PM Modi UAE Visit: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અબુ ધાબી મુલાકાત દરમિયાન યુએઈ અને ભારત વચ્ચે મહત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર થયા; બંને દેશો વચ્ચે એલપીજી સપ્લાય અંગે એક કરાર થયો; જ્યારે સંરક્ષણ માળખા પર સર્વસંમતિ સ્થાપિત થઈ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન અબુ ધાબીમાં એક મુલાકાત દરમિયાન (તસવીર સૌજન્યઃ પીટીઆઈ)
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) પાંચ દેશોના પ્રવાસના પ્રથમ તબક્કા હેઠળ શુક્રવારે સંયુક્ત આરબ અમીરાત (United Arab Emirates)ની રાજધાની અબુ ધાબી (Abu Dhabi) પહોંચ્યા છે. અબુ ધાબીમાં (PM Modi UAE Visit) રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન (Sheikh Mohammed bin Zayed Al Nahyan) દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ બંને વૈશ્વિક નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી, જેમાં સંરક્ષણ અને ઉર્જા ક્ષેત્ર સહિતના મહત્વના કરારો પર અંતિમ મહોર મારવામાં આવી છે. ખાસ કરીને બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક સંરક્ષણ ભાગીદારી (Strategic Defense Partnership)ને મજબૂત કરવા માટે એક મહત્વપૂર્ણ ફ્રેમવર્ક પર સહમતી સધાઈ છે.
ઈરાન (Iran) અને ઈઝરાયેલ (Israel)ના સમર્થનવાળા અમેરિકા (United States) વચ્ચેના યુદ્ધના કારણે સમગ્ર વિશ્વ જ્યારે ગંભીર ઉર્જા કટોકટીનો સામનો કરી રહ્યું છે, ત્યારે ભારત (India)એ આ યુદ્ધની અસરોને હળવી કરવા માટે સંયુક્ત આરબ અમીરાત (UAE) સાથે એક મહત્વપૂર્ણ વ્યૂહાત્મક કરાર કર્યો છે. આ સમજૂતી હેઠળ ભારતને લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ (Liquified Petroleum Gas - LPG)નો પુરવઠો પૂરો પાડવામાં આવશે, જેથી દેશમાં ઈંધણની અછત વરતાય નહીં અને સ્થાનિક બજારમાં સ્થિરતા જાળવી શકાય.
ADVERTISEMENT
ભારત વૈશ્વિક સ્તરે એલપીજી (LPG) નો બીજા નંબરનો સૌથી મોટો આયાતકાર દેશ છે, જે દર્શાવે છે કે વૈશ્વિક તણાવની આ સ્થિતિમાં પૂરતો પુરવઠો સુનિશ્ચિત કરવા માટે આ કરાર અત્યંત મહત્વપૂર્ણ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંયુક્ત આરબ અમીરાત (UAE) ના માત્ર બે કલાકના ટૂંકા પ્રવાસ દરમિયાન આ વ્યૂહાત્મક ડીલ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
એલપીજી કરાર ઉપરાંત, બંને દેશોએ વ્યૂહાત્મક પેટ્રોલિયમ અનામત (Strategic Petroleum Reserves) અંગેના સમજૂતી કરાર (MoU) પર પણ સહી કરી છે. આ સમજૂતી એવા સમયે થઈ છે જ્યારે શુક્રવાર, ૧૫ મેના રોજ જ ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર ત્રણ રુપિયા સુધીનો વધારો ઝીંકવામાં આવ્યો છે.
ભારત-નોર્ડિક સમિટ (India–Nordic Summit)માં ભાગ લેવા જઈ રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અબુ ધાબીના ટૂંકા રોકાણ દરમિયાન આ મહત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર કર્યા હતા. પશ્ચિમ એશિયા (West Asia)માં ચાલી રહેલી અશાંતિ અને તણાવની સ્થિતિ વચ્ચે, પીએમ મોદીએ તેમની આ ટૂંકી મુલાકાત દરમિયાન યુએઈ (UAE)ના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન (MBZ) સાથે મુલાકાત કરીને આ દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવ્યા છે.
ભારત અને યુએઈ વચ્ચે બંને દેશોની વ્યૂહાત્મક સંરક્ષણ ભાગીદારીના માળખા (ફ્રેમવર્ક) અંગે પણ એક સમજૂતી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, ગુજરાતના વાડીનાર ખાતે શિપ રિપેર ક્લસ્ટર (વહાણ સમારકામ કેન્દ્ર) સ્થાપવા અંગેના એક એમઓયુ પર પણ સહમતી સધાઈ છે.
યુએઈના ફાઈટર જેટે પીએમ મોદીના વિમાનને કર્યું એસ્કોર્ટ
યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ સાથે યોજાયેલી પ્રતિનિધિમંડળ સ્તરની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ભવ્ય અને ઉષ્માભર્યા સ્વાગત બદલ આભાર વ્યક્ત કર્યો હતો. પીએમ મોદીએ જણાવ્યું કે, ‘તમે કહ્યું તેમ, હું મારા બીજા ઘરે આવ્યો છું. આ લાગણી મારા જીવનની બહુ મોટી મૂડી છે. આજે તમારી વાયુસેનાના જેટે મારા વિમાનને એસ્કોર્ટ કર્યું, જે ભારતની જનતા માટે ખૂબ જ ગર્વ અને સન્માનની વાત છે.’
ઉલ્લેખનીય છે કે, પીએમ મોદીનું વિમાન જ્યારે યુએઈની હવાઈ સીમામાં પ્રવેશ્યું, ત્યારે ખાડી દેશે તેમના સન્માનમાં પોતાના અત્યાધુનિક એફ-16 (F-16) ફાઈટર જેટ વિમાનોને પીએમ મોદીના પ્લેનની સુરક્ષા અને સ્વાગત (એસ્કોર્ટ) માટે તૈનાત કર્યા હતા.
