પાવર કટ થતાં થાણે, મુલુંડ અને ભાંડુપના ૧૧૧૯ ગ્રાહકોમાંથી ૯૦૦એ બિલ ભર્યા
પ્રતીકાત્મક તસવીર
મહાવિતરણે થાણે, મુલુંડ અને ભાંડુપમાં બિલ ન ભરતા ગ્રાહકો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે. એમાં માત્ર મુલુંડમાં છેલ્લા બે દિવસમાં ૨૭૮ લોકોનાં વીજ-કનેક્શન કાપવામાં આવ્યાં હતાં. એ સાથે થાણે અને ભાંડુપમાં કુલ મળીને ૧૧૧૯ લોકોનાં વીજ-કનેક્શન કટ કરવામાં આવ્યાં હતાં. જોકે નવાઈની વાત એ છે કે પાવર કટ થતાંની સાથે જ ૯૦૦થી વધુ લોકોએ પોતાનાં બિલ ભરીને કનેક્શન ચાલુ કરાવી દીધું હતું.
લૉકડાઉન દરમ્યાન મહાવિતરણ દ્વારા રીડિંગ ન લેવાતાં અંદાજિત બિલો મોકલવામાં આવ્યાં હતાં. એમાં કેટલાક લોકોને બહુ વધારે બિલ આવ્યાં હોવાથી તેમણે બિલ ભર્યાં નહોતાં. જોકે એનું કારણ એ હતું કે સરકારે પણ લૉકડાઉન દરમ્યાન એવી જાહેરાત કરી હતી કે અમે ગ્રાહકોને રાહત આપીશું. જોકે એવું કંઈ થવાને બદલે હવે એમએસઈડીસીએલના અધિકારીઓએ જે લોકોએ બિલ નથી ભર્યાં તેમનાં કનેક્શન કાપવાનું શરૂ કરી દીધું છે. મુલુંડના એસીસી રોડ પર આવેલી મહાવિતરણની ઑફિસ પર ગઈ કાલે આ જ મુદ્દા પર એમએનએસના કેટલાક કાર્યકર્તાઓએ આંદોલન પણ કર્યું હતું.
ADVERTISEMENT
ભાંડુપ મહાવિતરણનાં મુખ્ય જનસંપર્ક અધિકારી મમતા પાંડેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હાલમાં તેમનાં કનેક્શન કટ કરવામાં આવી રહ્યાં છે જેમણે એક વર્ષથી પોતાનાં બિલ નથી ભર્યાં. મહાવિતરણ દ્વારા અમે ગ્રાહકોને એ પણ સુવિધા આપી છે કે તમે બેથી ત્રણ ઇન્સ્ટૉલમેન્ટમાં તમારું બિલ ભરો. એમ છતાં લોકોએ બિલ ભર્યાં નહોતાં એટલે અમે પહેલી ફેબ્રુઆરીથી લઈને નવમી ફેબ્રુઆરી સુધીમાં ૪૦૮૦ લોકોનાં વીજ-કનેક્શન કાપ્યાં હતાં.’

