મુલુંડમાં શાકભાજી ખરીદવા ગયેલાં વૃદ્ધ કચ્છી મહિલાને સ્કૂટરે અડફેટે લીધાં, પગમાં ૭૦ ટાંકા આવ્યા, અત્યાર સુધીમાં અઢી લાખ રૂપિયા થઈ ચૂક્યો છે ખર્ચ : અકસ્માત પછી બાઇકચાલક ફરાર : પોલીસના CCTV કૅમેરા બંધ
અકસ્માત બાદ હાલમાં મીના વીરા અને તેમના પગમાં આવેલા ટાંકા.
થાણેના શ્રીનગર વિસ્તારમાં રહેતાં ૬૫ વર્ષનાં મીના વીરા ગયા મંગળવારે મુલુંડ-વેસ્ટમાં જૈન સંસ્થાની મીટિંગ પતાવીને આર.આર.ટી. રોડ માર્કેટમાં શાકભાજી ખરીદી રહ્યાં હતાં ત્યારે પાછળથી પૂરપાટ વેગે આવેલા એક સ્કૂટરની અડફેટે આવી જતાં ગંભીર રીતે જખમી થયાં હતા. આ અકસ્માત એટલો ભયાનક હતો કે સ્કૂટરનું લોખંડ વૃદ્ધાના ડાબા પગની આરપાર નીકળી ગયું હતું, જેને કારણે તેમના પગમાં પ્લેટ નાખવી પડી છે અને ૭૦ કરતાં વધારે ટાંકા આવ્યા હતા. આ અકસ્માત બાદ બાઇકચાલક ફરાર થઈ ગયો હોવાથી મુલુંડ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે, પરંતુ પોલીસ દ્વારા આ કેસ પર યોગ્ય ધ્યાન આપવામાં ન આવતું હોવાનો આક્ષેપ પરિવારે કર્યો છે. સામાન્ય પરિવારમાંથી આવતા આ વૃદ્ધ દંપતી પાસે કોઈ મેડિક્લેમ ન હોવાથી અત્યાર સુધી સારવાર પાછળ આશરે અઢી લાખ રૂપિયાનો ખર્ચ થઈ ચૂક્યો છે, જેને કારણે આર્થિક બોજ હેઠળ દબાયેલો પરિવાર હાલ અત્યંત લાચાર પરિસ્થિતિમાં મુકાઈ ગયો છે.
મીનાબહેનના પતિ રાજેશ વીરાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અકસ્માત બાદ સ્કૂટરચાલક ઈજાગ્રસ્ત મીનાને કોઈ પણ પ્રકારની સહાય કર્યા વિના કે પોલીસને જાણ કર્યા વિના ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો. ત્યાં હાજર સ્થાનિક લોકોએ માનવતા બતાવીને મીનાને તાત્કાલિક રિક્ષામાં બેસાડીને હૉસ્પિટલમાં પહોંચાડી હતી. ત્યાં એક્સ-રે રિપોર્ટમાં જાણવા મળ્યું કે તેના ડાબા પગની ઘૂંટીના ભાગે ગંભીર ફ્રૅક્ચર થયું છે. સ્કૂટરનું આગળનું લોખંડ ડાબા પગના ઘૂંટણની આરપાર થઈ ગયું હોવાથી એ જગ્યા પર પ્લેટ નાખવી પડશે એમ કહેવામાં આવ્યું હતું. હૉસ્પિટલમાં ઑપરેશનનો ખર્ચ ૩.૫૦ લાખ રૂપિયા કરતાં વધુ હોવાને કારણે અમે મીનાને ઑપરેશન માટે નૅશનલ હૉસ્પિટલમાં દાખલ કરી હતી જ્યાં તેના પગમાં ૭૦થી વધારે ટાંકા આવ્યા છે. હું અને મારી પત્ની વર્ષોથી ભેગી કરેલી જમાપૂંજી પર જીવીએ છે. અમારો કોઈ મેડિક્લેમ કે હેલ્થ ઇન્શ્યૉરન્સ નથી. અચાનક આવી પડેલી આ આફતમાં અત્યાર સુધીમાં સારવાર અને ઑપરેશન પાછળ ૨.૫૦ લાખ રૂપિયાનો ખર્ચ થઈ ચૂક્યો છે. આટલી મોટી રકમની વ્યવસ્થા કરવી અત્યંત કઠિન સાબિત થઈ રહી છે. શારીરિક વેદનાની સાથે-સાથે આ આર્થિક બોજ અમને માનસિક રીતે તોડી રહ્યો છે.’
ADVERTISEMENT
પોલીસની કામગીરી પર પ્રશ્ન
મીનાબહેનના પતિ રાજેશ વીરાએ કહ્યું હતું કે ‘અકસ્માત બાદ મુલુંડ પોલીસ-સ્ટેશનમાં અજાણ્યા સ્કૂટરચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હોવા છતાં પોલીસ દ્વારા હજી સુધી કોઈ યોગ્ય કે સંતોષકારક તપાસ હાથ ધરવામાં આવી નથી. દિવસે વ્યસ્ત માર્કેટમાં બનેલી આ ઘટનાના ૪ દિવસ પછી પણ પોલીસે CCTV કૅમેરાનાં ફુટેજ ચકાસ્યાં નથી. એક રીતે પોલીસ ગોકળગાયની ગતિએ કામ કરી રહી છે.’
પોલીસના CCTV કૅમેરા બંધ
મુલુંડ પોલીસ-સ્ટેશનના પોલીસ-ઇન્સ્પેક્ટર અશોક શેલારે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અકસ્માત-સ્થળ નજીક લાગેલા અમારા પોલીસના CCTV કૅમેરા અકસ્માત સમયે બંધ હતા. હાલમાં અમે ત્યાં દુકાનોમાં લાગેલા CCTV કૅમેરાનાં ફુટેજના આધારે આરોપીની ઓળખ કરવાની કોશિશ કરી રહ્યા છીએ. ત્યાં શાકભાજીવાળા પર અમે કડક કાર્યવાહી કરતા હોઈએ છીએ એનો રોષ રાખીને તેઓ પણ અમને કો-ઑપરેટ કરી નથી રહ્યા. એમ છતાં આ કેસમાં અમે તપાસ કરી રહ્યા છીએ.’
