આપણે ત્યાં ઘણા વડીલો એવા છે જેમની આ પ્રકારની માનસિક અવસ્થા છે. રિટાયરમેન્ટ આવી ગયું હોય, સંતાનોનાં લગ્નમાંથી પરવારી ગયા હોય અને હવે તો સંતાનોના ઘરે પણ બાળકો આવી ગયાં હોય એ પછી પણ તેમને સેક્સનું મન થયા કરતું હોય.
પ્રતિકાત્મક ફાઇલ તસવીર
થોડા સમય પહેલાં એક વડીલનો ફોન આવ્યો. તે થોડું ગિલ્ટ ફીલ કરતા હતા. મિત્રના ફાધરના રેફરન્સ સાથે ફોન કર્યો હતો એટલે તેમનો ક્ષોભ દૂર કરીને વાત કરવા કહ્યું તો પણ તે વાત કરી શકે નહીં એટલે આડાઅવળા સવાલ વચ્ચે તેમને બોલતા કરવાનું કામ કર્યું. થોડી છૂટ મેં લીધી એટલે તેમણે સંયમ સાથે પણ મન ખોલીને વાત કરવાનું શરૂ કર્યું. તેમની ઉંમર ૬પ વર્ષથી પણ વધારે હતી અને તેમને ગિલ્ટ એ જ વાતનું હતું કે તેમને હજી પણ સેક્સની ઇચ્છા થાય છે. તેમણે સંકોચ સાથે કહ્યું કે એવી કોઈ દવા આવે જેને લીધે મારી આ પ્રકારની ઇચ્છાઓ મરી જાય અને હું ધર્મધ્યાન તરફ વળું.
આપણે ત્યાં ઘણા વડીલો એવા છે જેમની આ પ્રકારની માનસિક અવસ્થા છે. રિટાયરમેન્ટ આવી ગયું હોય, સંતાનોનાં લગ્નમાંથી પરવારી ગયા હોય અને હવે તો સંતાનોના ઘરે પણ બાળકો આવી ગયાં હોય એ પછી પણ તેમને સેક્સનું મન થયા કરતું હોય. એક વાત સૌકોઈએ સમજી લેવાની જરૂર છે કે જાતીય આવેગની કોઈ ઉંમર નથી હોતી અને ક્યારેય નથી હોતી. એની તીવ્રતામાં ફરક આવી શકે, પણ કાર્યક્ષેત્રમાં જેમ રિટાયરમેન્ટ છે એવી રીતે આ ક્ષેત્રનું કોઈ નિશ્ચિત રિટાયરમેન્ટ નથી હોતું. હા, અમુક લાઇફસ્ટાઇલ ડિસીઝની અસર જોવા મળે એવું બને, પણ એ ઇચ્છા સાવ બંધ થઈ જાય એવું ઉંમર સાથે તો નથી જ થતું. તે વડીલ સાથે વધારે વાત કરતાં ખબર પડી કે તેમને ઘરમાંથી અને ખાસ તો વાઇફ તરફથી એવું સતત ટૉન્ટિંગ થયા કરે છે કે આ ઉંમરે પણ જો તમને આવું મન થતું હોય તો તમે પાપી અને દુરાચારી આત્મા છો. તે વડીલે બિચારાએ બહુ પ્રયાસો કર્યા કે તેમના મનમાંથી એ પ્રકારના વિચારો દૂર થાય. તેમને બીજા કોઈ પ્રત્યે વિકાર નહોતો આવતો, એવી કોઈ હરકત પણ તે નહોતા કરતા. બસ, વાઇફ સાથે એકાંત મળે ત્યારે એ એકાંતમાં તે થોડો આનંદ લેવાની હરકત કરતા અને એમાં પણ તેમના મનમાં આ પ્રકારની વાતનું વાવેતર કરી દેવામાં આવ્યું.
ADVERTISEMENT
તેમણે પ્રયાસપૂર્વક મેડિટેશન પર ધ્યાન આપ્યું, ઉપવાસ-એકટાણાં કરવા માંડ્યાં. ગઈ ચૈત્ર નવરાત્રિએ તેમણે માત્ર પ્રવાહી સાથે ઉપવાસ કર્યા અને એ પછી પણ તેમના મનમાંથી આ પ્રકારના વિચારો જતા નહોતા. આગળ કહ્યું એમ અનેક વડીલો આ પ્રકારની યાતના સહન કરે છે. જીવનસાથીની અણસમજને કારણે તે પોતાને પાપી માનવા સુધી પહોંચી જાય છે જે ગેરવાજબી છે. તમે તમારા સાથી સાથે કોઈ પણ ઉંમરે શારીરિક સહવાસ કરો છો તો એ કોઈ દુષ્કર્મ નથી એ વાત દરેકેદરેક વ્યક્તિએ સમજવી જોઈશે. નહીં તો ક્યારેક અનર્થ સર્જાશે. જેમ ભૂખ લાગે ત્યારે ખાવાનું મન થાય એ સામાન્ય બાબત છે એવી જ રીતે આ પણ એક સહજ અને સામાન્ય વાત છે.
