હાર્ટ-ટ્રાન્સપ્લાન્ટ પછી નિપેશ લાડ હવે સ્વસ્થ છે અને બ્રેઇન-સ્ટ્રોક આવ્યા પછી નેહા પણ રિકવર થઈ ગઈ છે
જુલાઈ ૨૦૨૫માં લગ્ન વખતે નિપેશ અને નેહા.
પોતાનું જીવન હવે વધુ નહીં ટકે એવું માનીને બોરીવલીના યુવકે ગર્લફ્રેન્ડને બીજે લગ્ન કરી લેવાનું કહ્યું, પરંતુ મક્કમ પ્રેયસીએ તેનો સાથ ન છોડ્યો અને અંતે થયું બે મુંબઈગરા ગુજરાતીઓની લવ-સ્ટોરીનું હૅપી એન્ડિંગ
ચટ બ્રેક-અપ, પટ પૅચ-અપના આ જમાનામાં બોરીવલીના એક કપલની હૃદયસ્પર્શી લવ-સ્ટોરી સામે આવી છે, જેમાં પચીસ વર્ષના માસ્ટર ઑફ બિઝનેસ ઍડ્મિનિસ્ટ્રેશન (MBA) યુવક અને તેની ગર્લફ્રેન્ડે સાથે મળીને મોતને માત આપીને જીવન સર કર્યું હોવાની વાત છે. પોતે વધુ જીવી નહીં શકે એવું માનતા યુવક નિપેશ લાડ અને નેહાએ પ્રેમ કઈ રીતે સાર્થક થાય છે એની સાબિતી આપી છે.
ADVERTISEMENT
નિપેશે આપેલી માહિતી મુજબ તે અને નેહા ૨૦૧૭માં મળ્યાં હતાં. નેહા નિપેશના જીજાની બહેન છે. તેઓ લગ્નમાં મળ્યાં ત્યારથી એકબીજાને પસંદ કરવા લાગ્યાં હતાં અને રિલેશનશિપમાં પણ હતાં. જોકે ૨૦૨૫ના માર્ચ મહિનામાં મલાડમાં તેની કૉલેજમાં લેક્ચર દરમ્યાન નિપેશ અચાનક બેભાન થઈ ગયો હતો. તેને નજીકની હૉસ્પિટલમાં દાખલ કરીને સારવાર અપાઈ એ દરમ્યાન તેનું હૃદય ખૂબ જ નબળું હોવાથી તેને ટ્રાન્સપ્લાન્ટની જરૂર હોવાનું ડૉક્ટરોએ જણાવ્યું હતું. જો ટ્રાન્સપ્લાન્ટ ન થાય તો તે વધુ નહીં જીવી શકે એવું ડૉક્ટરોએ કહ્યું હતું. લગભગ દોઢ વર્ષ સુધી તેની બહેન લીનાએ અને મમ્મી ભારતી તથા પપ્પા અનિલ લાડે ડોનર શોધવાની મહેનત કરી. ડોનર ન મળતાં નિપેશે આશા છોડીને સંજોગો સ્વીકારી લઈ નેહાને કોઈ બીજા સાથે લગ્ન કરવા જણાવ્યું હતું. જોકે નિપેશને છોડીને જવાને બદલે નેહાએ તેની સાથે લગ્ન કરવાનું પસંદ કર્યું હતું.
નિપેશની હાલત જોઈને નેહાનાં મમ્મી-પપ્પા આ લગ્નની વિરુદ્ધ હતાં, પરંતુ નેહા તેના નિર્ણય પર અડગ હતી. નિપેશ પણ આ લગ્ન માટે તૈયાર થઈને તેનું જીવન બરબાદ ન કરવા માગતો હોવાથી લગ્નની ના પાડતો હતો. જોકે નેહા નિપેશને મંદિરમાં લઈ ગઈ અને લગ્નની વાત કરી અને આખરે જુલાઈ ૨૦૨૫માં તેમણે કોર્ટ-મૅરેજ કર્યાં, જે માટે વાલીઓ પણ રાજી થઈ ગયા હતા.
લગ્ન પછી નિપેશને ટ્રીટમેન્ટ માટે સુરતની કિરણ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. નેહા પણ તેની સાથે સુરત શિફટ થઈ ગઈ હતી. આ સમયગાળા દરમ્યાન નેહાને બ્રેઇન-સ્ટ્રોક આવ્યો હતો, પરંતુ મેડિકેશનથી તે સ્વસ્થ થઈ ગઈ હતી.
નિપેશને આખરે સુરતના બ્રેઇન-ડેડ ડોનરનું હાર્ટ મળી જતાં ૨૦૨૬ના મે મહિનામાં સુરતની હૉસ્પિટલમાં જ તેનું હાર્ટ-ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. જ્યાં સુધી ડોનર ન મળ્યો અને ટ્રાન્સપ્લાન્ટ ન થયું ત્યાં સુધી નેહા તથા પરિવારજનોએ તેનો ખૂબ સાથ આપ્યો હતો અને મક્કમપણે તેના પડખે ઊભાં રહ્યાં હતાં જેને કારણે નિપેશ આજે સ્વસ્થ જીવન જીવી રહ્યો છે.
- ડી. વક્તાણિયા
