ફિલ્મને લઈને દર્શકોમાં જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે અને ત્રીજા દિવસે પણ થિયેટર્સની બહાર લાંબી કતારો જોવા મળી રહી છે
રણવીર સિંહ અને આદિત્ય ધર
ફિલ્મ ‘ધુરંધર : ધ રિવેન્જ’એ રિલીઝ પછી બૉક્સ-ઑફિસ પર જબરદસ્ત પ્રદર્શન કર્યું છે. આ ફિલ્મને લોકોનો જબરદસ્ત રિસ્પૉન્સ અને વખાણ મળ્યા બાદ ડિરેક્ટર આદિત્ય ધરે પોતાનો પહેલો પ્રતિભાવ આપ્યો છે. તેના આ રીઍક્શનનો વિડિયો સોશ્યલ મીડિયા પર ચર્ચામાં છે. ‘ધુરંધર : ધ રિવેન્જ’ની સફળતા બાદ આદિત્ય ધરે ફિલ્મ સાથે જોડાયેલી દરેક વ્યક્તિ, સંપૂર્ણ કાસ્ટ અને ટીમનો દિલથી આભાર માન્યો હતો. વિડિયોમાં આદિત્ય ધર કહે છે, ‘આ ફિલ્મ માટે દરેકે દિલ અને જાનથી મહેનત કરી છે. મને મળતા પ્રતિસાદથી હું ખરેખર ખૂબ જ અભિભૂત થયો છું. જે પણ સમાચાર અને ડીટેલ્સ સામે આવી રહ્યાં છે એ જોઈને હું ખૂબ ખુશ અને ભાવુક છું.’ આદિત્ય ધરે વિડિયોમાં આગળ કહ્યું હતું કે તે તમામનો દિલથી આભાર માને છે જેમણે આ સફરમાં તેને સાથ આપ્યો અને ફિલ્મને સપોર્ટ કર્યો. આ વિડિયોમાં આદિત્ય સાથે તેની પત્ની અને ઍક્ટ્રેસ યામી ગૌતમ પણ જોવા મળે છે જે આદિત્યની વાત સાંભળીને ખૂબ જ ભાવુક બની જાય છે.
ત્રણ જ દિવસમાં ૩૦૦+ કરોડ, ધુરંધર : ધ રિવેન્જ બૉક્સ-ઑફિસ પર કરી રહી છે જબરદસ્ત કમાણી
ADVERTISEMENT
‘ધુરંધર : ધ રિવેન્જ’ બૉક્સ-ઑફિસ પર રિલીઝ થતાં જ ધમાકેદાર પ્રદર્શન કરી રહી છે. આદિત્ય ધર દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી આ સ્પાય થ્રિલર ફિલ્મે માત્ર બે જ દિવસમાં ૨૦૦ કરોડ રૂપિયાથી વધુની કમાણી કરીને ઇતિહાસ રચ્યો છે. ફિલ્મને લઈને દર્શકોમાં જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે અને ત્રીજા દિવસે પણ થિયેટર્સની બહાર લાંબી કતારો જોવા મળી રહી છે જ્યારે ઘણા શો હાઉસફુલ જઈ રહ્યા છે. ફિલ્મની કમાણીની વાત કરીએ તો અલગ-અલગ માધ્યમોમાંથી મળતા આંકડાઓને આધારે કહી શકાય કે પેઇડ પ્રિવ્યુ (વેપારની ભાષામાં ઝીરો ડે)થી જ ૪૩ કરોડની શરૂઆત કરનાર આ ફિલ્મે રિલીઝના પહેલા દિવસે ૧૦૨.૫૫ કરોડ રૂપિયા અને બીજા દિવસે ૮૦.૭૨ કરોડ રૂપિયાનો ધમાકેદાર બિઝનેસ કર્યો હતો. આ રીતે ફિલ્મની બે દિવસની કુલ કમાણી ૨૨૬.૨૭ કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. હવે ગઈ કાલે ત્રીજા દિવસે પણ ફિલ્મની ઝડપ યથાવત્ રહી છે અને સાંજે ૬ વાગ્યા સુધીમાં જ એણે આશરે ૮૩.૫૩ કરોડ રૂપિયાની કમાણી કરી લીધી હતી, જેને લઈને કુલ કમાણી લગભગ ૩૦૯.૮૦ કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ હતી. જેમાં રાતના શોની કમાણીના આંકડાનો સમાવેશ થતો નથી.
