નવું બિલ્ડિંગ બાંધવા માટે ભરવા પડતા કરોડો રૂપિયાના પ્રીમિયમ માટે હપ્તાની સુવિધા છે, પણ એના પર ૮.૫ ટકા વ્યાજ લેવામાં આવે છે. જોકે પોતાની મેળે રીડેવલપમેન્ટ કરનારી સોસાયટીઓને હવે એમાંથી મળશે માફી
કાંદિવલીના ચારકોપમાં સેલ્ફ-રીડેવલપમેન્ટ કરનારી શ્વેતામ્બરા સોસાયટીના રહેવાસીઓને ચાવી આપી રહેલા મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ. મંગળવારે યોજાયેલા આ કાર્યક્રમમાં કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલ, સ્થાનિક વિધાનસભ્ય યોગેશ સાગર, વિધાનપરિષદના નેતા પ્રવીણ દરેકર સહિતના નેતા હાજર રહ્યા હતા.
રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સેલ્ફ-રીડેવલપમેન્ટને પ્રોત્સાહન આપવા માટે જે સોસાયટી પોતાની મેળે રીડેવલપમેન્ટ કરશે એની પાસેથી પ્રીમિયમ ભરવાના ઇન્સ્ટૉલમેન્ટ પર વસૂલવામાં આવતું ૮.૫ ટકાનું વ્યાજ નહીં લેવાની જાહેરાત કરી છે. આ અનાઉન્સમેન્ટ મંગળવારે દેવેન્દ્ર ફડણવીસે ચારકોપમાં સેલ્ફ-રીડેવલપમેન્ટ કરનારી શ્વેતામ્બરા સોસાયટીના રહેવાસીઓને ફ્લૅટની ચાવી આપવાના પ્રસંગે કરી હતી.
મુંબઈમાં સોસાયટીનું રીડેવલપમેન્ટ કરવા જરૂરી ફ્લોર સ્પેસ ઇન્ડેક્સ (FSI) મેળવવા માટે કરોડો રૂપિયાનાં પ્રીમિયમ ભરવાનાં હોય છે અને એના માટે બિલ્ડર, ડેવલપર કે સોસાયટીને બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) અને સ્લમ રીહૅબિલિટેશન ઑથોરિટી (SRA) તરફથી ઇન્સ્ટૉલમેન્ટની સુવિધા આપવામાં આવે છે, પણ તેમની પાસેથી આ ઇન્સ્ટૉલમેન્ટ આપવા બદલ વ્યાજ લેવામાં આવતું હોય છે.
ADVERTISEMENT
દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘પ્રીમિયમ પહેલાં ભરી દેવાનું હોય છે અને કન્સ્ટ્રક્શનનું કામ પાછળથી શરૂ થતું હોય છે. મને એવું કહેવામાં આવ્યું છે કે એને લીધે રહેવાસીઓ પર બૅન્ક-લોન અને પ્રીમિયમ એમ બન્નેનું વ્યાજનું બર્ડન આવી જતું હોય છે. આ બર્ડન ઓછું કરવા માટે જે સોસાયટીઓ સેલ્ફ-રીડેવલપમેન્ટ કરશે એને ત્રણ વર્ષ માટે વ્યાજ માફ કરવામાં આવશે, પણ એનો દુરુપયોગ ન થવો જોઈએ તેમ જ સોસાયટીનું રીડેવલપમેન્ટ પાંચ વર્ષની અંદર પૂરું થઈ જવું જોઈએ.’
અત્યાર સુધીમાં સેલ્ફ-રીડેવલપમેન્ટની ૧૫૦૦ પ્રપોઝલ BMC અને મહારાષ્ટ્ર હાઉસિંગ એરિયા ડેવલપમેન્ટ ઑથોરિટી (MHADA) પાસે આવી છે, જેમાંથી MHADAની ફક્ત ૪૫ પ્રપોઝલ જ છે. આ આંકડા બાબતે મુખ્ય પ્રધાને કહ્યું હતું કે ‘હું જે સ્પીડે અપ્રૂવલ્સ આપવામાં આવે છે એનાથી ખુશ નથી. અમારી આ સ્કીમ દલાલોની દુકાન બંધ કરી દેશે. હું વૉર્નિંગ આપું છું કે સેલ્ફ-રીડેવલપમેન્ટ પ્રોજેક્ટને જો કોઈ અધિકારીએ રોકવાની કોશિશ કરી છે તો તેણે પોતાની નોકરીથી હાથ ધોવો પડશે.’

