આપણે સહુ એ જાણીએ છીએ કે આપણી અંદર ઉત્પન્ન થતી દરેક પ્રકારની અનુભૂતિ અથવા સંવેદનાઓનું કેન્દ્ર આપણું મગજ છે અને એટલે જ મોટા ભાગના ડૉક્ટરો તેમના દરદીઓને એક સલાહ જરૂર આપતા હોય છે કે...
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
સામાન્યતઃ આપણા સહુની અંદર દુઃખ અને મુશ્કેલીઓનો સામનો કરવાને બદલે તેમનાથી દૂર ભાગવાનો સંસ્કાર ખૂબ જ પ્રચંડ હોય છે અને એટલા માટે જ એ પરિસ્થિતિઓમાંથી ઉત્પન્ન થતી ભય, માનસિક પીડા વગેરે જેવી અનેક લાગણીઓથી આપણે લાંબા સમય સુધી છૂટી નથી શકતા. આપણા આ વ્યવહાર પાછળનું કારણ શું? કારણ છે આપણા અંતરાત્માનો અવાજ જે આપણને વારંવાર સાચા રસ્તે ચાલવા માટે પ્રેરિત કર્યા કરે છે, જેનાથી આપણે ડરતા રહીએ છીએ. સરળ શબ્દોમાં આધુનિક જગતની આ બીમારીને પલાયનવાદ કહેવાય છે અને વારંવાર જીવનમાં આવનારી દરેક નાની-મોટી પરિસ્થિતિઓથી દૂર ભાગનારી વ્યક્તિને પલાયનવાદી કહેવાય છે.
આપણે સહુ જો પોતાની અંદર ડોકિયું કરીને જોઈશું તો કદાચ આપણને એ જણાશે કે આપણામાંથી મોટા ભાગના લોકો પલાયનવાદી છે, કારણ કે ક્યાંક ને ક્યાંક જન્મથી માંડીને મૃત્યુ સુધીની આપણી સફરમાં આપણે કોઈક ને કોઈક પરિસ્થિતિ, વ્યક્તિ, સંબંધ અથવા પછી પોતાની જાતથી ભાગતા જ રહીએ છીએ. તો શું આ પલાયનવાદી વૃત્તિનો કોઈ ઇલાજ નથી? આ વિષય ઉપર કરવામાં આવેલા ઊંડા અભ્યાસ દ્વારા એ તથ્ય બહાર આવ્યું કે જે લોકો સ્વીકાર કરવાની શક્તિને ધારણ કરીને ભૂતકાળને ભૂલી ભવિષ્ય તરફ આગળ વધે છે તેઓ મોટા ભાગે આ પલાયનવાદી વૃત્તિથી મુક્ત થઈ જાય છે, પરંતુ જે લોકો વીતેલી વાતોની જાળમાંથી બહાર નીકળતા જ નથી તેઓ પછી પોતાના ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યથી ભાગતા જ રહે છે.
ADVERTISEMENT
આપણે સહુ એ જાણીએ છીએ કે આપણી અંદર ઉત્પન્ન થતી દરેક પ્રકારની અનુભૂતિ અથવા સંવેદનાઓનું કેન્દ્ર આપણું મગજ છે અને એટલે જ મોટા ભાગના ડૉક્ટરો તેમના દરદીઓને એક સલાહ જરૂર આપતા હોય છે કે ‘પોતાના મનોબળને વધારો.’ જે વ્યક્તિ પોતાની હકારાત્મક વિચારધારા દ્વારા મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી રસ્તો શોધીને આવનારી દરેક સમસ્યાઓનું સમાધાન કાઢી લે છે, તેમના માટે મુશ્કેલીઓ ખેલ સમાન બની જાય છે પરંતુ જે વ્યક્તિ મનોબળની દૃષ્ટિએ કમજોર છે અને નકારાત્મકતાથી ભરપૂર છે તે સદા પરિસ્થિતિઓથી ભાગવાના નવા-નવા રસ્તાઓ શોધ્યે રાખે છે. શું આવા પલાયનવાદી વ્યવહારથી કોઈ નક્કર ઉકેલ નીકળે છે? નહીં. તો પછી આ બધું કરવાનો શો અર્થ? એના કરતાં તો સારું એ રહેશે કે આપણે પોતાની અંદર દબાયેલી જન્મજાત ઊર્જાનો ઉપયોગ કરીને સમસ્યાઓનો સીધો સામનો કરીએ અને પોતાના બુદ્ધિ-વિવેકથી યોગ્ય સમાધાન કાઢીએ. આ જ જીવન જીવવાનો યોગ્ય માર્ગ છે. યાદ રહે, અનુકૂળ પરિસ્થિતિઓની જેમ પ્રતિકૂળ પરિસ્થિતિઓને પણ ઉપયોગી માનીને જો તેમને સહજ અને સ્વાભાવિક માનવામાં આવે તો મનને શાંત અને સંતુલિત રાખીને જીવન માર્ગ પર આગળ વધી શકાય છે.
