નવો રજૂ કરાયેલો AC રૂટ દાદર સ્ટેશન (પશ્ચિમ) અને પ્રભાદેવી મંદિર વચ્ચે કાર્યરત થશે
સિદ્ધિવિનાયક મંદિર (ફાઇલ તસવીર)
દેશભરમાંથી પ્રભાદેવીના સિદ્ધિવિનાયક મંદિરમાં ગણપતિબાપ્પાનાં દર્શન કરવા આવતા ભાવિકોને મંદિર વિસ્તારની આસપાસ છેલ્લા માઇલ સુધી કનેક્ટિવિટી મળી રહે એ માટે પ્રયાસ કરવામાં આવ્યા છે. રોજ ભક્તોનો પ્રવાહ દર્શન માટે આવતો હોય છે. એમાં પણ મંગળવારે અને સંકષ્ટી (ચોથ)ના દિવસે વધુ રશ રહે છે. આ ઉપરાંત ગણેશોત્સવના ૧૦ દિવસ દરમ્યાન પણ ભક્તો દર્શન માટે વધુ આવતા હોય છે.
કનેક્ટિવિટી અને ટ્રાફિકનું દબાણ ઘટાડવાના હેતુથી બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ (BEST)એ A-45 રૂટ પર ‘શ્રી સિદ્ધિવિનાયક ફેરી’ નામની નવી ઍર-કન્ડિશન્ડ (AC) સર્ક્યુલર બસસેવા શરૂ કરી છે. આ સેવા આજથી કાર્યરત થશે.
ADVERTISEMENT
નવો રજૂ કરાયેલો AC રૂટ દાદર સ્ટેશન (પશ્ચિમ) અને પ્રભાદેવી મંદિર વચ્ચે કાર્યરત થશે. BESTના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ સેવા ખાસ કરીને ભક્તો, વરિષ્ઠ નાગરિકો અને દૈનિક મુસાફરો માટે ડિઝાઇન કરવામાં આવી છે જેઓ ઘણી વાર મંદિર-પટ્ટામાં ભીડ અને ટ્રાફિક જૅમનો સામનો કરે છે.
બસના ટાઇમટેબલ મુજબ પહેલી બસ દાદર સ્ટેશનથી સવારે ૭ વાગ્યે ઊપડશે, જ્યારે છેલ્લી બસ રાત્રે ૧૦.૫૫ વાગ્યે ઊપડશે. દિવસભર બસ વીસથી બાવીસ મિનિટના અંતરાલમાં દોડશે.
આ સર્ક્યુલર રૂટથી રેલવે-સ્ટેશનથી મંદિર વિસ્તાર સુધી મુસાફરી કરતા મુસાફરોને ટૅક્સી કે ખાનગી વાહનો પર વધુ આધાર રાખ્યા વિના સરળ અવરજવર મળશે એવી અપેક્ષા છે.
