Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ગૅસ-સિલિન્ડરના કાળાબજારિયાઓ સામે સરકારની લાલ આંખ

ગૅસ-સિલિન્ડરના કાળાબજારિયાઓ સામે સરકારની લાલ આંખ

Published : 17 March, 2026 07:31 AM | Modified : 17 March, 2026 07:33 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૨૩ કેસ નોંધાયા, ૧૮ વ્યક્તિની ધરપકડ, ૧૨૦૮ સિલિન્ડર જપ્ત

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે લિ​ક્વિફાઇડ પેટ્રોલિયમ ગૅસ (LPG)ના અપૂરતા પુરવઠાને પગલે રાજ્યમાં LPG સિલિન્ડરની કાળાબજારી શરૂ થઈ ગઈ છે.

મહારાષ્ટ્રના ફૂડ ઍન્ડ સિવિલ સપ્લાય મિનિસ્ટર છગન ભુજબળે સોમવારે જણાવ્યું હતું કે આ બાબતે કાર્યવાહી કરવામાં આવી છે. કાળાબજારિયા સામે ૨૩ કેસ નોંધાયા છે અને ૧૮ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે.



વિધાનસભામાં કૉન્ગ્રેસના અભિજિત વણજારી દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાનો જવાબ આપતાં છગન ભુજબળે જણાવ્યું હતું કે ‘રાજ્ય સરકારે જિલ્લા સ્તરે કલેક્ટરો અને પોલીસ-સુપરિન્ટેન્ડેન્ટની સમિતિની રચના કરી છે. સમિતિએ અત્યાર સુધીમાં ૨૧૨૯ દરોડા પાડીને ૩૩,૬૬,૪૧૧ રૂપિયાનાં ૧૨૦૮ સિલિન્ડર જપ્ત કર્યાં છે.’ 


છગન ભુજબળે આશ્વાસન આપ્યું હતું કે ‘રાજ્ય સરકાર પાસે કેરોસીનનો મોટો જથ્થો છે અને એ ઇન્ડિયન ઑઇલ કૉર્પોરેશન લિમિટેડ (IOCL), ભારત પેટ્રોલિયમ કૉર્પોરેશન લિમિટેડ (BPCL) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કૉર્પોરેશન લિમિટેડ (HPCL)ના ફ્યુઅલ પમ્પ પર કેરોસીન ઉપલબ્ધ થાય એ માટેની તૈયારી કરી રહી છે.’

LPG અને પાઇપલાઇન્ડ નૅચરલ ગૅસ (PNG)ની કોઈ અછત નથી એ વાત પર ભાર મૂકતાં છગન ભુજબળે કહ્યું હતું કે IOCL, BPCL અને HPCLના પ્રતિનિધિઓ સાથે વાતચીત કરીને રાંધણગૅસનું ઉત્પાદન ૯ મેટ્રિક ટન વધારીને ૧૧ મેટ્રિક ટન કરવામાં આવ્યું છે.


સિલિન્ડરના વધેલા ભાવ માટે તેમણે જણાવ્યું હતું કે ‘ગયા મહિને ડોમેસ્ટિક સિલિન્ડરનો ભાવ ૮૫૨.૫૦ રૂપિયા હતો જે ૭ માર્ચે વધીને ૯૧૨.૫૦ રૂપિયા થયો હતો. ગયા મહિને કમર્શિયલ સિલિન્ડરનો ભાવ ૧૭૨૦.૫૦ રૂપિયાથી વધીને ૧૮૩૫ રૂપિયા થયો છે.’

ગૅસની અછતને લીધે વડાપાંઉ મોંઘાં થયાં

LPG સિલિન્ડરોની અપૂરતી સપ્લાયને કારણે નાના ફૂડ-સ્ટૉલ અને રેસ્ટોરાંને અસર થઈ છે. એને પગલે વડાપાંઉ, કાંદા પૌંઆ, ભજિયા જેવા નાસ્તા વેચતા ફૂડ-સ્ટૉલના વિક્રેતાઓએ નાસ્તાના ભાવ વધારી દીધા છે. મુંબઈ, થાણે, નાશિક અને પુણેમાં અનેક લારીઓ પર વેચાતા નાસ્તામાં નંગદીઠ પાંચથી દસ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. અમુક ગ્રાહકોએ દાવો કર્યો હતો કે વિક્રેતાઓએ LPGના બહાને પૈસા વધારી દીધા છે. તો અમુક ફૂડ-સ્ટૉલ પર LPG ઉપલબ્ધ ન થતાં ચૂલા પર રાંધીને નાસ્તા વેચવાનું ચાલુ રાખવામાં આવ્યું હતું.

Whatsapp-channel Whatsapp-channel

17 March, 2026 07:33 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK