Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > વેસ્ટર્ન રેલવેના નવા ટાઇમટેબલ સામે ઑલ ઇન્ડિયા ઇલેક્ટ્રૉનિક્સ અસોસિએશને નોંધાવ્યો વિરોધ

વેસ્ટર્ન રેલવેના નવા ટાઇમટેબલ સામે ઑલ ઇન્ડિયા ઇલેક્ટ્રૉનિક્સ અસોસિએશને નોંધાવ્યો વિરોધ

Published : 02 September, 2026 09:35 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

AC લોકલમાં ઘટાડો, ટ્રેનોનું શૉર્ટ-ટર્મિનેશન અને સાંજના પીક અવર્સમાં બોરીવલી સ્ટૉપેજ ન હોવાને કારણે મલાડ, કાંદિવલી અને બોરીવલીના મુસાફરોમાં નારાજગી

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


વેસ્ટર્ન રેલવેમાં લોકલ ટ્રેનના નવા ટાઇમટેબલમાં ઍર-કન્ડિશન્ડ (AC) લોકલ ટ્રેનો ઘટાડવામાં આવી છે અને અનેક મહત્ત્વપૂર્ણ ટ્રેનોને રદ અને શૉર્ટ-ટર્મિનેટ કરવામાં આવી છે જેને કારણે દૈનિક મુસાફરો માટે ભીડ, કન્જેશન અને મુસાફરીની અસુવિધા વધવાની શક્યતા છે. આથી વેસ્ટર્ન રેલવેના મુસાફરોમાં નારાજગી અને રોષ ફેલાયાં છે. આ બાબતને ધ્યાનમાં રાખીને ઑલ ઇન્ડિયા ઇલેક્ટ્રૉનિક્સ અસોસિએશન (AIEA)એ નવા ટાઇમ-ટેબલમાં AC લોકલની કેટલીક મહત્ત્વપૂર્ણ સર્વિસિસ રદ કરવાના, કેટલીક ટ્રેનોના રૂટ ટૂંકાવવાના અને સ્ટૉપેજમાં ફેરફાર કરવાના નિર્ણયનો સખત શબ્દોમાં વિરોધ કરીને વેસ્ટર્ન રેલવેના ડિવિઝનલ રેલવે મૅનેજરને પત્ર લખીને ટાઇમ-ટેબલમાં તાત્કાલિક સુધારો કરવાની માગણી કરી છે.

મુસાફરોની અગવડ વધશે



બોરીવલી અને ચર્ચગેટ વચ્ચે વધારાની AC લોકલની ડિમાન્ડ પહેલેથી જ છે ત્યાં નવા ટાઇમ-ટેબલમાં અત્યારે કેટલીક સેવાઓ રદ અથવા શૉર્ટ-ટર્મિનેટ કરવામાં આવી રહી છે. એને કારણે દૈનિક મુસાફરો માટે ભીડ, કન્જેશન અને મુસાફરીની અસુવિધા વધવાની શક્યતા છે એમ જણાવતાં અસોસિએશનના AIEAના નૅશનલ જનરલ સેક્રેટરી મિતેષ મોદીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘દિનપ્રતિદિન બોરીવલી-ચર્ચગેટ રૂટ પર AC લોકલમાં મુસાફરી કરનારા મુસાફરોની સંખ્યા સતત વધી રહી છે. આવી સ્થિતિમાં સેવાઓ વધારવાને બદલે એમાં ઘટાડો કરવામાં આવતાં મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. આથી અમે રેલવે-પ્રશાસન સામે સવારે ૧૦.૫૦ વાગ્યે બોરીવલીથી ચર્ચગેટ જતી ફાસ્ટ AC લોકલ રદ કરવાના નિર્ણય સામે ખાસ વાંધો ઉઠાવ્યો છે. આ ટ્રેનનો ઉપયોગ કરતા દૈનિક મુસાફરો માટે હવે મુસાફરીના વિકલ્પો ઘટી જશે એવી અમે ચિંતા વ્યક્ત કરી છે. આ ઉપરાંત સવારે ૧૦.૨૪ વાગ્યે બોરીવલીથી ચર્ચગેટ જતી સ્લો AC લોકલ હવે બોરીવલીને બદલે ગોરેગામથી શરૂ થવાની હોવાથી મલાડથી બોરીવલી સુધીના મુસાફરોને વધારાની અગવડ ભોગવવી પડી શકે છે.


સાંજે પીક અવર્સમાં મુશ્કેલી 

મિતેષ મોદીએ કહ્યું હતું કે ‘સાંજના પીક અવર્સમાં ચર્ચગેટથી વિરાર જતી ૧૮.૨૨ની અને ૧૯.૦૫ની લોકલ બોરીવલી નહીં ઊભી રહે અને સીધી દહિસર જશે એવી દરખાસ્ત પણ મુસાફરોની મુશ્કેલી વધારી શકે છે. એટલે ચર્ચગેટથી બોરીવલી આવવા માગતા મુસાફરોને આ ટ્રેનનો સીધો લાભ નહીં મળે. બોરીવલી પર સ્ટૉપેજ ન હોવાની દરખાસ્ત સાંજના પીક અવર્સમાં બોરીવલી તરફ જતા મુસાફરો માટે મુશ્કેલીજનક બની શકે છે. અસોસિએશન દ્વારા ચર્ચગેટથી બોરીવલી માટેની સાંજની AC કનેક્ટિવિટીના સમયગાળા તરફ પણ ધ્યાન દોરવામાં આવ્યું છે. અમારા મત મુજબ સાંજે ૧૭.૫૦થી ૧૯.૨૫ વાગ્યા વચ્ચે ચર્ચગેટથી બોરીવલી માટે કોઈ AC ટ્રેન ઉપલબ્ધ નથી, જ્યારે ૧૯.૨૫ વાગ્યા પછી પણ બોરીવલી માટેની AC સેવા ઉપલબ્ધ ન હોવાની સ્થિતિ સાંજના સૌથી જરૂરી સમયગાળામાં મુસાફરો માટે ચિંતાનો વિષય છે.’


વેપારીઓ માટે આરામદાયક મુસાફરી જરૂરી
નવા ટાઇમ-ટેબલ મુજબ સાંજના સમયે પ્લૅટફૉર્મ પર ભીડ વધવાની શકયતાઓ નકારી શકાતી નથી એમ જણાવતાં મિતેષ મોદીએ કહ્યું હતું કે ‘આ સમગ્ર મુદ્દો અને સમસ્યા સાઉથ મુંબઈના વેપારીઓ સાથે જોડાયેલી છે. સાઉથ મુંબઈમાં અનેક હોલસેલ અને રીટેલ બજારો આવેલી છે જ્યાં દરરોજ લાખો વેપારીઓ, ગ્રાહકો અને અન્ય મુસાફરો ટ્રેન દ્વારા આવ-જા કરે છે. કામકાજ પૂરું થયા બાદ ઉત્તર મુંબઈ તરફ પાછા ફરતા આ મુસાફરો માટે સાંજના પીક અવર્સમાં બોરીવલી તરફ જતી AC લોકલ સલામત, આરામદાયક અને કાર્યક્ષમ મુસાફરી માટે જરૂરી હોવાનું અમે 
રેલવે-પ્રશાસનને જણાવ્યું છે. આથી વેસ્ટર્ન રેલવેના પ્રશાસનને એમના નિર્ણય પર પુનઃ વિચાર કરવાની અમે અપીલ કરીએ છીએ. રદ અથવા શૉર્ટ-ટર્મિનેટ કરાયેલી હાલની તમામ AC લોકલ સેવાઓ પુનઃ સ્થાપિત કરવા સાથે બોરીવલી અને ચર્ચગેટ વચ્ચે પીક અવર્સમાં વધુ AC લોકલ શરૂ કરવાની પણ અસોસિએશન તરફથી માગણી કરવામાં આવી છે.’

વેસ્ટર્ન રેલવેનું નવું ટાઇમટેબલ
વેસ્ટર્ન રેલવેએ અેના લોકલ નેટવર્કના ટાઇમ ટેબલમાં ફેરફાર કર્યો છે જેમાં એટલી જ ૧૪૧૪ ટ્રેનો સાથે વધુ સ્માર્ટ ટાઇમ ટેબલ બનાવી લોકોને વધુ સારી સેવા પ્રદાન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
 નૉન પીક-અવર્સની ઓછી ઉપયોગમાં લેવાતી ૬ સર્વિસ કૅન્સલ કરી એનો સમાવેશ પીક-અવર્સમાં કરાયો છે જેમાં સાંજે ૭.૪૬ ભાઈંદર-વિરાર, ૧૦.૧૪ ભાઈંદર-વિરાર, ૧૦.૫૧ બોરીવલી–વિરાર, ૧૧.૫૧ બોરીવલી–વિરાર અને ૧૨.૨૮ બોરીવલી-ભાઈંદરનો સમાવેશ કરાયો છે.
 સવારના ૧૦.૨૪ની ચર્ચગેટ–બોરીવલી AC ટ્રેન હવે ગોરેગામ સુધી જ દોડાવવામાં આવશે અને ત્યાંથી જ એ ચર્ચગેટ પાછી વાળવામાં આવશે. 
 બોરીવલીમાં સાંજના સમયે બહુ જ વધારે ભીડ થઈ જાય છે. એથી એને ખાળવા હાલ પ્રાયોગિક ધોરણે ૬.૨૨ની અને ૭.૦૫ની ચર્ચગેટ-વિરારને બોરીવલી સ્ટૉપેજ કૅન્સલ કરાયું છે. 
 બે નૉન AC સર્વિસિસને હવે AC સર્વિસિસમાં ફેરવવામાં આવી છે.
 આમ રોજની જે ૧૪૫ AC સર્વિસિસ દોડાવાતી હતી એ હવે વધીને ૧૪૭ થઈ જશે. 
 દહાણુ સુધીના પ્રવાસીઓને સરળતા રહે એ માટે પહેલાં જે દાદર-વિરાર અને એ પછી 
વિરાર-દહાણુ ટ્રેન દોડાવાતી હતી હવે એ ડાયરેક્ટ દાદર–દહાણું દોડાવાશે.

AIEAની મુખ્ય માગણીઓ
• રદ કરવામાં આવેલી AC લોકલ સેવાઓ પુનઃ સ્થાપિત કરવી.
• સવારની ૧૦.૨૪ની AC સ્લો લોકલને ફરી બોરીવલીથી શરૂ કરવી.
• સાંજના ૧૮.૨૨ વાગ્યાની અને ૧૯.૦૫ વાગ્યાની 
ચર્ચગેટ–વિરાર સેવાઓને બોરીવલી પર સ્ટૉપેજ આપવું.
• બોરીવલી–ચર્ચગેટ વચ્ચે પીક અવર્સમાં વધુ AC લોકલ સેવાઓ શરૂ કરવી.
• મુસાફરોની સુરક્ષા, આરામ અને સુવિધાને ધ્યાનમાં રાખીને નવા સમયપત્રકનું પુનર્મૂલ્યાંકન કરવું.

Whatsapp-channel Whatsapp-channel

02 September, 2026 09:35 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK