ઈડીએ હવે બીએમસીના કમિશનર અને ઍડ્મિનિસ્ટ્રેટર ઇકબાલ સિંહ ચહલને પત્ર લખી એ વખતે થયેલા તમામ ખર્ચની વિગતો આપવા જણાવ્યું છે
ફાઇલ તસવીર
કોવિડકાળમાં કોવિડ સેન્ટર અને એને લગતી સામગ્રીમાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર સંદર્ભે થયેલી ફરિયાદના આધારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઈડી)એ તપાસ ચાલુ કરી છે અને એ અંતર્ગત ઈડીએ હવે બીએમસીના કમિશનર અને ઍડ્મિનિસ્ટ્રેટર ઇકબાલ સિંહ ચહલને પત્ર લખી એ વખતે થયેલા તમામ ખર્ચની વિગતો આપવા જણાવ્યું છે. મૃતદેહોને કવર કરવા લેવાયેલી બૅગ સહિતમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ કરાયા છે.
કોરોનાકાળમાં ટેન્ડરો આપતી વખતે થયેલા ભ્રષ્ટાચારના આરોપ અંતર્ગત લાઇફલાઇન કંપની સાથે થયેલા કૉન્ટ્રૅક્ટમાં ગેરરીતિઓ થઈ હોવાના આક્ષેપ સંદર્ભે એના દસ્તાવેજો ચકાસણી માટે ઈડી દ્વારા મગાવવામાં આવ્યા છે. બીએમસી દ્વારા કેટલો ખર્ચ કરાયો, કેટલાં ટેન્ડર કાઢવામાં આવ્યાં, કયા કૉન્ટ્રૅક્ટરને એ આપવામાં આવ્યાં એ બધી જ વિગતો ઈડીએ બીએમસી પાસે માગી છે.
ADVERTISEMENT
ઈડી દ્વારા આ સંદર્ભે તપાસ ચાલી જ રહી છે અને કેટલીક જગ્યાએ રેઇડ પાડીને પણ દસ્તાવેજો હસ્તગત કરાયા છે. એ જ કાર્યવાહી હેઠળ થોડા દિવસ પહેલાં આદિત્ય ઠાકરેની નજીકના ગણાતા સૂરજ ચવાણના ઘર પર પણ રેઇડ પાડવામાં આવી હતી. સૂરજ ચવાણના ઘરે ૧૭ કલાક સુધી સર્ચ ઑપરેશન હાથ ધરાયું હતું. ત્યાર બાદ તેમને ઈડીની ઑફિસમાં પણ લઈ જવાયા હતા અને તેમની પૂછપરછ કરવામાં આવી હતી. એ સિવાય ઈડીએ બીએમસીના તત્કાલીન કમિશનર સંજીવ જયસ્વાલના ઘરે પણ સર્ચ ઑપરેશન હાથ ધર્યું હતું, જેમાં કરોડો રૂપિયાની સંપત્તિના દસ્તાવેજો મળી આવ્યા હતા.