પૂજારી થારુરામે ભારતમાં આવીને રામ મંદિરમાં મા ગંગા પાસે પાકિસ્તાનમાં પણ રામ મંદિર બાંધવામાં આવે એવી માગણી કરી હતી.
પ્રતીકાત્મક તસવીર
અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બાંધવામાં આવ્યા બાદ દેશ અને દુનિયાના ખૂણે-ખૂણેથી ભાવિકો રામ મંદિરનાં દર્શને આવી રહ્યા છે ત્યારે હવે પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ રામ મંદિર બાંધવાની શરૂઆત કરવામાં આવી છે. સિંધ પ્રાંતના થારપારકર જિલ્લાના મેઘવાલ બાડા ગામમાં રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે.
આ ગામના હિન્દુ સમાજે ભક્તિ અને વિશ્વાસનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. મંદિરના પૂજારી થારુરામે જણાવ્યું હતું કે ‘આ મંદિર કોઈ સરકારી યોજનાનો હિસ્સો નથી કે પાકિસ્તાનની કોઈ રાજકીય પાર્ટીનું એને સમર્થન નથી, પણ ગામના લોકોએ એ બનાવવાની શરૂઆત કરી છે. માત્ર જન આસ્થા અને શ્રદ્ધાના પાયા પર આ મંદિરનું નિર્માણકાર્ય છ મહિનાથી થઈ રહ્યું છે.’
ADVERTISEMENT
પૂજારી થારુરામે ભારતમાં આવીને રામ મંદિરમાં મા ગંગા પાસે પાકિસ્તાનમાં પણ રામ મંદિર બાંધવામાં આવે એવી માગણી કરી હતી. આ મંદિર બનાવવા માટે પાકિસ્તાનના વિવિધ હિસ્સાના લોકો મદદ કરી રહ્યા છે અને છ મહિનાથી નિર્માણ થઈ રહ્યું છે. મુખ્ય મંદિર બની ગયું છે અને મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા બાકી છે. મંદિરની બાઉન્ડરી પણ બની ગઈ છે અને પરિસરની અંદર કામ ચાલી રહ્યું છે. ભારતના રામ મંદિરમાં દર્શન માટે ભારત નહીં આવી શકનારા પાકિસ્તાનના હિન્દુ ભાવિકો આ મંદિરમાં ભગવાન રામનાં દર્શન કરવા જઈ શકશે.
મંદિરના પૂજારી થારુરામે આ મંદિર બનાવવા માટે યોગદાન આપ્યું છે. તેઓ હાલમાં જ અયોધ્યાથી પાછા ફર્યા હતા અને સાથે પવિત્ર ગંગાજળ પણ લઈને ગયા છે. તેમણે મા ગંગાને પ્રાર્થના કરી હતી કે મને ધન-દૌલત નથી જોઈતી, માત્ર રામ મંદિર જોઈએ છે.

