૭ માર્ચે પત્ની સાથે વાત કર્યા પછી અમિત શેઠનો ફોન સતત બંધ: ૮ માર્ચે દીકરાએ મુંબઈ આવીને પપ્પાને ખૂબ શોધ્યા અને પછી બીજા દિવસે મિસિંગની ફરિયાદ નોંધાવી, પણ હવે ગઈ કાલે અપહરણની ફરિયાદ નોંધાવી
અમદાવાદના વેપારી અમિત શેઠ.
અમદાવાદના આંબાવાડી વિસ્તારની માણેકબાગ સોસાયટીમાં રહેતા ૫૪ વર્ષના અમિત શેઠનું ૭ માર્ચે ગોરેગામ સ્ટેશનની બહારથી અપહરણ થયું હોવાની ફરિયાદ તેમના પુત્ર રોમિલ શેઠે દિંડોશી પોલીસ-સ્ટેશનમાં ગઈ કાલે નોંધાવી હતી. ઑર્થોપેડિક ઇમ્પ્લાન્ટ્સનાં સાધનો બનાવવાનો વ્યવસાય કરતા અમિતભાઈ મીરા રોડની એક પ્રૉપર્ટી વેચવા ૬ માર્ચે મુંબઈ આવીને પોતાના ગોરેગામના ફ્લૅટ પર રોકાયા હતા. દરમ્યાન ૭ માર્ચે સવારે પત્ની સાથે વાત કર્યા બાદ અમિતભાઈનો ફોન સતત બંધ આવ્યા બાદ વધુ તપાસ કરવામાં આવી હતી. એ સમયે તેમનું છેલ્લું લોકેશન ગોરેગામ સ્ટેશન સામે આવ્યું હતું. આ મામલે છેલ્લા ૧૪ દિવસથી ગુમ થયેલા અમિતભાઈને શોધવા માટે લોકલ પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વિવિધ ટીમ બનાવવામાં આવી છે.
ગોરેગામ-ઈસ્ટ સ્ટેશનની બહાર પપ્પા છેલ્લે જોવા મળ્યા હતા અને એ સમયે ત્યાંના CCTV કૅમેરાનાં ફુટેજ તપાસતાં પપ્પા રિક્ષામાં બેસતા જોવા મળ્યા હતા એમ જણાવતાં અમિતભાઈના પુત્ર રોમિલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મીરા રોડ-ઈસ્ટના નિત્યાનંદનગરની અમારી એક પ્રૉપર્ટી વેચવા માટે પપ્પા ૬ માર્ચે મુંબઈ આવ્યા હતા. એ સમયે તેઓ અમારા ગોરેગામના ફ્લૅટમાં રોકાયા હતા. ૭ માર્ચે બપોરે ૧૨ વાગ્યે પપ્પા સોસાયટીની બહાર નીકળી રહ્યા હતા એ સમયે અમારા એક સંબંધીને પણ મળ્યા હતા અને કામ હોવાનું કહીને નીકળી ગયા હતા. એ જ દિવસે પપ્પાની સવારે મમ્મી સાથે પણ વાત થઈ હતી જેમાં તેમણે પાછા આવવા માટેની તેમની ટિકિટ બુક કરવા માટે મને કહેવાનું મમ્મીને ફોન પર કહ્યું હતું. દરમ્યાન બપોરે સાડાત્રણ વાગ્યા પછી તેમનો ફોન બંધ થઈ ગયો હતો. ત્યાર બાદ રાતના સાડાદસ વાગ્યા સુધી તેમનો કોઈ જ પત્તો ન લાગતાં મુંબઈમાં રહેતા અમારા સંબંધીઓને અમે જાણ કરીને પપ્પાને શોધવા કહ્યું હતું. આખી રાત પપ્પા ન મળતાં મેં બીજા દિવસે એટલે ૮ માર્ચે મુંબઈ આવીને પપ્પાન ઘણા શોધ્યા હતા. જોકે તેઓ ક્યાંય મળ્યા નહોતા. અંતે અમે બીજા દિવસે પપ્પાની મિસિંગની ફરિયાદ દિંડોશી પોલીસ-સ્ટેશનમાં નોંધાવી હતી. એ પછી પપ્પાને અમે ગુજરાત અને મુંબઈના અનેક વિસ્તારોની હોટેલો, મંદિરો, હૉસ્પિટલો, રેલવે-સ્ટેશન, બસ-સ્ટૅન્ડ સહિતની વિવિધ જગ્યાએ શોધ્યા હતા પણ તેઓ મળ્યા નહોતા.’
ADVERTISEMENT
ફૅમિલીની સેફ્ટી માટે રાખેલી ઍપ્લિકેશનમાં પપ્પાનું લોકેશન ગોરેગામ આવ્યું હતું એટલે હું પોલીસને લઈને ગોરેગામ સ્ટેશન પહોંચ્યો હતો એમ જણાવતાં રોમિલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારા પરિવારની સેફ્ટી માટે બધાના ફોનમાં ફૅમિલી 360 ઍપ્લિકેશન રાખી છે જેમાં પપ્પાનો ફોન બપોરે બંધ થયો હોવાની સાથે પપ્પાના ફોનમાં છેલ્લું લોકેશન દેખાયું હતું. પપ્પાની ૧૩ દિવસ સુધી મિસિંગ ફરિયાદ પર શોધ લીધા બાદ કોઈ પત્તો ન લાગતાં મને પૂરેપૂરી શંકા છે કે તેમનું અપહરણ થયું છે. જોકે હજી સુધી અમને પૈસા કે બીજી કોઈ ચીજ માટે ફોન આવ્યો નથી. પોલીસ પાસે મારી માગણી છે કે સુખરૂપ મારા પપ્પાને શોધી કાઢે.’
અપહરણની ફરિયાદ નોંધીને અમે ગુજરાતના વેપારીને શોધવા માટે વિવિધ ટીમો બનાવી છે જે અલગ-અલગ ઍન્ગલ પર કામ કરી રહી છે. આ મામલે પહેલાં મિસિંગની ફરિયાદ નોંધવામાં આવી હતી. જોકે ગુમ થયેલા વેપારીના પરિવારે અપહરણ થયું હોવાનો દાવો કરતાં અમે અપહરણનો ગુનો નોંધ્યો છે. આ કેસમાં જૉઇન્ટ તપાસ ક્રાઇમ બ્રાન્ચ પણ કરી રહી છે.- દિંડોશી પોલીસ-સ્ટેશનના સિનિયર અધિકારી

