સુશાંત સિંહ રાજપૂતના ભેદી મોતના પ્રકરણમાં CBIએ કોર્ટમાં બે ક્લોઝર રિપોર્ટ સબમિટ કર્યા
રિયા ચક્રવર્તી
બૉલીવુડના દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુના મામલામાં ૪ વર્ષ સુધી તપાસ કર્યા બાદ ગઈ કાલે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)એ ગઈ કાલે મુંબઈની કોર્ટમાં ક્લોઝર રિપોર્ટ સબમિટ કર્યો હોવાનું જાણવા મળ્યું હતું. આ રિપોર્ટમાં સુશાંત સિંહની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી અને તેના પરિવારને ક્લીન ચિટ આપવામાં આવી છે. ઉપરાંત સુશાંત સિંહને કોઈએ આત્મહત્યા કરવા માટે મજબૂર કર્યો હોય એવા કોઈ પુરાવા હાથ નથી લાગ્યા. આથી સુશાંત સિંહનો જીવ હત્યા કરવાથી નહીં પણ આત્મહત્યા કરવાને લીધે ગયો હોવાનું રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે.
સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુની તપાસ દિલ્હીની ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસ (AIIMS)ના નિષ્ણાતો દ્વારા કરવામાં આવી હતી. AIIMSની ફૉરેન્સિક ટીમને કંઈ પણ વાંધાજનક હાથ નથી લાગ્યું. સુશાંત સિંહ અને રિયા ચક્રવર્તી વચ્ચેની વાતચીત અને ચૅટની તપાસ અમેરિકામાં કરવામાં આવી હતી. એમાં પણ કોઈ હેરાફેરી ન થઈ હોવાનું જણાયું છે. રિયા ચક્રવર્તી સુશાંત સિંહ સાથે રિલેશનશિપમાં હતી અને તેણે આ મામલાની તપાસ CBI દ્વારા કરવાની માગણી કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને કરી હતી.
ADVERTISEMENT
ક્લોઝર રિપોર્ટમાં રિયાને ક્લીન ચિટ આપવામાં આવતાં સુશાંત સિંહે આત્મહત્યા કરી હતી ત્યારે તેને રિયા ચક્રવર્તીએ ઉશ્કેર્યો હોવાનો આરોપ થયો હતો એમાં રાહત મળી છે. રિયા જ નહીં, તેના પરિવારને પણ આ મામલા સાથે કોઈ લેવાદેવા ન હોવાનું રિપોર્ટમાં જણાવાયું હોવાનું જાણવા મળ્યું હતું.

