અમદાવાદમાં રહેતાં આ ભાઈ-બહેને નાશિક, પુણે અને સોલાપુરમાં દાગીના ખરીદવાના નામે દુકાનોમાંથી ચોરી કરી
નાશિકમાંથી પકડવામાં આવેલાં ગુજરાતી ભાઈ-બહેન ચંદ્રકાંત પરમાર અને પૂનમ શર્મા.
નાશિક, પુણે અને સોલાપુરમાં આવેલી જ્વેલરીની દુકાનોમાં દાગીના ખરીદવાના નામે પ્રવેશ કર્યા બાદ દાગીનાની ચોરી કરવાના આરોપસર નાશિક પોલીસે અમદાવાદમાં રહેતા પંચાવન વર્ષના ચંદ્રકાંત પરમાર અને તેની ૫૭ વર્ષની પરિણીત બહેન પૂનમ શર્માની શનિવારે ધરપકડ કરી હતી.
નાશિકના ઉપનગર પોલીસ-સ્ટેશનના ઇન્ચાર્જ જિતેન્દ્ર સપકાળે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ’૧૭ ડિસેમ્બરે નાશિક રોડ પર આવેલી પી. એન. ગાડગીળ ઍન્ડ સન્સ જ્વેલરી શૉપમાંથી સાડાત્રણ તોલાની સોનાની બે બંગડી ચોરી થવાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. દુકાનના ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજમાં એક પુરુષ અને એક મહિલાએ દાગીનાની ચોરી કરી હોવાનું જણાયું હતું. અમે આ બન્નેને શોધી રહ્યા હતા ત્યારે પહેલી ડિસેમ્બરે પી. એન. ગાડગીળ ઍન્ડ સન્સની નાશિકમાં આવેલી બીજી એક દુકાનમાં એક મહિલા અને એક પુરુષ દાગીના ખરીદવા માટે પ્રવેશ્યાં હોવાની જાણ અમને કરવામાં આવી હતી. આ બન્ને ૧૭ ડિસેમ્બરે દાગીના ચોરી કરનારાં જ હોવાનું સ્પષ્ટ થતાં અમારી ટીમે જ્વેલરીની દુકાનમાં જઈને બન્નેને તાબામાં લીધાં હતાં. આરોપી ચંદ્રકાંત પરમાર અને તેની બહેન પૂનમ શર્માની પૂછપરછ કરવામાં આવતાં તેમણે દાગીના ચોરી કરવાનો ગુનો કબૂલ્યો છે. આ ભાઈ-બહેને નાશિકમાં જ નહીં, પુણે અને સોલાપુરમાં હાથચાલાકી કરીને દાગીના ચોર્યા હોવાનું જણાઈ આવ્યું છે. તેમની પાસેથી ૫,૩૦,૮૧૬ રૂપિયાની કિંમતના ૬૫ ગ્રામ સોનાના દાગીના જપ્ત કરવામાં આવ્યા છે. આરોપીઓ લાંબા સમયથી આવી ચોરી કરતા હોવાનું તપાસમાં જણાયું છે. બન્ને અમદાવાદમાં તેમના પરિવાર સાથે રહે છે.’