ભક્તો માટે શરીર ઢાંકવા ૫૦૦ ધોતી અને ૫૦૦ ઓઢણીની વ્યવસ્થા કરવામાં આવી
સિદ્ધિવિનાયક મંદિર
પ્રભાદેવીમાં આવેલા ગણપતિના વિશ્વવિખ્યાત સિદ્ધિવિનાયક મંદિરમાં ડ્રેસ-કોડ લાગુ કરવાનો નિર્ણય સોમવારે લેવામાં આવ્યો હતો, જે ગઈ કાલથી અમલમાં મૂકવામાં આવ્યો હતો. જોકે પહેલા દિવસે ફાટેલું જીન્સ કે સ્કર્ટ પહેરનારા ભક્તો મંદિરમાં પ્રવેશબંધી કરવામાં આવી હોવાથી અજાણ શક્યતાને ધ્યાનમાં રાખીને મંદિરે આવાં કપડાં પહેરનારા ભક્તોને ચેતવણી આપીને દર્શન કરવા દીધાં હતાં. બે-ત્રણ દિવસ આવી ચેતવણી આપવામાં આવશે અને એ પછી કોઈ અણછાજતાં કપડાં પહેરીને મંદિરમાં આવશે તો તેમને ધોતી કે ઓઢણી આપવાની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું.
સિદ્ધિવિનાયક ગણપતિ મંદિર ટ્રસ્ટના ટ્રેઝરર આચાર્ય પવન ત્રિપાઠીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મંદિર જેવા પવિત્ર સ્થળે અંગપ્રદર્શક, ઉત્તેજક, અસભ્ય અને અશોભનીય વસ્ત્ર પહેરીને જવું યોગ્ય નથી. ભારત જેવા ધાર્મિક દેશમાં સભ્યતાની પરંપરા કાયમ રહે એ માટે અમે ડ્રેસ-કોડ લાગૂ કરવાનો નિર્ણય લીધો છે. ડ્રેસ-કોડનો નિયમ અમલમાં મૂકવામાં આવ્યો છે. જોકે સિદ્ધિવિનાયક મંદિર દેશ-વિદેશમાં ફેમસ છે એટલે અહીં દૂર-દૂરથી ભક્તો આવે છે તેઓ ડ્રેસ-કોડના નિમયથી અજાણ હોવાની શક્યતાને ધ્યાનમાં રાખીને અશોભનીય કપડાં પહેરીને મંદિરમાં આવેલા લોકોને ચેતવણી આપીને દર્શન કરવા દેવામાં આવ્યાં હતાં. બે-ત્રણ દિવસ ચેતવણી આપીશું, બાદમાં કોઈ ભક્ત અંગ દેખાતાં હોય એવાં કપડાં પહેરીને આવશે તો તેમના માટે ૫૦૦ ધોતી અને ૫૦૦ ઓઢણીની વ્યવસ્થા મંદિરમાં કરવામાં આવી છે. આવા ભક્તો મંદિરમાં આવશે ત્યારે તેમને ધોતી કે ઓઢણીમાંથી જેની જરૂર લાગશે એ આપવામાં આવશે. મંદિરમાં દરરોજ હજારોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવે છે, પણ અશોભનીય વસ્ત્રો પહેરનારાઓની સંખ્યા ઓછી હોય છે. આથી અત્યારે ૫૦૦ ધોતી અને ઓઢણીની વ્યવસ્થા કરવામાં આવી છે. આમ છતાં જરૂર પડશે તો એમાં વધારો કરવામાં આવશે.’
ADVERTISEMENT
માઘી ઉત્સવની પૂર્વતૈયારી
સિદ્ધિવિનાયક મંદિરમાં માઘી ઉત્સવ પહેલાં પૂજા કરવાની પરંપરા છે. એ મુજબ ગઈ કાલે મંદિરના ટ્રસ્ટના અધ્યક્ષ સદા સરવણકરે સપરિવાર પૂજા કરી હતી. આ માઘી ઉત્સવ નિમિત્તે મંદિરમાં ફૂલોની સજાવટ કરવાની સાથે બાપ્પાને ફળોનો શણગાર કરવામાં આવ્યો હતો.

