૫૦ FD તોડાવીને ૮૫ લાખ રૂપિયા અને બીજા ૧૦ લાખ રૂપિયા પણ આપ્યા સાઇબર ગઠિયાઓને
પ્રતીકાત્મક તસવીર
દહિસર-ઈસ્ટના એસ. વી. રોડ વિસ્તારમાં રહેતાં ૬૩ વર્ષનાં ગુજરાતી મહિલા સાથે ડિજિટલ અરેસ્ટના નામે અંદાજે ૯૫ લાખ રૂપિયાની સાઇબર છેતરપિંડી થયાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ મામલે વેસ્ટર્ન સાઇબર સેલે શુક્રવારે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. સાઇબર ગઠિયાઓએ પોતાની ઓળખ બૅન્ગલોર પોલીસ તથા ક્રાઇમ બ્રાન્ચના અધિકારી તરીકે આપીને વિડિયો-કૉલ દ્વારા મહિલાને ડરાવી-ધમકાવીને બૅન્ક-ખાતાની તપાસના બહાને મોટી રકમ ટ્રાન્સફર કરાવી લીધી હતી. પોલીસની ધરપકડનો ભય બતાવી અને વારંવાર પૈસાની માગણી કરવામાં આવતાં મહિલા ગંભીર માનસિક દબાણમાં આવી ગઈ હતી. સતત ધમકીઓ અને ભયના કારણે મહિલાએ એક સમયે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સાઇબર ગઠિયાઓને પૈસા આપવા માટે મહિલાએ જીવનભરની બચત સમાન પોતાની ૫૦ ફિક્સ્ડ ડિપોઝિટ (FD) તોડીને તમામ રકમ ચૂકવી દીધી હતી.
શું હતો ઘટનાક્રમ?
ADVERTISEMENT
દહિસરમાં રહેતાં ૬૩ વર્ષનાં મહિલા છેલ્લાં ૯ વર્ષથી પેન્શન દ્વારા પરિવારનું ગુજરાન ચલાવે છે. ૧૮ ફેબ્રુઆરીએ મહિલાને અજાણ્યા નંબર પરથી વૉટ્સઍપ-કૉલ આવ્યો હતો. કૉલ કરનારે પોતાનું નામ અજય પાટીલ જણાવીને ઇન્દિરાનગર પોલીસ-સ્ટેશન, બૅન્ગલોરથી બોલતો હોવાનું કહ્યું હતું. વિડિયો-કૉલ દરમિયાન પોલીસ-યુનિફૉર્મમાં દેખાઈને તેણે મહિલાને જણાવ્યું કે મની-લૉન્ડરિંગ કેસમાં તમારા નામનો ઉપયોગ થયો છે અને તમારી સામે કાર્યવાહી થઈ છે.
પછી દયા નાયક નામના બીજા આરોપીએ પોતાને ક્રાઇમ બ્રાન્ચ, બૅન્ગલોરનો અધિકારી તરીકે ઓળખાવ્યો હતો. આરોપીએ મહિલાને સતત વિડિયો-કૉલ પર રાખી માનસિક દબાણ કર્યું અને કેસની તપાસ ચાલી રહી હોવાનો ભય ઊભો કર્યો હતો. આરોપીઓએ ED, RBI અને સુપ્રીમ કોર્ટના નકલી લેટરહેડવાળા દસ્તાવેજો મોકલીને વિશ્વાસ ઊભો કર્યો હતો.
આરોપીઓએ મહિલાની મિલકત, રોકાણ, પરિવારની માહિતી મેળવી અને કોઈને જાણ ન કરવાની ચેતવણી આપી હતી. મહિલાને ડિજિટલ અરેસ્ટ હેઠળ હોવાનો ભાસ કરાવી ઘર બહાર ન નીકળવા જણાવ્યું હતું. સતત ધમકીના કારણે મહિલા ભારે તનાવમાં આવી ગઈ હતી જેના કારણે માર્ચ મહિનાની શરૂઆતમાં તેણે આત્મહત્યા કરવાનો પણ એક વાર પ્રયાસ કર્યો હતો.
મહિલાએ પચીસમી ફેબ્રુઆરીએ બોરીવલીમાં આવેલી બૅન્કમાં પોતાની ૫૦ FD તોડી આશરે ૮૫ લાખ રૂપિયા આરોપીના ખાતામાં જમા કરાવ્યા હતા. ત્યાર બાદ પાછળથી વધુ ૧૦ લાખ રૂપિયા મળીને કુલ ૯૫ લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા.
મહિલાની દીકરી ૧૯ માર્ચે ઘરે આવતાં સમગ્ર ઘટના બહાર આવી હતી. અંતે ઘટનાની ફરિયાદ સાઇબર હેલ્પલાઇન 1930 પર નોંધાવી ઑફિશ્યલ ફરિયાદ વેસ્ટર્ન સેલ સાઇબર સેલમાં કરવામાં આવી હતી.
મુંબઈ ઍરપોર્ટ પર બે કરોડ રૂપિયાના ડ્રગ્સની દાણચોરી કરવા બદલ એજન્સીનો કર્મચારી તાબામાં
મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પરથી શુક્રવારે ઍરપોર્ટની સિક્યૉરિટી સંભાળતી સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યૉરિટી ફોર્સ (CISF)ના ઑફિસરોએ અંદાજે બે કરોડ રૂપિયાની કિંમતનો હાઈ ક્વૉલિટીનો બે કિલો હાઇડ્રોપોનિક (પાણીમાં ઉગાડેલો) ગાંજો જપ્ત કર્યો હતો. આ સંદર્ભે માલનું લોડિંગ-અનલોડિંગ કરતા એક કર્મચારીને ઝડપી લેવામાં આવ્યો હતો. તે કર્મચારીને તેની ફરજના ભાગરૂપે રિસ્ટ્રિક્ટેડ એરિયામાં પણ અવરજવર કરવાની છૂટ હોય છે. તે ટર્મિનલમાંથી ખભા પર બૅકપૅક સાથે એક્ઝિટ લઈ રહ્યો હતો ત્યારે CISFના ગાર્ડે તેની બૅગની રૂટીન સ્કૅનરમાં ચકાસણી કરતાં તેની બૅગમાંથી હાઈ ક્વૉલિટીનો બે કરોડ રૂપિયાનો ગાંજો મળી આવ્યો હતો. તે કર્મચારીની તરત જ ધરપકડ કરી લેવાઈ હતી.
