મસ્જિદોના લાઉડસ્પીકર સામે હવે પોલીસે નક્કર ઍક્શન લેવાનો સર્ક્યુલર જાહેર કર્યો, પણ BJPના નેતા કિરીટ સોમૈયાએ જનતાને આહ્વાન કર્યું કે પોલીસ તમારી ફરિયાદ ન લે તો અમારો સંપર્ક કરો
મસ્જિદોમાં લગાવવામાં આવેલા લાઉડસ્પીકરની તસવીર
મહારાષ્ટ્રમાં મસ્જિદોમાં લગાવવામાં આવેલા ગેરકાયદે લાઉડસ્પીકરને લીધે થતા ધ્વનિપ્રદૂષણ બાબતે કાયદાનો અમલ કરવા માટે તાજેતરમાં બૉમ્બે હાઈ કોર્ટે ગાઇડલાઇન્સ જાહેર કરી હતી. કોઈની ફરિયાદ આવે તો તાત્કાલિક પગલાં લેવાના નિર્દેશનો સર્ક્યુલર રાજ્યભરના પોલીસ વિભાગને મોકલવામાં આવ્યો છે. આમ છતાં હજી પણ મોટા પ્રમાણમાં ગેરકાયદે કે પરવાનગી લઈને મસ્જિદોમાં લગાવવામાં આવેલા લાઉડસ્પીકર દ્વારા ધ્વનિપ્રદૂષણના નિયમનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે. આથી મહારાષ્ટ્ર પોલીસના ઍડિશનલ ડિરેક્ટર જનરલ (લૉ ઍન્ડ ઑર્ડર) ડૉ. નિખિલ ગુપ્તા દ્વારા ૧૧ એપ્રિલે સર્ક્યુલર જાહેર કરીને રાજ્યભરના પોલીસ વિભાગને મસ્જિદોમાં ગેરકાયદે કે કાયદેસર લગાવવામાં આવેલા લાઉડસ્પીકરથી ધ્વનિપ્રદૂષણ કરનારાઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરવાનું કહેવામાં આવ્યું છે. એક વખત ધ્વનિપ્રદૂષણનો ભંગ કરવા બદલ ૫૦૦૦ રૂપિયા અને ૩ મહિનાની સજા, બીજી વખત ભંગ કરનારાને ૪ મહિનાથી એક વર્ષની સજા અને ત્રીજી વખત નિયમનો ભંગ કરનારાને એક લાખ રૂપિયાનો દંડ અને પાંચ વર્ષ સુધીની સજાની જોગવાઈ છે.
સ્થાનિક પોલીસે કાર્યવાહી કરવી પડશે
ADVERTISEMENT
મહારાષ્ટ્ર પોલીસે જાહેર કરેલા સર્ક્યુલરમાં જણાવવામાં આવ્યું છે કે કોઈની ગેરકાયદે કે કોઈ પણ લાઉડસ્પીકરથી ધ્વનિપ્રદૂષણની ફરિયાદ મળ્યા બાદ સંબંધિત પોલીસ-સ્ટેશનના ઇન્ચાર્જ પોતે કે તેમના આદેશથી અસિસ્ટન્ટ પોલીસ-ઇન્સ્પેક્ટર નૉઇસ લેવલ મીટર લઈને ઘટનાસ્થળે જશે અને બે પંચની હાજરીમાં નૉઇસ લેવલ મીટરથી ધ્વનિ માપશે. જે લાઉડસ્પીકરથી ધ્વનિપ્રદૂષણ થતું હોય એની સંપૂર્ણ માહિતી નોંધીને પંચનામું ઇન્સ્પેક્ટર કરશે. જમીનમાલિકની માહિતી અને મસ્જિદના રજિસ્ટ્રેશન સહિતની તમામ વિગતો નોંધવામાં આવ્યા બાદ ધ્વનિનું લેવલ કેટલું હતું એનો રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. આ રિપોર્ટ પોલીસ-સ્ટેશનમાં નોંધ્યા બાદ પોલીસ-સ્ટેશનના ઇન્ચાર્જે અહેવાલ ઉપરી અધિકારીને મોકલવાનો રહેશે. રાજ્યભરના દરેક પોલીસ-સ્ટેશને દર મહિનાની પાંચ તારીખ સુધી ધ્વનિપ્રદૂષણ સંબંધી મળેલી ફરિયાદ અને એનું નિવારણનો રિપોર્ટ રજૂ કરવાનો રહેશે.
98692 20027
ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ સંસદસભ્ય ડૉ. કિરીટ સોમૈયાએ એક વિડિયોના માધ્યમથી જાહેર કર્યું છે કે ‘મુંબઈ અને મહારાષ્ટ્રમાં હવે ગેરકાયદે કે કાયદેસર મસ્જિદ કે એમાં લગાવવામાં આવેલા લાઉડસ્પીકરથી થતા ધ્વનિપ્રદૂષણને રોકવા માટેનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે એને રાજ્ય સરકારે ગંભીરતાથી લઈને આ સંબંધી મહત્ત્વનો નિર્ણય લીધો છે. સરકારના આ નિર્ણયથી હવે ગેરકાયદે મસ્જિદોમાં લાઉડસ્પીકરની પરવાનગી પોલીસ નહીં આપે અને જે મસ્જિદોમાં લાઉડસ્પીકર લગાવવામાં આવ્યાં છે એનો અવાજ મસ્જિદની બહાર જશે તો એની સામે કાર્યવાહી કરવામાં આવશે. લોકોને અપીલ છે કે તમારા વિસ્તારમાં લાઉડસ્પીકરમાંથી મોટો અવાજ આવતો હોય તો પોલીસ-સ્ટેશનમાં જઈને ફરિયાદ નોંધાવો. પોલીસ ફરિયાદ ન લે તો અમારો ઉપર આપેલા નંબર પર સંપર્ક કરો.’
ઍર ક્વૉલિટીના માપદંડ
એરિયા કોડ એરિયા/ઝોનની કૅટેગરી ડેસિબલની લિમિટ (ડે/નાઇટ)
A ઇન્ડસ્ટ્રિયલ એરિયા ૭૫/૭૦
B કમર્શિયલ એરિયા ૬૫/૫૫
C રેસિડેન્શિયલ એરિયા ૫૫/૪૫
D સાઇલન્સ ઝોન ૫૦/૪૦

