વિપક્ષના વિરોધ વચ્ચે દેવેન્દ્ર ફડણવીસે કર્યો ધાર્મિક પરિવર્તન વિરુદ્ધના બિલનો બચાવ
દેવેન્દ્ર ફડણવીસ
ઘણી મહિલાઓને સંબંધોમાં લલચાવી, લગ્ન કરીને ધર્માંતરણ કરાવવામાં આવે છે અને પછી તેમને ત્યજી દેવામાં આવે છે. આવા કપટી ધાર્મિક પરિવર્તન વિરુદ્ધ રજૂ કરાયેલા બિલનો હેતુ આવી પ્રથાઓને રોકવાનો છે એમ ગઈ કાલે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ભારપૂર્વક જણાવ્યું હતું. દેવેન્દ્ર ફડણવીસે મંત્રાલયમાં પત્રકારોને જણાવ્યું હતું કે વિપક્ષો વોટબૅન્કના ફાયદા માટે આ મુદ્દાનું રાજકારણ કરી રહ્યા છે, પરંતુ એક વાર તેઓ બિલને ધ્યાનથી વાંચી લેશે તો તેમને કોઈ વાંધો નહીં રહે.
સરકારે શુક્રવારે વિધાનસભામાં મહારાષ્ટ્ર ધર્મ સ્વતંત્રતા બિલ ૨૦૨૬ રજૂ કર્યું હતું જેમાં બળજબરી, છેતરપિંડી, લાલચ અથવા લગ્ન દ્વારા કરાવવામાં આવતા ધાર્મિક પરિવર્તનને પ્રતિબંધિત કરવા માટે કડક જોગવાઈઓ છે.
ADVERTISEMENT
દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘એવા ઘણા કિસ્સા બન્યા છે જ્યાં મહિલાઓને લાલચ આપવામાં આવી હોય એટલે તે ઘરેથી ભાગી જાય અને લગ્ન પછી તેમને ત્યજી દેવામાં આવે. આવી મહિલાઓને આ બિલ રક્ષણ આપશે.’
શું સજા?
બિલ મુજબ લગ્નના બહાને ગેરકાયદે ધર્માંતરણમાં સામેલ લોકોને ૭ વર્ષની જેલની સજા અને એક લાખ રૂપિયાના દંડની સજા થશે. સગીર, અસ્વસ્થ માનસિક વ્યક્તિ, મહિલા અથવા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની વ્યક્તિના સંદર્ભમાં ઉલ્લંઘન કરનારને ૭ વર્ષની જેલ અને પાંચ લાખ રૂપિયાના દંડની સજા થશે.
ધર્માંતરણ બિલમાં શું છે?
પ્રસ્તાવિત કાયદા હેઠળ એક ધર્મમાંથી બીજા ધર્મમાં પરિવર્તન કરવાનો ઇરાદો ધરાવતી કોઈ પણ વ્યક્તિ તેમ જ ધર્માંતરણ સમારોહનું આયોજન કરતી કોઈ પણ વ્યક્તિ અથવા સંસ્થાએ સક્ષમ અધિકારીને ૬૦ દિવસ અગાઉ નોટિસ આપવી પડશે. સક્ષમ અધિકારી પ્રસ્તાવિત ધર્માંતરણની વિગતો જાહેરમાં પ્રદર્શિત કરશે અને ૩૦ દિવસની અંદર જનતા પાસેથી વાંધા મગાવશે. ગેરકાયદે ધર્માંતરણની શંકા હોય તો કોઈ પણ વ્યક્તિ ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધાવી શકે છે.
આમિર ખાન કેમ મળ્યો ચીફ મિનિસ્ટરને?

મહારાષ્ટ્રનાં અંતરિયાળ ગામોમાં દુકાળની અસર પાકને અને ખેડૂતોને ન થાય એ માટે પાણીના સ્રોત મજબૂત બનાવવા માટે કામ કરતા પાની ફાઉન્ડેશનના સ્થાપક આમિર ખાન અને તેનાં ભૂતપૂર્વ પત્ની કિરણ રાવ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને મળ્યાં હતાં. દર વર્ષની જેમ આ વર્ષે પણ પાની ફાઉન્ડેશન દ્વારા ફાર્મર્સ કપનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વિવિધ સ્પર્ધામાં અનેક ખેડૂતો ભાગ લે છે. આ સંદર્ભે ગઈ કાલે મુખ્ય પ્રધાન સાથે આમિર ખાને મીટિંગ કરી હતી.
ઘરનું ઘર અર્પણ

મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે તથા સુનેત્રા પવારે ગઈ કાલે નાયગાંવ BDD ચાલ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટના ૮૬૪ રહેવાસીઓને ફ્લૅટની ચાવીઓ સોંપી હતી. મહારાષ્ટ્ર હાઉસિંગ ઍન્ડ એરિયા ડેવલપમેન્ટ ઑથોરિટી (MHADA) આ પ્રોજેક્ટના ભાગ રૂપે ૨૦૨૯ સુધીમાં ૧૫,૦૦૦ પરિવારોનું પુનર્વસન કરશે.
ઍલોપૅથિક દવાઓ પ્રિસ્ક્રાઇબ કરતા હોમિયોપથી ડૉક્ટરોનો મુદ્દો વિધાનસભામાં ગાજ્યો
હોમિયોપથી પ્રૅક્ટિશનર્સ ઍલોપૅથિક દવા પ્રિસ્ક્રાઇબ કરી શકે કે નહીં એ મુદ્દો લાંબા સમયથી ચર્ચામાં છે ત્યારે આ મુદ્દા પર કોર્ટના આદેશની રાહ જોવાઈ રહી હોવાનું મહારાષ્ટ્ર સરકારે ગઈ કાલે જણાવ્યું હતું. રાજ્ય વિધાનસભામાં મેડિકલ એજ્યુકેશન રાજ્યપ્રધાન માધુરી મિસાળે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રના ગ્રામીણ અને દૂરના વિસ્તારોમાં બૅચલર ઑફ મેડિસિન બૅચલર ઑફ સર્જરી (MBBS) ડૉક્ટરોની અછતને ધ્યાનમાં રાખીને સર્ટિફિકેટ કોર્સ ઇન મૉડર્ન ફાર્માકોલૉજી (CCMP) શરૂ કરવામાં આવ્યો હતો. આ કોર્સ સાડાપાંચ વર્ષની બૅચલર ઑફ હોમિયોપથી મેડિસિન ઍન્ડ સર્જરી (BHMS) ડિગ્રી પૂરી કરનારા ડૉક્ટરોને જરૂર પડ્યે ચોક્કસ ઍલોપૅથિક દવાઓ લખવાનું જ્ઞાન મેળવવા માટે છે. લગભગ ૮૦૦૦ ડૉક્ટરોએ આ કોર્સ પૂરો કર્યો છે. કેટલાક ઍલોપૅથિક ડૉક્ટરો અને તેમનાં સંગઠનોએ આ કોર્સનો વિરોધ કર્યો હતો એટલે આ મામલો બાદમાં બૉમ્બે હાઈ કોર્ટમાં પહોંચ્યો હતો. જોકે કોર્ટનો આદેશ હજી સુધી મળ્યો નથી એટલે તેમને પ્રમાણપત્ર આપવામાં આવ્યાં નથી એવી સ્પષ્ટતા વિધાનસભામાં કરવામાં આવી હતી.
