૯૮મા ઑસ્કર અવૉર્ડ્સના ઇન મેમોરિયમ સેગમેન્ટમાં દિવંગત ધર્મેન્દ્રને સ્થાન ન મળતાં હેમા માલિનીએ આ પ્રતિક્રિયા આપી
હેમા માલિનીની ફાઇલ તસવીર
હેમા માલિનીએ પોતાના દિવંગત પતિ અને દિગ્ગજ બૉલીવુડ-સ્ટાર ધર્મેન્દ્રને ૯૮મા ઑસ્કર અવૉર્ડ્સના ‘ઇન મેમોરિયમ’ સેગમેન્ટમાં સ્થાન ન મળતાં પ્રતિક્રિયા આપી છે. ધર્મેન્દ્રનું ગયા વર્ષે નવેમ્બરમાં ૮૯ વર્ષની વયે વયસંબંધી બીમારીને લીધે અવસાન થયું હતું. ધર્મેન્દ્રનું નામ ઑસ્કરની અધિકૃત વેબસાઇટ પર આવેલી ‘ઇન મેમોરિયમ’ યાદીમાં સામેલ કરવામાં આવ્યું હતું, પરંતુ લાઇવ ટેલિકાસ્ટ દરમ્યાન તેમનો ઉલ્લેખ ન થતાં ભારતમાં તેમના ચાહકોમાં આશ્ચર્ય અને નિરાશા જોવા મળ્યાં હતાં.
આ મુદ્દે પ્રતિક્રિયા આપતાં હેમા માલિનીએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘આ ખરેખર શરમજનક છે. વિશ્વના ઘણા ભાગોમાં લાખો લોકોને પ્રેરણા આપનાર આ અભિનેતાની અવગણના યોગ્ય નથી. ધરમજી દુનિયાભરમાં ઓળખાતા હતા. જોકે તેઓ પોતે કદાચ આ બાબતે ખાસ ચિંતા નહોતા કરતા. તેમણે પોતાની સમગ્ર કરીઅરમાં અવૉર્ડ્સ પર ખાસ ધ્યાન આપ્યું નહોતું. આપણા દેશમાં મળેલો પ્રેમ જ તેમનો સૌથી મોટો અવૉર્ડ હતો.’
ADVERTISEMENT
ઑસ્કર અવૉર્ડ્સના મંચ પર દિવંગત ધર્મેન્દ્રની અવગણનાથી ફૅન્સ અપસેટ
ઑસ્કર અવૉર્ડ્સના મંચ પર ‘ઇન મેમોરિયમ’ સેગમેન્ટમાં દુનિયાને અલવિદા કહી ચૂકેલા સિનેમાજગતના દિગ્ગજોને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે, પરંતુ આ વખતે હિન્દી સિનેમાના જાણીતા સ્ટાર દિવંગત ધર્મેન્દ્રનો આમાં સમાવેશ કરવામાં આવ્યો નહોતો. દાયકાઓ સુધી ફિલ્મો દ્વારા કરોડો દિલો પર રાજ કરનાર ધર્મેન્દ્રની આ અવગણનાએ વિશ્વભરના ભારતીય દર્શકોને આશ્ચર્યમાં મૂકી દીધા છે. સોશ્યલ મીડિયા પર ફૅન્સ આ બાબતે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે અને પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે વૈશ્વિક મંચ પર ભારતીય સિનેમાના આવા મોટા સ્તંભને સન્માન કેમ ન મળ્યું?
આ પહેલાં ઑસ્કરના મંચ પર નીતિન ચંદ્રકાંત દેસાઈને ૨૦૨૪માં, ઇરફાન અને ભાનુ અથૈયાને ૨૦૨૧માં અને શ્રીદેવી તથા શશી કપૂરને ૨૦૧૮માં મૃત્યુ પછી આ સન્માન મળ્યું હતું.
ધર્મેન્દ્રએ કમર્શિયલ અને પૅરૅલલ સિનેમા બન્નેમાં પોતાની અનોખી છાપ છોડી છે અને નવી પેઢીના કલાકારો માટે પ્રેરણા બન્યા છે. એમ છતાં ઑસ્કરના વૈશ્વિક મંચ પર ‘ઇન મેમોરિયમ’ સેગમેન્ટમાં તેમને સ્થાન ન મળવાથી તેમના કરોડો ચાહકો ભારે આંચકો લાગ્યો છે.
