શંકરરાવ કોલ્હે સહકારી ખાંડ ફૅક્ટરીના ચૅરમૅન વિવેક કોલ્હેએ કહ્યું હતું કે ‘દેશમાં એથનૉલનું ઉત્પાદન નોંધપાત્ર રીતે વધ્યું છે
શુગર ફૅક્ટરીમાં બાય-પ્રોડક્ટ તરીકે નીકળતા એથનૉલ દ્વારા ચૂલો સફળતાપૂર્વક ચાલુ કરી શકાયો છે.
અખાતી દેશોમાં ચાલી રહેલી યુદ્ધ જેવી પરિસ્થિતિની અસરો હવે ભારતમાં પણ જોવા મળી રહી છે. જોકે ઘરમાં વપરાતા ગૅસનો પુરવઠો હાલમાં સુગમ છે, પરંતુ હોટેલો અને સ્મૉલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝમાં જરૂરી કમર્શિયલ ગૅસની અછત ઘણી જગ્યાએ વર્તાવા લાગી છે. આ સ્થિતિમાં કેટલીક જગ્યાએ હોટેલો અને ઉદ્યોગોએ ચૂલાનો વિકલ્પ અપનાવ્યો છે. જોકે ઇમ્પોર્ટેડ ક્રૂડ ઑઇલ પરની ડિપેન્ડન્સી ઘટાડવા માટે મહારાષ્ટ્રના સંજીવની ગ્રુપ (સહકાર મહર્ષિ શંકરરાવ કોલ્હે કો-ઑપરેટિવ શુગર ફૅક્ટરી)એ અહિલ્યાનગર જિલ્લાના કોપરગાંવ તાલુકામાં એથનૉલથી ચાલતા ચૂલા પર અનોખું સંશોધન કર્યું છે.
કોપરગાવ તાલુકામાં સંજીવની ગ્રુપે અગાઉ CNG પ્લાન્ટ સ્થાપ્યો હતો અને CNGનું ઉત્પાદન શરૂ કર્યું હતું. ત્યાર બાદ આ ફૅક્ટરીએ હવે કમર્શિયલ ગૅસનો વિકલ્પ શોધવાનો પ્રયાસ કર્યો છે. પુણેમાં એક સંશોધન સંસ્થાની મદદથી એથનૉલથી ચાલતા ચૂલા પર સંશોધન કરવામાં આવ્યું છે. રસપ્રદ વાત એ છે કે આ ચૂલાનો ખર્ચ હાલના કમર્શિયલ ગૅસ કરતાં ઓછો છે અને એ વધુ પરવડે એવો હોઈ શકે છે.
ADVERTISEMENT
શંકરરાવ કોલ્હે સહકારી ખાંડ ફૅક્ટરીના ચૅરમૅન વિવેક કોલ્હેએ કહ્યું હતું કે ‘દેશમાં એથનૉલનું ઉત્પાદન નોંધપાત્ર રીતે વધ્યું છે. પેટ્રોલમાં એથનૉલ ભેળવવાની પરવાનગી મળ્યા પછી પણ લગભગ ૧૦૦૦ કરોડ લીટર વધારાનું એથનૉલ ઉપલબ્ધ છે. જો સરકાર એથનૉલ ગૅસ અથવા એથનૉલથી ચાલતા ચૂલા જેવા સંશોધનને નીતિગત પૉલિસી બનાવીને મંજૂરી આપે તો સહકારી ક્ષેત્રને ઘણો ફાયદો થઈ શકે છે. જો સરકાર એથનૉલ ચૂલા અથવા એથનૉલ ગૅસને મંજૂરી આપે તો ટ્રાન્સપોર્ટેશનના ફ્યુઅલનો મોટો ખર્ચ બચાવી શકાય છે. આ ઉપરાંત ઇમ્પોર્ટેડ ક્રૂડ ઑઇલ પર પણ ઓછું ડિપેન્ડ રહેવું પડશે. કેન્યા જેવા દેશોમાં લગભગ ૧૫ લાખ ઘરો આવા ચૂલાનો ઉપયોગ કરી રહ્યા છે. આ સંશોધન લગભગ બે વર્ષ પહેલાં પુણેની એક કંપની સાથે કરાર કરીને પૂરું કરવામાં આવ્યું હતું. જોકે હાલ આ સંદર્ભમાં કોઈ સ્પષ્ટ સરકારી નીતિ ન હોવાથી આ પ્રોજેક્ટને મુલતવી રાખવામાં આવ્યો છે.’
