જાનહાનિ નહીં પણ ઘણા ડ્રાઇવરો થયા ઘાયલ
માર્ગઅકસ્માત
હરિયાણાના રેવાડી જિલ્લામાં નૅશનલ હાઇવે 352D પર ગઈ કાલે વહેલી સવારે ગાઢ ધુમ્મસને લીધે વિઝિબિલિટીમાં ઘટાડો થતાં મોટો માર્ગઅકસ્માત થયો હતો, જેમાં આશરે ૩૪થી ૪૦ વાહનો એકબીજા સાથે ભટકાયાં હતાં. એમાં બસો, ટ્રકો અને ફોર-વ્હીલરનો સમાવેશ છે. પ્રારંભિક માહિતી અનુસાર વહેલી સવારે ત્રણથી ૪ બસ એકબીજા સાથે અથડાઈ હતી. આ બસ રેવાડીથી ઝજ્જર તરફ જઈ રહી હતી ત્યારે આ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ઘણા મુસાફરો ઘાયલ થયા છે. ઘાયલોની ચોક્કસ સંખ્યાની હજી સુધી પુષ્ટિ મળી નથી. ત્યાર બાદ આ બસો સાથે બીજાં વાહનો પણ ટકરાયાં હતાં. આના કારણે હાઇવે પર એક પછી એક વાહનોની ટક્કર થઈ હતી જેમાં ઘણા ડ્રાઇવરો ઘાયલ થયા હતા.
પંજાબમાં ગાઢ ધુમ્મસથી કાર નહેરમાં પડી, શિક્ષક દંપતીએ જીવ ગુમાવ્યો
ADVERTISEMENT
પંજાબના મોગા જિલ્લામાં ગઈ કાલે સવારે ગાઢ ધુમ્મસને કારણે રસ્તા પર વિઝિબિલિટીમાં ભારે ઘટાડાને કારણે મોગા જિલ્લાની સરકારી સ્કૂલના શિક્ષક દંપતીની કાર નહેરમાં પડી જતાં તેમણે જીવ ગુમાવ્યો હતો. જસ કરણ સિંહ તેમની પત્ની કમલજિત કૌરને પંજાબ જિલ્લાપરિષદની ચૂંટણી માટે સંગતપુરા ગામમાં મતદાનમથક પર ચૂંટણી-ફરજ પર લઈ જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો હતો. ભારે ધુમ્મસને કારણે આગળનો રસ્તો સ્પષ્ટ દેખાતો નહોતો, જેને કારણે કાર નિયંત્રણની બહાર ગઈ હતી અને રસ્તાની બાજુમાં વહેતી નહેરમાં પડી ગઈ હતી. પતિ-પત્ની બન્નેએ ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યો હતો. કમલજિત કૌર સંગતપુરાના મતદાનમથક પર ચૂંટણી-ફરજ પર જતાં હતાં. જસ કરણ સિંહ અંગ્રેજીના શિક્ષક હતા. બન્ને મોગા જિલ્લામાં સરકારી સ્કૂલનાં શિક્ષકો હતાં.


