શ્રીલંકામાં નરેન્દ્ર મોદીને આપવામાં આવ્યો મિત્ર વિભૂષણ અવૉર્ડ
ગઈ કાલે નરેન્દ્ર મોદીને મિત્ર વિભૂષણ અવૉર્ડથી નવાજતા શ્રીલંકન પ્રમુખ અનુરા દિસાનાયકે.
૨૦૧૯ બાદ પહેલી વાર ત્રણ દિવસના પ્રવાસ પર શ્રીલંકા પહોંચેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. અહીં શનિવારે શ્રીલંકાના પ્રમુખ અનુરા કુમારા દિસાનાયકે નરેન્દ્ર મોદીને ‘મિત્ર વિભૂષણ પુરસ્કાર’થી સન્માનિત કર્યા હતા. આ કોઈ દેશ દ્વારા વડા પ્રધાન મોદીને આપવામાં આવેલો બાવીસમો આંતરરાષ્ટ્રીય પુરસ્કાર છે.

ADVERTISEMENT
નરેન્દ્ર મોદીએ કોલંબોમાં શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા દિસાનાયકે સાથે સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધિત કરી હતી જેમાં તેમણે કહ્યું હતું કે ‘આ ૧૪૦ કરોડ ભારતીયોનું સન્માન છે. શ્રીલંકા પ્રગતિના માર્ગ પર આગળ વધી રહ્યું છે. આ ભારત અને શ્રીલંકા વચ્ચેના ઐતિહાસિક સંબંધો અને ગાઢ મિત્રતાનું સન્માન છે. ૨૦૧૯નો આતંકવાદી હુમલો હોય, કોવિડ મહામારી હોય કે તાજેતરનું આર્થિક સંકટ હોય, ભારત દરેક મુશ્કેલ પરિસ્થિતિમાં શ્રીલંકાના લોકોની સાથે ઊભું રહ્યું છે. ભારત માટે ગર્વની વાત છે કે આપણે એક સાચા પાડોશી મિત્ર તરીકેની આપણી ફરજો નિભાવી છે. ‘શ્રીલંકા મિત્ર વિભૂષણ’ પુરસ્કાર મેળવવો એ ગર્વની વાત છે. શ્રીલંકા ફક્ત પાડોશી જ નહીં, આપણો મિત્ર પણ છે.’
મિત્ર વિભૂષણ પુરસ્કાર શું છે?

‘મિત્ર વિભૂષણ પુરસ્કાર’ શ્રીલંકાનો સર્વોચ્ચ બિન-નાગરિક અવૉર્ડ છે. આ સન્માન વિદેશી હસ્તીઓને આપવામાં આવે છે. શ્રીલંકાની સરકાર આ પુરસ્કારો એવા રાષ્ટ્ર અધ્યક્ષોને આપે છે જેમના શ્રીલંકા સાથે મૈત્રીપૂર્ણ સંબંધો હોય છે. આ પુરસ્કારમાં રજત પદક અને પ્રશસ્તિપત્ર આપવામાં આવે છે. આ અવૉર્ડ શ્રીલંકાના નવ રત્નોથી શણગારવામાં આવે છે. એમાં ચંદ્ર, સૂર્ય, પૃથ્વી અને કમળની પાંખડીઓ બનેલી હોય છે. મેડલ પર ‘પુન કલાસ’ કોતરેલું હોય છે. એ ચોખાથી ભરેલું વાસણ છે. એને સમૃદ્ધિ અને નવીનીકરણનું પ્રતીક માનવામાં આવે છે. મેડલ પર સૂર્ય અને ચંદ્ર ભારત અને શ્રીલંકા વચ્ચેના સંબંધોની શાશ્વત પ્રકૃતિને દર્શાવે છે.


