બેન્ચો પર બેસવાની સાથે લોકો મોબાઇલ ચાર્જિંગ અને ફ્રી વાઇ-ફાઇ જેવી સુવિધાઓનો લાભ લઈ શકશે.
બાંદરાના ફોર્ટ ગાર્ડનમાં મુકાયેલી સોલર-પાવર્ડ બેન્ચ.
BMC દ્વારા પર્યાવરણની જાળવણી અને પ્રવાસીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. BMCએ બાંદરાના ફોર્ટ ગાર્ડન અને જૉગર્સ પાર્ક ખાતે પાઇલટ પ્રોજેક્ટ હેઠળ સૂર્યઊર્જાથી ચાલતી (Solar-powered) ખાસ બેન્ચો લગાવી છે. આજની ફાસ્ટ જીવનશૈલીમાં મોબાઇલ ફોન અનિવાર્ય બની ગયા છે, પરંતુ સાર્વજનિક સ્થળોએ ચાર્જિંગની સુવિધાનો અભાવ હોય છે. BMCના ગાર્ડન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે ‘આ બેન્ચો દિવસ દરમ્યાન સૂર્યપ્રકાશમાંથી ઊર્જા મેળવે છે અને એને સંગ્રહિત કરે છે. એને કારણે પરંપરાગત વીજળીનો વપરાશ ઘટશે અને મુસાફરો કોઈ પણ ખર્ચ વિના ગાર્ડનમાં જ પોતાનો ફોન ચાર્જ કરી શકશે.’
હાલમાં આ પ્રોજેક્ટ બાંદરાના બે મુખ્ય બગીચાઓ પૂરતો મર્યાદિત છે. જો અહીં પ્રવાસીઓનો પ્રતિસાદ સારો રહેશે તો જાહેર સ્થળોએ પણ આવી સોલર બેન્ચો સ્થાપવાનું BMCનું આયોજન છે.
ADVERTISEMENT
કોરોઝન-રેઝિસ્ટન્ટ સ્ટેનલેસ સ્ટીલ બેન્ચની લાઇફ ૩૦ વર્ષની
આવી બેન્ચો સંપૂર્ણપણે સૌરઊર્જા પર નિર્ભર છે જે વીજળીના બિલમાં ધરખમ ઘટાડો કરશે. ઇન્ટરનેટની જરૂરિયાતને પહોંચી વળવા માટે એમાં હાઈ-સ્પીડ વાઇ-ફાઇની સુવિધા આપવામાં આવી છે. આ બેન્ચોને કોરોઝન-રેઝિસ્ટન્ટ સ્ટેનલેસ સ્ટીલમાંથી બનાવવામાં આવી છે, જેથી દરિયાકાંઠાના ભેજયુક્ત વાતાવરણમાં પણ એને કાટ લાગશે નહીં. આ સ્માર્ટ બેન્ચોની ટકાઉ ક્ષમતા અંદાજે ૩૦ વર્ષ સુધીની છે.
