જાળીવાળા દરવાજા, છાપરા પર વેન્ટિલેશન અને બે ડબ્બાને જૉઇન કરતા વેસ્ટિબ્યુલ સાથેના પહેલા કોચની કુર્લા કારશેડમાં ચકાસણી શરૂ
નવા કોચમાં દરવાજા જાળીવાળા હોવાથી એમાંથી હવાની અવરજવર થતી રહેશે જેથી ગૂંગળામણ નહીં થાય
મુંબ્રા સ્ટેશન પર થોડા વખત પહેલાં બનેલી દુર્ઘટનાને પગલે લોકલ ટ્રેનમાં પણ ઍર-કન્ડિશન્ડ (AC) ટ્રેનની જેમ જ ઑટોમૅટિક દરવાજા હોવા જોઈએ જેથી ઍક્સિડન્ટ ન થાય અને લોકોએ જીવ ગુમાવવો ન પડે એવી જરૂરિયાતને નજર સામે રાખીને સેન્ટ્રલ રેલવેએ હવે એનો પહેલો ઑટોમૅટિક દરવાજા સાથેનો લોકલ ટ્રેનનો કોચ તૈયાર કરી લીધો છે. રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવે એની ડિઝાઇન ફાઇનલ કરી હતી. એ નવા બનાવાયેલા ડેમો કોચની ચકાસણી કુર્લા કારશેડમાં શરૂ કરી દેવામાં આવી છે.
કોચ બનાવતી અલગ-અલગ ફૅક્ટરીઓના પદાધિકારીઓ સાથે બેઠક કર્યા બાદ રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવે આ ડિઝાઇન ફાઇનલ કરી હતી. આ લોકલ ટ્રેનમાં AC નથી પણ ઑટોમૅટિક દરવાજા લગાડવામાં આવ્યા છે. હવાની અવરજવર રહે એ માટે દરવાજામાં હોલ રાખવામાં આવ્યા છે. એ સાથે જ છાપરામાં પણ ફ્રેશ ઍર અંદર આવતી રહે એવી ગોઠવણ કરવામાં આવી છે. એ સિવાય ગિરદી વધી જાય તો મેલ એક્સપ્રેસ ટ્રેનની જેમ બે ડબ્બાને જૉઇન કરતા વેસ્ટિબ્યુલ રાખવામાં આવ્યા છે જેથી એક ડબ્બામાંથી લોકો અંદરથી બીજા ડબ્બામાં જઈ શકે.


