈ છે. આ મંજૂરી મળતાં આ મંડળ ૧૯થી ૨૩ સપ્ટેમ્બર દરમ્યાન આશરે ૨૦,૦૦૦ શ્રદ્ધાળુઓને મહાપ્રસાદ પીરસશે.
મંડળના પ્રમુખ સુજિત ચવાણના જણાવ્યા અનુસાર ૧૧ સપ્ટેમ્બરે FDA તરફથી આ કાર્યક્રમ માટે પરવાનગી આપવામાં આવી હતી. દરરોજ રાત્રે આશરે ૮ વાગ્યાથી પરોઢિયે ૪ વાગ્યા સુધી મહાપ્રસાદ પીરસવામાં આવશે.
ADVERTISEMENT
પાંચ દિવસના આ મહાપ્રસાદની તૈયારી માટે ખાસ ગુજરાતથી રસોઈયાઓને બોલાવવામાં આવ્યા છે. ભગવાનને ધરાવાતો ભોગ અને ભક્તો માટેનો પ્રસાદ લસણ, ડુંગળી અને આદું વગર સંપૂર્ણપણે સાત્ત્વિક રીતે તૈયાર કરવામાં આવશે.
આ પાંચ દિવસ દરમ્યાન રોજિંદા મેનુમાં વૈવિધ્ય રાખવામાં આવશે. એમાં રોટલી સાથે લાડુ, ગુલાબજાંબુ, રસગુલ્લા અને જલેબી જેવી પરંપરાગત મીઠાઈઓ પીરસાશે. આ ઉપરાંત ફરસાણમાં સમોસા, અળવીનાં વડાં-આલુ વડી અને ઢોકળાંનો સમાવેશ કરવામાં આવ્યો છે.
લાલબાગ અને પરેલ વિસ્તારમાં ગણપતિબાપ્પાનાં દર્શને આવતા ભક્તોમાંથી પ્રતિદિન અંદાજે ૩૦૦૦ લોકો આ મહાપ્રસાદનો લાભ લેશે. સમગ્ર આયોજન દરમિયાન ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતાનું પણ ચુસ્ત પાલન કરવામાં આવશે.
